તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Youth Was Attacked With A Sword Drawn From A Bike Without Paying Rs 1 Lakh, The Assailants Snatched Gold Chains And Mobile Phones And Fled In Vadodara

હુમલો:વડોદરામાં ઉછીના 1 લાખ રૂપિયા ન આપતા બાઇકમાંથી તલવાર કાઢીને યુવક ઉપર હુમલો, હુમલાખોરો સોનાની ચેન અને મોબાઇલ ફોન ઝૂંટવી ફરાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાગરીતોએ હોકીના ફટકા તથા ગડદાપાટુનો માર મારીને ફરિયાદીની બાઈકને તોડફોડ કરી નુકસાન પહોચાડ્યું. હતું

વડોદરા શહેરના સમા વિસ્તારમાં ધંધો કરવા માટે ઉછીના એક લાખ રૂપિયા નહીં આપતા યુવક ઉપર હુમલાખોરોએ તલવાર અને હોકી વડે હુમલો કરી બાઈકની તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે સમા પોલીસે ચારેય હુમલાખોરો વિરુદ્ધ મારામારી અને લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

હુમલો કર્યા બાદ બાઇકની તોડફોડ કરી
વડોદરા શહેરના સમા સંજયનગરમાં આવેલા માળી મહોલ્લામાં રહેતો હિંમત માળી છૂટક મજૂરી કરે છે. તેણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે સમા તળાવ સૌચાલય નજીક સુનીલ બારીયા અને રુદન રાજપુત બાઇક લઇને ધસી આવ્યા હતા અને ધંધો કરવા માટે ઉછીના 1 લાખ રૂપિયાની માગ કરી હતી. પોતાની પાસે રૂપિયા ન હોવાનું હિંમત માળીએ જણાવતાં ઉશ્કેરાયેલા સુનીલ બારીયાએ હિંમત માળીની બાઇકને લાત મારી ફેંકી દઇને બાઇકમાંથી તલવાર કાઢી હુમલો કર્યો હતો. તે સમયે તેના અન્ય સાગરીત સૌરવ ઉર્ફે સેફો સોલંકી અને શૈલેષ બારીયાએ પણ માર માર્યો હતો. જ્યારે રુદન રાજપૂતે હોકીના ફટકા માર્યા હતા અને ગળામાં પહેરેલી સોનાની ચેન તથા મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હુમલાખોરો નાસી છૂટ્યા હતા. આ હુમલામાં હિંમત માળી ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બાઇકને તોડફોડ કરતાં નુકસાન પહોંચ્યું હતું.

સ્ટુડિયો સંચાલક અને સફાઈ કામદારો વચ્ચે છૂટાહાથની મારામારી
બીજી એક બનાવમાં વડોદરા શહેરના ભાઇલી ગામે આવેલા એરિસ્ટો કોમ્પલેક્ષમાં સફાઈ મુદ્દે સ્ટુડિયો સંચાલક અને સફાઈ કામદારો વચ્ચે છૂટા હાથની મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે 7 શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અપશબ્દો બોલી ઝપાઝપી કરી
પૂર્વીબેન સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંગળવારે તેઓ પતિ સાથે ભાયલી ગામે આવેલા એરિસ્ટો કોમ્પલેક્ષમાં સફાઈ કરી રહ્યા હતા, તે સમયે કોમ્પ્લેક્સના પહેલા માળે સ્ટુડિયો પાસે ફર્નિચરનું કામ ચાલતું હોય તે જગ્યા સાફ કરી ન હતી જેથી સ્ટુડિયોના માલિક વિરલ કંડેલે સફાઈ માટે જણાવતા પૂર્વીબેનએ ફર્નિચરની કામગીરી પૂર્ણ થયા બાદ સફાઈ કરવા જણાવતા ઉશ્કેરાયેલા વિરલભાઇએ પતિ ધવલને અપશબ્દો બોલી ઝપાઝપી કરી કપડાં ફાડી નાખ્યા હતા અને જાતિ વિરુદ્ધના શબ્દો બોલી અપમાન કર્યું હતું. જેના આધારે પોલીસે વિરલભાઇ કંડેલ, નીતિનભાઈ રાવળ અને રવિભાઈ પીઠવા(ત્રણેય રહે, ગોત્રી રોડ, વડોદરા )વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

સાફ-સફાઈના દર મહિને 1 હજાર લેખે માગ કરી
તો સામા પક્ષે વિરલભાઇએ ફરિયાદ નોંધાવી હતી કે, સફાઇ બાબતે પૂર્વીબેને અભદ્ર વર્તન કરી તેના પતિ ધવલ તથા ચંપાબેન અને કેયુરે ઝપાઝપી કરી અપશબ્દો બોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી સાફ-સફાઈના દર મહિને 1 હજાર લેખે માગ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે પૂર્વીબેન, ધવલભાઇ, ચંપાબેન અને કેયુરભાઇ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો

અન્ય સમાચારો પણ છે...