'મેગા સ્ટાર સામે બેસવાનું સપનું પૂરું થયું':વડોદરાનો યુવાન આજે KBCની હોટ સીટ પર જવાબો આપશે, મારી હાઈટ જોઈ અમિતાભે કહ્યું: 'તમે તો મારો રેકોર્ડ તોડ્યો'

વડોદરાએક મહિનો પહેલા

KBC સિઝન-14માં વડોદરાના સુભાનપુરામાં રહેતા અને GACLમાં એચ. આર. ઓફિસર તરીકે ફરજ બજાવતા 30 વર્ષીય હર્ષ સલુજા આજે રાત્રે 9 કલાકે લોકપ્રિય ટીવી શોમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસીને જવાબો આપશે. હર્ષે જણાવ્યું હતું કે, મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને જોતાં જ મારું મગજ સૂન મારી ગયું હતું. એવું કહીએ તો પણ ચાલે કે હું જવાબો આપવાનું ભૂલી ગયો હોય.

7-8 વર્ષથી પ્રયત્નો કરતા હતા
KBC સિઝન-14માં પહોંચેલા હર્ષ સલુજાએ જણાવ્યું હતું કે, વડોદરાના સુભાનપુરા એ-2, જલાશ્રય સોસાયટીમાં માતા-પિતા અને પત્ની સાથે રહું છું. B.E. કોમ્પ્યુટર સાયન્સ અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે. છેલ્લાં 7-8 વર્ષથી KBCમાં જવા માટે પ્રયત્ન કરતો હતો. વર્ષ-2020-21માં કોરોનાકાળ દરમિયાન બે વીડિયો ઓડિશન પણ આપ્યા હતા. પરંતુ, નસીબે સાથ આપ્યો નહોતો. KBC-14મી સિઝનમાં પુનઃ પ્રયત્ન શરૂ કર્યો હતો. બે વખત પ્રયત્નો કર્યાં હતા. પરંતુ, નિરાશા મળી હતી. બે વખત નિરાશા મળતાં પ્રયત્ન કરવાનું પણ છોડી દીધું હતું. આખરે ફેબ્રુઆરી-માર્ચ-2022માં પ્રયત્ન કરવાનો વિચાર કર્યો હતો અને પ્રયત્ન કરતાં મારું KBCમાં જવાનું સ્વપ્ન પૂરું થયું હતું.

પરિવાર સાથે હર્ષ સલુજા.
પરિવાર સાથે હર્ષ સલુજા.

400 હરીફમાંથી સિલેક્ટ થયો
હર્ષે વધુમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર-2022માં મારું મુંબઇમાં ઓડિશન થયું હતું. 400 હરીફોમાં હું સિલેક્ટ થતાં ખુશીનો પાર ન હતો. પત્ની રીતુ, પિતા જસપાલસિંહ અને મમ્મી ઇન્દ્રા પણ ખુશખુશાલ થઇ ગયાં હતાં. આજે 9 નવેમ્બર-2022ના રોજ મારો શો પ્રસારિત થશે. આ શોમાં મારી સાથે મારી પત્ની અને મમ્મી-પપ્પા પણ આવ્યાં હતાં. મારા માટે કૌન બનેગા કરોડપતિમાં પૈસા કમાવવાનું ધ્યેય ન હતું. પરંતુ, મારું અને મારા પરિવારને મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને મળવાનું સ્વપ્ન હતું. જે સ્વપ્ન પૂરું થઇ ગયું છે. KBCનો પ્રોમો આવવાની શરૂઆત થતાં જ મારા ઉપર અને મારા પરિવાર ઉપર અમારાં પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકોની અભિનંદનની વર્ષા શરૂ થઇ ગઈ છે.

GACLમાં એચ. આર. ઓફિસર તરીકે ફરજ બજાવતા હર્ષ સલુજા.
GACLમાં એચ. આર. ઓફિસર તરીકે ફરજ બજાવતા હર્ષ સલુજા.

અમિતાભ સામે હોટ સીટ પર બેસવાનો અનુભવ કેવો રહ્યો?
હર્ષે મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ ઉપર બેસીને થયેલા અનુભવ અંગે જણાવ્યું કે, અમિતાભ બચ્ચનને જોતાં જ મારું મગજ કામ કરવાનું બંધ થઇ ગયું હોય એવું લાગતું હતું. એટલે કે, હું પ્રશ્નો પૂછશે તો જવાબ આપી શકીશ કે નહીં, તેવું એક તબક્કે થઇ ગયું હતું. જોકે, પ્રશ્નો પૂછવાની શરૂઆત થતાં હું નોર્મલ થઇ ગયો હતો. સાચું કહું તો માણસના જીવનમાં જે જે ફીલિંગ્સ આવતી હોય છે તે તમામ ફીલિંગ્સ અમિતાભ બચ્ચનને જોતા આવી ગઇ હતી.

KBC સિઝન-14માં અમિતાભ બચ્ચન.
KBC સિઝન-14માં અમિતાભ બચ્ચન.

જિંદગીની સૌથી શ્રેષ્ઠ પળ
હર્ષે વધુમાં જણાવ્યું કે, KBCમાં મારે પૈસા કમાવવા જવાની કોઇ ઇચ્છા ન હતી. મારી ઇચ્છા માત્ર અમિતાભને જોવાની, મળવાની અને તેમની સાથે વાતચીત કરવાની હતી. તે સાથે અમિતાભના આશિક મારાં માતા-પિતા અને પત્નીને મળવાની ઇચ્છા હતી જે પૂરી થઇ ગઇ છે. અમિતાભ સાથેની મુલાકાતની પળ મારી જિંદગીની સૌથી શ્રેષ્ઠ પળ હતી. સાથે આ પળ મારી જિદગીની અવિસ્મરણીય પળ બની રહેશે.

વડોદરાનો યુવાન હર્ષ સલુજા આજે KBCની હોટ સીટ પર જવાબો આપશે.
વડોદરાનો યુવાન હર્ષ સલુજા આજે KBCની હોટ સીટ પર જવાબો આપશે.

મનભરીને વાતો કરી
મારી ઊંચાઈ 6 ફૂટ 4 ઇંચ સાભળી અમિતાભજી બોલ્યા તમે મારાથી 2 ઇંચ ઊંચા છો, તમે તો મારો રેકોર્ડ તોડી નાખ્યો. આ વાતચીતે ઓડિયન્સમાં ખુશીનું મોજું ફેરવી દીધું હતું. તેમ જણાવતા હર્ષે જણાવ્યું કે, અમિતજીએ મારી મેરેજ લાઇફ અંગે પણ વાતચીત કરી હતી. મેં પણ તેમના દાંપત્ય જીવન વિષે પ્રશ્ન કરતા તેઓએ સહજ રીતે જવાબો આપ્યા હતા. મારી પત્ની અને મારાં મમ્મી-પપ્પા સાથે પણ અમિતજીએ મનભરીને વાતો કરી હતી.

8 વર્ષની તપસ્યા બાદ હર્ષને KBCમાં તક મળી છે.
8 વર્ષની તપસ્યા બાદ હર્ષને KBCમાં તક મળી છે.

મારો પ્રિય હીરો શાહરુખ ખાન છે
હર્ષે જણાવ્યું હતું કે, મારી સૌથી પસંદગીનો હીરો શાહરુખ ખાન છે. પરંતુ, અમિતાભ બચ્ચન તો અમિતાભ બચ્ચન છે. આથી જ તેઓ મેગા સ્ટાર તરીકે છે. તેમનું સ્થાન આવનાર નજીકના ભવિષ્યમાં કોઇ લઇ શકશે નહીં. આજે 80 વર્ષની ઉંમરે પણ તેઓની સ્ફૂર્તિ યુવાનોને શરમાવે તેવી છે. હોટ સીટ ઉપર આવવાની તેમની સ્ટાઇલ જોઇને જ બધું ભુલાઇ જવાય. હોટ સીટ ઉપર મારી સામે અમિતાભ બચ્ચન આવીને બેઠા ત્યારે મને લાગતું હતું કે, ખરેખર અમિતાભ બચ્ચનની સામે બેઠો છું તેવો સવાલ મારા મનમાં ઉદભવ્યો હતો. તેમને જોઇને અને તેમની સાથે વાતચીત કર્યાં બાદ એવું લાગ્યું કે, પ્રશ્નોના જવાબ આવડતા હશે તો પણ ભૂલી જવાશે.

અન્ય સમાચારો પણ છે...