ક્રાઇમ:ચરસ-ગાંજાનો વેપલો કરનાર ઝરીના-અબ્દુલ્લા પટેલ ઝબ્બે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ માસ પહેલાં ભાઇ-બહેન નશીલા પદાર્થ વેચતાં પકડાયાં હતાં
  • ​​​​​​​ગાંજા અને ચરસ સહિત 1 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો

દોઢ માસ પહેલાં શહેરમાં ઓપી રોડ પર આવિષ્કાર કોમ્પ્લેક્સ પાસેથી શહેર પીસીબી પોલીસે ચરસ અને ગાંજાનું વેચાણ કરી રહેલાં બે સગાં ભાઇ-બહેન સહિત 2 યુવક અને 2 યુવતીને ઝડપી તમામ પાસેથી 562 ગ્રામ ગાંજો અને 10.25 ગ્રામ ચરસનો જથ્થો કબજે કર્યો હતો. દરમિયાન શહેર એસઓજી પોલીસે રવિવારે બંને યુવક-યુવતીનાં ફરાર માતા-પિતા અને ચરસ-ગાંજાનો વેપલો કરનારા અબ્દુલ્લા પટેલ અને ઝરીના પટેલને પણ ઝડપી લીધાં હતાં.

અગાઉ પોલીસે મુહસીનાના તાંદલજાના શકીલા પાર્ક સોસાયટીના મકાનમાં રેડ કરતાં તેનાં માતા-પિતા ફરાર થયેલાં જણાયાં હતાં. મકાનમાંથી પોલીસને ગાંજા -ચરસનો જથ્થો મળ્યો હતો. પોલીસે મીત ઠક્કર અને નુપુર સહગલને પણ ઝડપી પાડ્યાં હતાં. પોલીસે કુલ 562.18 ગ્રામ ગાંજો (કિંમતરૂા. 5621), 10.25 ગ્રામ (કિંમત 1025) ચરસ, 3 વાહનો, 4 મોબાઇલ ફોન, રોકડા 3600 મળીને રૂા.1.05 લાખનો મુદ્દામાલ કબજે કરી આણંદના દિલીપ કાકાને ઝડપી લીધો હતો.

દરમિયાન દોઢ માસથી ફરાર રહેલાં અબ્દુલ્લા ઇબ્રાહીમ પટેલ અને ઝરીના અબ્દુલ્લા પટેલ (બંને રહે. શકીલા પાર્ક, તાંદલજા) તેના ઘેર આવવાનાં છે, તેવી બાતમી એસઓજી પોલીસને મળતાં વોચ ગોઠવીને બંનેને ઝડપી લીધાં હતાં. પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ આદરી હતી.

અબ્દુલ્લા ગેસ રિફીલિંગ કૌભાંડમાં પણ સામેલ
અબ્દુલ્લા પટેલ અને ઝરીના પટેલને અદાલતમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, અબ્દુલ્લા પટેલ અગાઉ દારૂ સાથે પણ પકડાયો હતો, જ્યારે ગેસ રિફીલિંગના કૌભાંડમાં પણ તે પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...