સામાન્ય રીતે રાજનીતિના મેદાનમાં હંમેશાં પોતાના પક્ષના અને વિપક્ષના પ્રતિસ્પર્ધીઓના પેચ કાપવા તત્પર રહેતા નેતાઓએ નવલખી મેદાન ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં પોતાના હાથ અજમાવ્યા હતા. નવલખી મેદાન ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય યોગેશ પટેલ, કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ તેમજ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, ડે. મેયર નંદાબેન જોશી અને પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર સહિતના નેતાઓએ હાજરી આપી હતી.
જેમાં માંજલપુર વિધાનસભા બેઠક પર અન્ય ઉમેદવારોના પેચ કાપી 76 વર્ષે પણ ટિકિટ લઈ આવનારા ધારાસભ્ય યોગેશ પટેલની પતંગ ઊંચે અને સ્થિર રહી હતી. તેમને પતંગને ઠુમકા મારવાની જરૂર પડી હતી. બીજી તરફ સયાજીગંજ વિધાનસભા બેઠક માટેના પ્રબળ દાવેદર પ્રદેશ પ્રવક્તા ડો. ભરત ડાંગરની છેલ્લી ઘડીએ પતંગ કપાઈ હતી. તેઓને મેદાન ખાતે પતંગ ઉડાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અનેક પ્રયાસો બાદ તેમની પતંગ આકાશમાં ચઢી હતી. તો સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય કેયુર રોકડિયા પતંગ ચડાવવાનું ટાળી કાર્યક્રમના શરૂઆત બાદ જ ત્યાંથી રવાના થયા હતા.
જેઓ સામાન્ય રીતે કોઈની સાથે પેચ લડાવવાથી બચે છે તેવા સાંસદ રંજનબેન ભટ્ટે બીજાની ચગેલી પતંગ પર હાથ અજમાવ્યો હતો. તો અકોટા વિધાનસભામાં ઉમેદવાર તરીકે જાહેર થઈ દરેકને ચોંકાવનાર ચૈતન્ય દેસાઈ વિદેશી નહિ પરંતુ દેશી તુકકલ પર જ હાથ અજમાવ્યો હતો. તેમની સાથે સાથે થાય સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ તેમજ ડેપ્યુટી મેયર નંદાબેન જોષીએ પણ દેશી દોરી અને તુકકલ ચડાવી સંતોષ માણ્યો હતો. મુખ્યદંડક બાળુ શુક્લ મારી જેમ પોતાની પતંગ ઉપર કઇ રીતે લઇ જવી તે માટે તેની વિદેશીને સલાહ આપી રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.