પાદરામાં કોરોનાના વધુ 2 નવા કેસ નોંધાયા હતા. આમ પાદરામાં કોરોનાના સત્તાવાર રીતે 6 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જણાવ્યું હતું જ્યારે બિનસત્તાવાર રીતે કોરોનાના ૨૬ કેસ નોંધાયા હતા રાજ્યમાં કોરોના સહિત ઓમીક્રોન વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે પાદરામાં પણ કોરોનાના કેસોમાં રોજેરોજ સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને પાદરા આરોગ્ય ખાતાની ચિંતામાં વધારો થયો છે. પાદરા શહેરમાંથી સોમવારે કોરોના વાયરસના વધુ 2 કેસ મળી આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.
કોરોનાની ત્રીજી લહેર ખુબજ તેજ ગતિએ પ્રસરી રહેલ છે. પાદરા સહિત તાલુકામાં કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા તે માટેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાદરા આરોગ્ય તંત્ર દ્વારા વિતેલા 24 કલાક દરમિયાન આર.ટી.પી.સી.આર 369, તેમજ રેપીડ એન્ટીજનના 40 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
વાઘોડિયામાં 2 વિદ્યાર્થી સહિત 6 પોઝિટિવ
વાઘોડિયા તાલુકામાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નોંધાતા આરોગ્ય વિભાગ ફરી એક્શનમાં આવ્યું છે. સોમવારે 2 વિદ્યાર્થી તેમજ વાઘોડિયા પોલીસ અધિકારી સહિત કુલ કોરોનાનાં 6 કેસ વાઘોડિયા તાલુકામાં નોંધાયા છે. જેને લઈ ગામમાં ફફડાટ વ્યાપ્યો છે. વાઘોડિયાના માડોધર રોડ પર આવેલ ડો. એન.જી.શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 12મા ભણતો 17 વર્ષીય વિદ્યાર્થી તેમજ પીપળીયા પાસે આવેલ એવલોન સ્કૂલની 5મા ધોરણની 11 વર્ષની વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વાઘોડિયા પોલીસ મથકના અધિકારી સહિત આરોગ્ય કર્મચારી સહિત કુલ 6 વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે. વાઘોડિયા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી શાળામાં સંક્રમિતોના સંપર્કમાં આવેલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સાથે જ વર્ગ ખંડને સેનિટાઈઝર પણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.