વડોદરા તળાવમાંથી 5 લાખ મળવાનો મામલો:રૂપિયા જેને મળ્યા તે શ્રમિકે કહ્યુંઃ 'અમે તળાવ સાફ કરતા હતા અને થેલીમાંથી પેક કરેલું બંડલ નીકળ્યું'

વડોદરા7 દિવસ પહેલા
કમલાનગર તળાવમાંથી રૂ.5.30 લાખની રોકડ મળી આવતાં શહેર પોલીસ તંત્રમાં હલચલ મચી ગઇ
  • વડોદરાના કમલાનગર તળાવમાંથી 5.30 લાખની 2000ની નોટો મળી હતી
  • ITના સર્ચથી બચવા રૂપિયા ફેંક્યાની શંકા

18 જૂનના રોજ વડાપ્રધાનના કાર્યક્રમના પૂર્વ દિવસે વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલા કમલાનગર તળાવમાંથી રૂ.5.30 લાખની રોકડ મળી આવતાં શહેર પોલીસ તંત્રમાં હલચલ મચી ગઇ હતી. પોલીસે રોકડ ફેંકનારની તપાસ હાથ ધરી છે. 18 જૂને જ્યારે કમલાનગર તળાવમાંથી 2 હજારની નોટો મળી હતી, એ દિવસની આસપાસ વડોદરા શહેરના એક તબીબી સંસ્થાનમાં આવકવેરા વિભાગે રેડ કરી હતી એટલે તે સંસ્થાને નોટનું બંડલ રાતના સમયે ફેંકી ગયું હોવાની પોલીસને શંકા છે. બાપોદ પોલીસે દ્વારા તળાવની આજુબાજુની સોસાયટીઓની સિક્યોરિટી ગાર્ડ્સ અને દુકાનના વેપારીઓ સહિત 7થી 8 લોકોની પૂછપરછ કરી છે.

થેલીમાં પથ્થર બાંધીને રૂપિયા તળાવમાં નાંખ્યા હતા
આજે પણ તળાવની સફાઇ કરી રહેલા કલ્પેશ ડામોરે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત જણાવ્યું હતું કે, અમે ત્રણ લોકો તળાવમાં સફાઇનું કામ કરતા હતા. અમે હાથથી કચરો કાઢતા હતા તે દરમિયાન થેલીમાં પેક કરેલ રૂપિયાનું બંડલ મળ્યું. રૂપિયાનું બંડલ થેલીની અંદર પથ્થર બાંધીને નાખવામાં આવ્યું હતું. રૂપિયા બહાર કાઢતા જ પોલીસ ત્યા બંદોબસ્તમાં હાજર હોવાથી પોલીસકર્મીઓ રૂપિયા લઇને જતાં રહ્યા હતા. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં અમને જવાબ લખાવવા માટે બોલાવાયા છે.

વડોદરાના કમલાનગર તળાવમાંથી 5.30 લાખની 2000ની નોટો મળી હતી
વડોદરાના કમલાનગર તળાવમાંથી 5.30 લાખની 2000ની નોટો મળી હતી

શ્રમિકે પોલીસને જાણ કરી
બાપોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 18 જૂનના રોજ શહેરના લેપ્રસી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાયો હતો પણ તે દિવસ પૂર્વે શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવની સફાઈ કરવા માટે કેટલાક શ્રમિકોને કામે લગાડાયા હતા, ત્યારે એક શ્રમિકની નજર એક કોથળીમાં તરી રહેલા રોકડ નોટોના બંડલ પર પડતાં તેણે સાથી શ્રમિકોને કહ્યું હતું ત્યારે ત્યાં હાજર રેલવે કોન્સ્ટેબલને શ્રમિકે જાણ કરી હતી.

ચાર દિવસ પહેલા નોટો ફેંકાઈ
રેલવે કોન્સ્ટેબલે તુરંત જ વડોદરા શહેર પોલીસ કંટ્રોલને જાણ કરી હતી અને શહેર પોલીસે બાપોદ પોલીસને આ બાબતે સંદેશો આપ્યો હતો. જેથી બાપોદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નોટોના બંડલ કબજે કર્યાં હતા અને પોલીસ મથકે જમા કરાવ્યા હતા. આ બનાવના બીજા દિવસે વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી પોલીસે વાત દબાવી રાખી હતી. તળાવમાંથી મળેલી નોટોમાં ફૂગ લાગી ગઇ હતી એમ બાપોદ પોલીસે જણાવ્યું હતું. નોટોની હાલત લાગતું હતું કે નોટોનું બંડલ ઘટનાના ચાર દિવસ પૂર્વે ફેંકાઈ હોવાનું અનુમાન છે.

ITના સર્ચથી બચવા રૂપિયા ફેંક્યાની શંકા છે
ITના સર્ચથી બચવા રૂપિયા ફેંક્યાની શંકા છે

નોટો ફેંકનારને શોધવા 15 CCTV ચેક કરાયા
તળાવમાંથી મળેલી નોટોને શોધવા માટે બાપોદ પોલીસના પીએસઆઈ ભીલે તપાસ હાથ ધરી હતી તેઓએ તળાવથી દૂર આવેલા અને તે તરફ આવનારા રસ્તાઓના 15 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યાં હતા પણ નોટો ફેંકનારની કોઇ ભાળ પોલીસને મળી ન હતી. એસીપી એમ.પી.ભોજાણીએ જણાવ્યું હતું કે, પીએમના કાર્યક્રમને લીધે તપાસ થોડીક મંદ હતી પણ હવે તપાસ વેગીલી રીતે કરવામાં આવશે.

પોલીસે ભીની નોટો સૂકવી, ફરી બંડલ બનાવવા પડ્યાં
બાપોદ પોલીસને મળી આવેલી બે હજારની નોટો કુલ ~5.30 લાખની હતી, આ નોટોને લઇ જઇ બેંકમાં ખરાઈ કરાઈ હતી. નોટો સાચી હોવાનું બહાર આવતાં નોટોને બાપોદ પોલીસમાં જમા કરાવાઈ હતી. પોલીસે ભીની નોટોને સૂકવી ફરી બંડલમાં ગોઠવવી પડી હતી.

વર્ષ 2016માં પણ દંતેશ્વર તળાવમાંથી નોટો મળી હતી
તળાવમાંથી ચલણી નોટો મળી આવવાનો શહેરમાં આ પહેલો કિસ્સો નથી. સાડાપાચ વર્ષ અગાઉ પણ શહેરના દંતેશ્વર તળાવમાંથી ચલણી નોટો મળી આવી હતી. નોટબંધી પછીના કેટલાક દિવસો બાદ રૂ. 500-500ની નોટોના બંડલ દંતેશ્વર તળાવમાંથી મળી આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...