પાદરા વડુ પંથકના અંતરિયાળ ગામોમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો છે. ત્યારે સોમવારે પાદરાના આમળા ગામમાં ઘરેથી ક્લિનીક ચલાવતો બોગસ ડોક્ટર પકડાતા પાદરા-વડુ પંથકના ગામોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાદરા-વડુ પંથકમાં છેલ્લા એક વર્ષથી વધુનો સમય દરમિયાન કોરોનાએ પકડ જમાવી હતી. જેમાં અત્યાર સુધીમાં 4200 જેટલા કોરોના સંક્રમિતો નોંધાયા છે. 10 લોકો કોરોનાના કારણે મોત થયાનું તંત્રના ચોપડે નોંધાયુ છે. જોકે બિનસત્તાવાર રીતે કોરોનાના કારણે 500 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો જાણવા મળે છે.
ત્યારે પાદરા-વડુ પંથકમાં કોરોના કાળમાં બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો હતો. જેમાં કેટલાક આઉટ સ્ટેટથી આવી ગ્રામ્ય વિસ્તારમાં સ્થાયી થયેલા લોકો ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. કેટલાક બની બેઠેલા બોગસ ડોક્ટરો અન્ય ગામોમાં કન્સલ્ટિંગ ટાઈમ મુજબ દવાખાનું ખોલી દર્દીઓને લૂંટી રહ્યા હતા. જેઓની આજે પણ આ પ્રેક્ટિસ ચાલુ છે. કેટલાક બોગસ ડોક્ટરો બેગ લઇ વિઝિટ મારતા હતા. તો કેટલાક અન્ય જગ્યાએ દવાખાના ખોલી લોકોને લૂંટી રહ્યા હોવાની બૂમ ઉઠી છે.
સોમવારે પાદરાના આમળા ગામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતા શખ્સને એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો. જેને પગલે પંથકમાં બોગસ ક્લિનિક ચલાવતા બની બેઠેલા ડોકટરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાદરા-વડુ પંથકમાં તંત્ર દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવે તો અનેક બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરતા મળી આવે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.