વડોદરા શહેરની મકરપુરા GIDCમાં આવેલી ખાનગી કંપનીની છત પર કામ કરી રહેલો યુવક નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. જેથી પરિવાર દ્વારા 60 લાખના વળતરની માંગ સાથે તેનો મૃતદેહ વડોદરા કલેક્ટર કચેરી ખાતે લઈ આવ્યા છે. જ્યાં સુધી વળતર અંગે બાંહેધરી નહીં અપાય ત્યાં સુધી અહીંથી હટશે નહીં તેમ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
70 ફૂટ ઊંચાઈએથી નીચે પટકાયો
વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી વિજય વાડીમાં રહેતા મહેશભાઈ ભાઈલાલભાઈ પરમાર મકરપુરા GIDC ખાતે આવેલી પોલિમેક પ્લાસ્ટ મશીન લિમિટેડ નામની કંપનીમાં છત ધોવા માટે ઉપર ચડ્યો હતો. જ્યાં 70 ફૂટ ઊંચાઈ પરથી તે નીચે પટકાયો અને તેનું મોત નીપજ્યું હતું.
60 લાખના વળતરની પરિવારની માંગ
આ બનાવ અંગે મહેશ પરમારના પિતા ભાઈલાલભાઈએ જણાવ્યું હતું કે, મારો પુત્ર મહેશ કંપનીની છત ધોવા માટે ઉપર ચડ્યો, ત્યારે તેને સેફ્ટીનાં કોઈ સાધનો આપવામાં આવ્યાં નહોતાં. તેમજ નીચે પણ તેની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નહોતી. જેથી આ સંપૂર્ણ બેદરકારી કંપનીની છે, ત્યારે મારા મૃતક પુત્રને ન્યાય મળવો જોઈએ. મારો પુત્ર પરિણીત છે અને તેને એક દીકરો પણ છે, જે નિરાધાર બન્યો છે. અમારી માંગણી છે કે, અમારો પુત્ર મહિને 30 હજાર રૂપિયા કમાતો હતો, તો તે પ્રમાણે અમને 60 લાખ રૂપિયા વળતર કંપની દ્વારા ચૂકવવામાં આવે.
બાંહેધરી નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં હટાવીએ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી કંપની દ્વારા વળતરની બાંહેધરી અમને નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે અમારા પુત્રના મૃતદેહને વડોદરા કલેક્ટર કચેરી ખાતેથી હટાવીશું નહીં અને અહીં જ બેસી રહીશું.
આઠ વર્ષના ગાળામાં બે પુત્ર ગુમાવ્યા
ઉલ્લેખનીય છે કે, ભાઈલાલભાઈએ વર્ષ 2014માં તેમનો એક પુત્ર અકસ્માતમાં ગુમાવ્યો હતો અને તેના વળતર અંગે હજુ વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે હવે તેમના બીજા પુત્રનું પણ કંપનીની છત પરથી પડતા મોત નીપજ્યું છે. આમ એક પિતાને આઠ વર્ષના સમયગાળામાં જ બબ્બે જુવાનજોધ પુત્ર ગુમાવવા પડ્યા છે જેને લીધે પરિવાર પર દુઃખનું આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
અગાઉ રણુની કંપનીમાં કર્મચારીનું મોત થયું હતું
10 દિવસ પહેલાં જ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામે આવેલી રિષી ફાઇબર્સ સોલ્યુશન કંપનીમાં કામ કરતા કર્મચારી પ્રતીક અરવિંદભાઈ પરમારનું કંપનીમાં કામ કરતી સમયે અકસ્માતે ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. કંપનીમાં કામ કરતા સમયે મોતને ભેટેલા કર્મચારીના મોત અંગે કંપની દ્વારા સંતોષકારક જવાબ ન મળતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી કંપની દ્વારા વડોદરા પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આવી સંતોષકારક વળતર અંગે ખાતરી આપશે નહીં, ત્યાં સુધી મૃતદેહ અંતિમવિધિ માટે લઇ ન જવાનો નિર્ણય કરી પોસ્ટમોર્ટમ રૂમની સામે ધરણાં ઉપર બેસી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.