મોતનો જવાબદાર કોણ?:અમદાવાદ સિવિલમાં તબીબોની હડતાળથી વડોદરા પરત લવાયેલા યુવકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મોત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવાયાર્ડના બે મિત્રોનો ફતેગંજ સર્કલ પાસે અકસ્માત, એકને SSG બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો
  • વહેલી સવારે દવા લેવા જતાં સમયે બાઈક િડવાઈડર સાથે ભટકાતાં રાહુલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી

વહેલી સવારે દવા લેવા નીકળેલા બે મિત્રોની બાઇક ફતેગંજ સર્કલ નજીક સ્લિપ થઇ ડિવાઈડર સાથે ભટકાઈ હતી. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સયાજી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબોની હડતાળના પગલે તેને પરત વડોદરા લાવતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં ગંભીર ઇજાઓ થઈ હતી
પોલીસના જણાવ્યા અનુસાર ફતેગંજ નવાયાર્ડ વિસ્તારમાં આવેલી રમણીકલાલની ચાલમાં રહેતો દિવ્યાંગ પરમાર અને તેનો મિત્ર રાહુલ જાધવ 6 તારીખે વહેલી સવારે મિત્ર હર્ષિતને ચક્કર આવતાં હોવાથી તેની માટે દવા લેવા માટે હર્ષિતની બાઈક પર નરહરી હોસ્પિટલ જઈ રહ્યા હતા. તેઓ નવાયાર્ડ થઈ ફતેગંજ સર્કલ તરફ જઈ રહ્યા હતા. તે સમયે હિલ મેમોરિયલ સ્કૂલ પાસે બાઈક ચલાવી રહેલા રાહુલ જાદવે કાબૂ ગુમાવતાં બાઇક સ્લિપ થઈ ડિવાઇડરમાં ભટકાયું હતું. અકસ્માતમાં રાહુલ જાધવને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે દિવ્યાંગ પરમાર નજીવી ઇજાઓ પહોંચી હતી.

ટૂંકી સારવાર બાદ મોત
રાહદારીઓએ એમ્બ્યુલન્સ બોલાવતા રાહુલને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ માથામાં ગંભીર ઈજા હોવાથી તબીબોએ તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવતાં ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ ખાતે લઇ જવાયો હતો. હોસ્પિટલમાં બોટલ ચડાવ્યો હતો પરંતુ તબીબો હડતાળ પર હોવાથી પરિવારજનો તેને પરત વડોદરા ખાતે લાવી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું રવિવારે બપોરે મોત નીપજ્યું હતું.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
સયાજીગંજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસકર્તા હેડ કોન્સ્ટેબલ લંગેશ રાઠવાએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ પર હોવાથી પરિવારને યોગ્ય ન લાગતા પરત વડોદરા લાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...