રખડતા ઢોરનો ત્રાસ:ગાયે ભેટી મારતાં યુવાનને માથે ટાંકા, પગમાં ફ્રેક્ચર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકોટા વિસ્તારમાં વહેલી સવારે બનેલી ઘટના
  • 15 દિવસ અગાઉ બળદે મહિલાને પાંસળી તોડી હતી

શહેરમાં રસ્તે રખડતા ઢોરને પગલે નિર્દોષ નાગરિકોને ઈજા થવાની ઘટના બંધ થવાનું નામ નથી લેતી. ફરી એક વખત અકોટા વિસ્તારમાં એક્ટીવા સવાર યુવકને ગાયે અડફેટે લેતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે જાણવા મળ્યા મુજબ જેતલપુર વિસ્તારમાં આવેલી સાહિબા રેસીડેન્સીમાં રહેતા અને એસી રીપેરીંગનું કામ કરતા 20 વર્ષીય વસીમ શેખ શનિવારે સવારે નાસ્તો કરવા માટે ગયા હતા. ત્યારે 6:48 વાગ્યાના સુમારે અકોટા વિસ્તારમાં આવેલી પટેલની ચાલી પાસે રસ્તે રખડતી ગાયે તેમને અડફેટે લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તબીબોએ તેમના માથામાં ભારે ઇજા થઇ હોવાને કારણે બે ટાંકા લીધા હતા. જ્યારે તેમના પગમાં પણ ફ્રેક્ચર થયું હોવાનું પણ જણાવતા સારવાર શરૂ કરવામાં આવી હતી. અકોટા વિસ્તારના સ્થાનિકો દ્વારા જણાવ્યા મુજબ આ જ વિસ્તારમાં 15 દિવસ અગાઉ પણ 40 વર્ષની એક મહિલાને એક બળદે ઇજા પહોંચાડી હતી. જેને પગલે તે મહિલાની છાતીની એક પાંસળી તૂટી ગઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે શહેરમાં પાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોરને કાબુમાં લેવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે તેવી બાંગો પોકારવામાં આવી રહી છે.

પરંતુ લોકો જે રીતે ઈજાગ્રસ્ત બને છે તેને જોતા આ પ્રયત્નો પણ યોગ્ય ન હોય તેની નાગરિકોમાં ચર્ચા છે. રખડતા ઢોરને કારણે શહેરમાં નાગરિકો ઇજાગ્રસ્ત થતા હોય તેવા કિસ્સા વણથંભ્યા છે. ત્યારે આવા વધુ કિસ્સા ના બને તે માટે તંત્રે કસવી જોઇએ તેટલી કમર તે કસતું નથી તે પણ વણથંભી ઘટનાઓ પુરવાર કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...