ગોરિયાદમાં મહેફિલ:ખેતરમાં દારૂ પીતા 10 પકડાયા પણ એકેય મોબાઇલ કે વાહન ન મળ્યું !

પાદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરાના ગોરિયાદ દારૂની મહેફિલ માણતા પાદરાના પૂર્વ કોંગી પ્રમુખ સહિત 10 શખ્સ પકડાયા હતા. - Divya Bhaskar
પાદરાના ગોરિયાદ દારૂની મહેફિલ માણતા પાદરાના પૂર્વ કોંગી પ્રમુખ સહિત 10 શખ્સ પકડાયા હતા.
  • પાદરાના પૂર્વ કોંગી પ્રમુખ પણ ઝડપાયા
  • તમામ પીધેલા​​​​​​​ નબીરાઓનું મેડિકલ પરીક્ષણ કરાયું

પાદરા પાસે ગોરિયાદથી સેજકૂવા તરફના રસ્તે ખેતરમાં ભરબપોરે દારૂની મહેફિલ માણતા પાદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 10ને પાદરા પોલીસે ઝડપી લીધા હતા. જોકે પોલીસને દરોડામાં પીધલા પાસેથી મોબાઇલ કે વાહન ન મળતાં પોલીસે ભીનું સંકેલ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

રવિવારે પાદરા પોલીસને બાતમી મળી કે, ગોરિયાદથી સેજકૂવા તરફ જતા રસ્તે ખેતરમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જેથી દરોડો પાડતાં દારૂની મહેફિલ માણતા 10 શખ્સ જોવા મળ્યા હતા. પોલીસને 10 ગ્લાસ તથા દારૂની બોટલ મળી હતી. તમામ 10 શખ્સોની ચકાસણી કરતાં તેમણે નશો કર્યો હોવાનું જણાતાં અટકાયત કરી પાદરા પોલીસ સ્ટેશનમાં લાવી ગુનો નોંધી મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. પીધેલી હાલતમાં પકડાયેલામાં પાદરાના કોંગ્રસના પૂર્વ પ્રમુખ સંજય રાવજી સોલંકી સહિત તેના ભાઇનો પણ સમાવેશ થાય છે. પાદરાથી આ સ્થળ 5 કિમી દૂર છે અને નબીરા પકડાયા ત્યારે પોલીસે મોબાઇલ કે વાહનો પણ કબજે કર્યાં ન હતાં. પોલીસે ભીનું સંકેલ્યું હોવાની ચર્ચા છે. આ શખ્સો ચાલતા ગયા હતા અને તેમની પાસે મોબાઇલ સુધ્ધાં ન હતા તેવો સવાલ પાદરા PSI જાડેજાને પૂછાતાં તેમણે જણાવ્યું કે, અમે રેડ પાડી ત્યારે કંઇ મળ્યું ન હતું.

આ 10 શખ્સો પીધેલા પકડાયા
પોલીસે પીધેલી હાલતમાં સંજય રાવજીભાઈ સોલંકી, મયુરસિંહ નટવરસિંહ પરમાર, મહેન્દ્ર બાબુ સોલંકી, વિજય બાબુ લુહાર, જય સુધીર પટેલ, મીત વિષ્ણુ પ્રજાપતિ, આરીફ અનવર વ્હોરા, હાર્દિક જયંતીભાઈ ગોહિલ, પ્રણયસિંહ કિશોરસિંહ ગોહિલ અને વિજય રાવજી સોલંકીને ઝડપી પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...