અપહરણનો કેસ પાછો ખેંચવા ધમકી:વડોદરાના સાવલીમાં યુવાને યુવતીની ભાવી સાસુને બીભત્સ વીડિયો મોકલ્યા, 6 સામે ફરિયાદ

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવલી પોલીસ સ્ટેશન (ફાઈલ તસવીર) - Divya Bhaskar
સાવલી પોલીસ સ્ટેશન (ફાઈલ તસવીર)

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લોટના ગામનો યુવાન સાવલી તાલુકાના એક ગામની સગીરાને અગાઉ ભગાડી ગયો હતો. આ અંગે પોલીસ કેસ થયો હતો. આ કેસ પરત ખેંચી લેવા યુવક ધમકી આપતો હતો. દરમિયાન સગીરાના લગ્ન નક્કી થતાં તેની ભાવિ સાસુને યુવતીના બીભત્સ વીડિયો મોકલી આપ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે યુવક સહિત 6 સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી
સાવલી તાલુકાના એક ગામની યુવતી સારીકા (નામ બદલ્યું છે) સગીર વયની હતી, ત્યારે સાવલી તાલુકાના લોટના ગામના કમલેશ રાજેન્દ્ર વસાવા સાથે આંખ મળી ગઇ હતી. કમલેશ સારીકાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાબતે જે-તે સમયે ફરિયાદ દાખલ થઈ હતી અને કોર્ટમાં કેસ ચાલતો હતો. આ કેસ પાછો ખેંચી લેવાની સારીકાને કમલેશે ધમકી આપી હતી અને સારીકાનું અપહરણ કરી ગયો હતો. ત્યાર બાદ કમલેશે પોતાના ફોનમાં સારીકાના બીભત્સ વીડિયો ઉતાર્યા હતા.

ઇન્ટરનેટ પર વીડિયો વાઇરલ કરવાની ધમકી
દરમિયાન, કમલેશને જાણ થઈ હતી કે, સારીકાની સગાઈ થઈ છે, તેથી ઉશ્કેરાયેલા કમલેશે કોઈ વ્યક્તિના મોબાઈલથી સારીકાની ભાવિ સાસુને આ વીડિયો મોકલી દીધા હતા. બાદમાં કમલેશ, રામલો ઉર્ફે ભાવેશ પરમાર અને મહેન્દ્ર પરમાર સારીકાની સાસરીમાં ગયા હતા અને કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી આપી હતી અને જણાવ્યું કે, તું કેસ પરત નહીં ખેચે તો ઇન્ટરનેટ પર તમામ વીડિયો મૂકી દઈશું.

સગીરાને જાતી વિષયક અપશબ્દો બોલી ધમકી
દરમિયાન સારીકા ગત જુલાઇ માસની 15થી 30 દરમિયાન પોતાના ગામે પોતાના ઘરે હતી, ત્યારે સારીકા પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારે કમલેશ, રામલો, મહેન્દ્ર યશરાજ પરમાર અને સંજય ભાલિયા નામની ટોળકી સારીકાનો વારંવાર પીછો કરી કેસ પાછો ખેંચી લેવા ધમકી આપતા હતા અને જાતિ વિષયક ઉચ્ચારણ કરી રહ્યા હતા. તેથી કંટાળીને સારીકાએ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે 6 આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...