તપાસ:મહી નદીમાં ડૂબતાં યુવકનું મોત, સગાએ લાશ ઘર પાસે ફેંકી દીધી

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી

સરદાર એસ્ટેટ પાસે કેન્યા નગર ઝૂંપડપટ્ટીમાં અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઝૂંપડપટ્ટી પાસે યુવકની લાશ મળતાં પોલીસને જાણ કરાઈ હતી. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે, યુવકનું મોત ડૂબવાના કારણે થયું હતું. લાશ જ્યાંથી મળી ત્યાં પાણી ન હોવાથી પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે, યુવક સંબંધીઓ સાથે ફાજલપુર ઉત્તરક્રિયામાં ગયો હતો અને ત્યાં ડૂબવાથી તેનું મોત થયું હતું. જોકે સંબંધીઓએ ઘરવાળાને જાણ કર્યા વગર યુવકનાે મૃતદેહને ઝાડીઓમાં ફેંકી દીધો હતો.

સરદાર એસ્ટેટ પાસે કેન્યા નગર ઝૂંપડપટ્ટીમાં રહેતો શ્યામ મનુભાઈ દેવીપૂજક (ઉ.વ-26)નો મૃતદેહ ગત સોમવારે રાત્રે ઝૂંપડપટ્ટીની નજીકથી મળ્યો હતો. જેથી ઘરવાળાઓએ બાપોદ પોલીસને જાણ કરી હતી. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં શ્યામનું મૃત્યુ ડૂબવાથી થયાનું જણાયું હતું.જેથી પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે, સોમવારે તે સંબંધીઓ સાથે ઉત્તરક્રિયા માટે ફાજલપુર ગયો હતો. જેથી શ્યામ જેમની સાથે ગયો હતો તેમની પૂછપરછ કરાઈ હતી. તેઓએ કહ્યું કે, સોમવારે શ્યામ સગા-સંબંધીઓ સાથે ફાજલપુર ખાતે ઉત્તરક્રિયા માટે ગયા હતા. જ્યાં ડૂબી જતાં તેનું મોત થયું હતું.