આત્મહત્યા માટે દુષ્પ્રેરણા:વડોદરામાં પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને યુવાને 3 મહિના પહેલા આપઘાત કર્યો હતો, સુસાઇડ નોટનો FSL રિપોર્ટ આવતા પત્ની-સાસુ સામે ફરિયાદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવેલા પતિએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો
  • પોલીસે પત્ની તથા સાસુ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધ્યો

વર્ષ-2015 દરમિયાન પતિ-પત્ની વચ્ચે તકરાર બાદ પત્નીના ભરણપોષણના દાવા મામલે અદાલતે પતિને સજા ફટકાર્યા બાદ વચગાળાના જામીન પર બહાર આવેલા પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અને સુસાઇડ નોટમાં પત્ની તથા સાસુને જવાબદાર ઠેરવ્યા હતા. સુસાઇડ નોટનો FSL રિપોર્ટ આવતા મૃતકની હોવાનું બહાર આવ્યું હતું. જેથી છાણી પોલીસે પત્ની તથા સાસુ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીએ ભરણપોષણનો કોર્ટમાં દાવો કર્યો
મૃતકના ભાણિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વડોદરા શહેરના છેવાડે આવેલા દશરથ ગામના સોહમ વિલામાં રહેતા 45 વર્ષીય વિપુલભાઇ કેશવભાઇ પટેલ અગાઉ દુબઈ નોકરી અર્થે ગયા હતા, જ્યાંથી વર્ષ-2015 દરમિયાન વડોદરા પરત આવ્યા હતા. તે સમયે આણંદ ખાતે રહેતા પુનમબેન દદવાણી સાથે કોર્ટ મેરેજ કર્યાં હતા. લગ્ન બાદ પુનમબેન 5 મહિના સુધી વિપુલભાઇ સાથે રહીને અણબનાવ થતાં પરત પિયર જતા રહ્યા હતા અને અદાલતમાં ભરણપોષણનો દાવો કર્યો હતો

પતિ સહિતના પરિવારજનોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી
લગ્નજીવન દરમિયાન તેમને કોઈ સંતાન ન હતું. વર્ષ-2018માં વિપુલભાઇને મોઢાનું કેન્સર થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જે 8 લાખની રકમ વિપુલભાઇ ચૂકવી ન શકતા નામદાર કોર્ટે 33 મહિનાની સાદી કેદની સજા ફટકારી હતી. પુનમબેન તથા તેમની માતાએ સમાધાન માટે 30 લાખ રૂપિયા માગીને સમાધાન નહીં કરે તો સુસાઇડ નોટમાં પતિ સહિતના પરિવારજનોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું હતું.

જેલમાંથી બહાર આવેલા પતિએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો
વિપુલભાઇ વચગાળાના જામીન મેળવી જેલમાંથી બહાર આવ્યા હતા. 21મી જુલાઈના રોજ તેમને જેલમાં હાજર થવાનું હતું. પરંતુ, બીમારીના કારણે હાજર થઈ શક્યા ન હતા. 23મી જુલાઈએ તેઓ જેલમાં હાજર થવાના હતા. તે અગાઉ 23મી જુલાઇએ સવારે 9 વાગ્યાના અરસામાં વિપુલભાઈએ પોતાના ઘરના બીજા માળે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે અંગે છાણી પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની અરજી નોંધાઇ હતી. આ દરમિયાન ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં આત્મહત્યા પાછળ સાસુ બબીતાબેન દાદાવાણી તથા પત્ની પુનમબેન દાદાવાણી જવાબદાર હોવાનું ઠેરવ્યું હતું.

સુસાઇડ નોટ મૃતકે જાતે લખી હોવાનો અભિપ્રાય આવ્યો
સુસાઇડ નોટ પોલીસે ચકાસણી અર્થે ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી હતી. દરમિયાન તે સુસાઇડ નોટ મૃતકે જાતે લખી હોવાનો અભિપ્રાય આવ્યો હતો. જેથી પોલીસે પુનમબેન તથા બબીતાબેન(બંને રહે, આણંદ) વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...