વડોદરાની દોડવીર દીકરી નિશાકુમારીએ સ્વાતંત્ર્યદિન 15 ઓગસ્ટની પૂર્વસંધ્યાએ પ્રતાપનગર સ્થિત પોલીસ પરેડ મેદાન પર સાંજના 5 વાગે દોડવાનું શરૂ કર્યું હતું. તે સતત 12 કલાક સુધી, એટલે કે વહેલી સવારના 5 વાગ્યા સુધી મેદાનની આસપાસ દોડતી રહી. કુલ 82 કિલોમીટર 12 કલાકમાં દોડી હતી અને એ પછી ઘડી પળનો વિરામ લીધા વગર ફ્રેશ થઈને રેલવે પોલીસ પરેડ મેદાન પર રાજ્યના ગૃહમંત્રીના હસ્તે યોજાયેલા આઝાદી અમૃત પર્વ ધ્વજવંદનમાં જોડાઈને રાષ્ટ્રધ્વજને સહુની સાથે સલામી આપી હતી.
યુવતીએ મનાલીથી લેહની 590 કિમીની સાઇકલયાત્રા કરી હતી
વડોદરાની દોડવીર નિશા કુમારીની સાહસયાત્રાના પ્રોત્સાહક અને રિબર્થ એડવેન્ચર સંસ્થાના સ્થાપક નિલેશ બારોટે જણાવ્યું હતું કે આ અગાઉ તેણે બેવાર સતત 12 કલાકની દોડની સિદ્ધિ મેળવી છે. તાજેતરમાં જ તેણે હિમાલયના પર્વતાળ અને બર્ફીલા પ્રદેશમાં લોકોને કોરોનાની રસી લેવા સમજાવવા માટે સાથીઓ સાથે મનાલીથી લેહની 590 કિલોમીટરની સાઇકલયાત્રા કરી હતી. લેહથી ખાર ડુંગલાની 90 કિલોમીટરની વિકટ સાઇકલયાત્રા એકલવીરના રૂપમાં કરી હતી.
સ્વાતંત્ર્યદિન સન્માન માટે યુવતી પસંદગી કરી હતી
કોરોના રસીના પ્રચારનો યાત્રાનો શુભ આશય જોઈને સત્તાવાળાઓએ પ્રતિબંધિત સરહદી વિસ્તારમાં તેની યાત્રાને ખાસ મંજૂરી આપી હતી. રસ્તાનાં ગામોમાં લોકોએ તેને આવકારી હતી. તેની આ સાહસિકતા, યુવા સમુદાયને પ્રેરણા આપતી પ્રવૃત્તિઓ અને કોરોના સામેની લડાઇમાં અનોખા યોગદાન માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ, જિલ્લા કલેકટર આર.બી.બારડની સૂચનાથી સ્વાતંત્ર્યદિન સન્માન માટે વિવિધ ક્ષેત્રોના કોરોના વોરિયર્સની સાથે નિશાકુમારીની પસંદગી કરાઈ હતી.
રાજ્યના ગૃહમંત્રીએ યુવતીનું સન્માન કર્યું
ધ્વજવંદન સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દોડવીર યુવતીને પ્રશસ્તિપત્ર પ્રદાન કરી સન્માનિત કરી હતી. તેમણે આ દીકરીની સાહસ અને સેવાપ્રવૃત્તિઓ જાણીને ધન્યવાદ આપ્યા હતા.
યુવતીનું એવરેસ્ટ સર કરવાનું લક્ષ્ય છે
નિશાકુમારીની સાહસયાત્રાનો આગલો અને આગવો પડાવ હિમાલય ગિરિમાળાનો સત્તોપંથ પર્વત છે. તેણે 23,075 ફૂટની ઊંચાઈ ધરાવતા આ નગાધિરાજનું વિકટ આરોહણ કરીને એના શિખર પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો સંકલ્પ કર્યો છે, જેના માટે 20 ઓગસ્ટે વડોદરાથી તે પ્રસ્થાન કરશે. તેની મહેચ્છા આ રીતે સતત આગળ વધીને એવરેસ્ટ સર કરવાની છે.
યુવતીએ પોલીસ કમિશનરનો આભાર માન્યો
વડોદરાના પોલીસ પરેડ મેદાન પર 12 કલાકની અવિરત દોડ યોજવાની શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંહે પરવાનગી આપી હતી અને શહેર પોલીસતંત્રે તેના આ સાહસને પીઠબળ આપ્યું એના માટે તે આભાર માને છે. વડોદરાની સંસ્થાઓ, સજ્જનો અને કોર્પોરેટજગત તેની આ સાહસયાત્રાને ઉચિત પીઠબળ આપશે એવી આ દોડવીર દીકરીને શ્રદ્ધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.