ગત દિવાળીની અમાસથી મહીસાગર નદીના બંને કાંઠે સારોદના જે પોઇન્ટથી ઉમરાયા સુધીના 30 કિમીના વિસ્તાર સુધી ફેલાયેલા જોવા મળતા પીળા ફીણનો રહસ્ય પરથી પડદો પડી ચૂક્યો છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની ટીમ અને નિષ્ણાતો દ્વારા સતત એક વર્ષની જહેમતભર્યા સંશોધન બાદ મહીસાગરના પીળા ફીણ માટે જવાબદાર 10થી 50 માઇક્રોનના કદની સૂક્ષ્મજીવી વનસ્પતિઓને જવાબદાર ઠેરવી છે. સૂક્ષ્મજીવી વનસ્પતિના પોલિસેકેરાઇડ્સને લીધે આ ફીણ થતું હોવાનું પૂરવાર થયું છે.
આ સાથે અત્યાર સુધી કેમિકલ પ્રદુષણને લીધે આ ફીણ સર્જાય છે તેવી થિયરી પર લગભગ પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. આગામી 10 દિવસમાં એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના એન્વાયર્મેન્ટ સાયન્સના પ્રોફેસર ડો. કૌરેશ વચ્છરાજાણીના વડપણ હેઠળની તેમના ઉપરાંત ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞ, આઇઆઇટી ગાંધીનગરના પ્રતિનિધિ તથા જીપીસીબી-સીપીસીબીના તજજ્ઞ, જીપીસીબીની હેડ ઓફિસની સેન્ટ્રલ લેબના વડાને સમાવતી હાઇલેવલ કમિટી આગામી 10થી 15 દિવસમાં પોતાનો આ રીપોર્ટ સત્તાવાર ગુજરાત સરકાર, જીપીસીબીને સબમિટ કરશે. મહી નદીમાં ગત દિવાળીએ જે પોઇન્ટથી ઉમરાયા સુધીના કિનારે પહેલીવાર પીળાશ પડતા રંગીન પાણી જોવાયા બાદ ઉનાળાની શરૂઆત સુધી દર પૂનમ અને અમાસમાં પાણી જોવાતા હતા. ત્યારબાદ સરકારે હાઇલેવલ કમિટી નિયુક્ત કરી હતી.
આ કમિટીના વડા અને એમએસયુના સિનિયર પ્રોફેસર ડો. કૌરેશ વચ્છરાજાણીએ જણાવ્યું કે, ‘ સતત છ મહિના સુધીના ફીણના પાણીની માઇક્રોસ્કોપિક તપાસથી સાચુ કારણ બહાર આવ્યું છે.એમએસયુના એન્વાયર્નમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓએ પણ વિશેષ જહેમત કરી હતી. તેમણે નિયમિત સેમ્પલ્સ લીધા હતા. અમારા સંશોધનમાં ફીણ માટેનું કારણ સૂક્ષ્મજીવી વનસ્પતિઓ હોવાનું બહાર આવ્યું છે. આગામી 10 દિવસમાં અમે આ રિપોર્ટ સરકારમાં સબમિટ કરીશું.’
મહીસાગરની પેટર્ન કેલિફોર્નિયાના કાંઠાના ફીણને મળતી આવે છે
કેમિકલથી થતાં ફીણ અને વનસ્પતિઓને લીધે થતાં ફીણ રંગોમાં જુદા હોવાનું વૈજ્ઞાનિક સંશોધનથી પૂરવાર થયેલું છે. કેમિકલથી થતાં ફીણનો રંગ સફેદ હોય છે. જ્યારે સૂક્ષ્મજીવી વનસ્પતિઓથી પાણીમાં ફીણ થાય તો તે રંગીન હોય છે. આ પેટર્ન અમેરિકાના કેલિફોર્નિયાના કાંઠા વિસ્તારોમાં જોવા મળતા રંગીન ફીણને મળતી આવે છે. ઉલ્લેખનીય છે કે, આ સૂક્ષ્મજીવી વનસ્પતિઓની એક લિટર પાણીમાં સંખ્યા 2થી 5 લાખ જેટલી હોય છે.
ફાઇટોપ્લેન્કટન્ટ્સ બ્લૂમને લીધે થાય છે રંગીન પાણી !
મહીસાગરમાં પીળા ફીણ કેવી રીતે થતાં હતા તેના વિશે એમએસ યુનિવર્સિટીના પ્રો. કૌરેશ વચ્છરાજાણીએ જણાવ્યું કે, ‘ પાણીમાં સૂક્ષ્મજીવી વનસ્પતિઓ થાય છે. જેને ફાઇટોપ્લેન્કટન્સ કહેવાય છે. શિયાળામાં તાપમાન નીચું જતાં અને તેની સંખ્યા વધે તેવા ન્યૂટ્રિયન્ટ્સ (પોષક દ્રવ્યો) મળતા તેની સંખ્યામાં અચાનક જોરદાર વધારો થાય છે.
બ્લુમ થયા બાદ આ સૂક્ષ્મજીવી વનસ્પતિઓ વચ્ચે અસ્તિત્વની સ્પર્ધા થતાં મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે. વનસ્પતિઓની દીવાલ પોલિસેકેરાઇડ્સ તત્વોની બનેલી હોય છે. જે એક પ્રકારના પ્રોટીન છે. જે ફીણના પાણીની માઇક્રોસ્કોપિક તપાસમાં જોવા મળ્યાં હતા. આ દીવાલના અંશો પાણી સાથે મળતા આ ફીણ સર્જાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.