સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ વર્ષે પહેલીવાર વડોદરા શહેરના લોકોને ઘર આંગણે જમીનમાં અથવા કુંડામાં વાવેતર માટે વિભાગની નર્સરીઓમાં ઉછેરવામાં આવેલા પવિત્ર તુલસીના રોપાનું વિતરણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવવાનું આયોજન છે. આ વિતરણ 5 જૂનથી શરૂ કરી 5 જુલાઇ સુધી કરવામાં આવશે.
તુલસીનો છોડ પવિત્ર ગણાય છે. ધાર્મિક વિધિવિધાનમાં તેની આગવી અનિવાર્યતા હોવા ઉપરાંત તે ઔષધીય ગુણોથી ભરપુર છે, તેવી માહિતી આપતા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ જણાવ્યું હતું કે, ભોજનની થાળીમાં માત્ર તુલસીની એક પાંદડી પધરાવવાથી તે પ્રસાદ બની જાય એવી પ્રબળ લોક આસ્થા આ વનસ્પતિમાં છે. શહેરી વિસ્તારમાં તુલસીના રોપની મોટી માગને અનુલક્ષીને આ વર્ષે રાજ્ય સરકારે રાજ્યના મહાનગર પાલિકા વિસ્તારોમાં તુલસી રોપણ યોજીને અને લોકોને વિનામૂલ્યે તુલસીના રોપા આપીને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની સૂચના આપી છે.
તેના પગલે વડોદરાને જાણે કે, વૃંદા(તુલસી) વન બનાવવાનો સંકલ્પ કર્યો હોય તેમ સામાજિક વનીકરણ વિભાગે 1 લાખ તુલસીના છોડનું મહાનગર પાલિકા વિસ્તારમાં લોકોને વિતરણ કરવાનું આયોજન કર્યું છે. આ ઉજવણી હેઠળ સરકારી કચેરીઓ અને ઔધોગિક એકમોને પણ ઉપલબ્ધ જગ્યામાં તુલસી વાવવા પ્રેરિત કરવામાં આવશે. નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે, સામાજિક વનીકરણ વિભાગ, વડોદરા હેઠળની નર્સરીઓમાં 2 લાખ અને છોટાઉદેપુર વિભાગની નર્સરીઓ માં 50 હજાર મળી ફૂલ 2.50 લાખ તુલસી છોડ ઉછેરવામાં આવ્યા છે.
જે પૈકીના 1 લાખ છોડ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેરી વિસ્તારના નાગરિકો ને વૃક્ષ રથ દ્વારા તેમજ નર્સરી ખાતે થી આપવાનું શરુ કરાશે અને ઉપલબ્ધિ પ્રમાણે 5 જુલાઇ સુધી વિતરણ ચાલુ રાખવામાં આવશે. તેની સાથે પ્રતિકાત્મક તુલસી રોપણ કાર્યક્રમો યોજાશે. વડોદરા મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર નો આ કાર્યક્રમ માં સહયોગ લેવામાં આવશે.
વિતરણ પછી બાકી રહેતા 1.50 લાખ છોડ વન મહોત્સવના ભાગરૂપે લોકોને આપવામાં આવશે. તુલસીરામ, શ્યામ અને મિંટએ ત્રણ પ્રકારની આવે છે. જોકે, વન નર્સરીઓ માં રામ અને શ્યામ તુલસી ઉછેરવામાં આવે છે એવી જાણકારી શ્રી મહારાજાએ આપી છે. તેમણે લોકોને નજીકના વિતરણ સ્થળેથી તુલસીનો છોડ મેળવી લઇને તેને ઉછેરી પર્યાવરણની જાળવણીમાં સહયોગ આપવા લોકોને અનુરોધ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.