દેશની અગ્રણી ફાર્મા કંપની સનફાર્માની સાઇબર સિક્યુરિટીને ભેદીને સાઇબર એટેક કરવામાં આવતાં વડોદરા-મુંબઇ અને હાલોલ સહિતના દેશભરના પ્લાન્ટ્સ પર સંશોધન અને નાણાકીય વહેવારોને લગતી મોટા ભાગની કામગીરી ઠપ થઇ ગઇ હતી. મંગળવાર સવારે કંપનીના કર્મચારીઓ-રિસર્ચર્સ પ્લાન્ટ્સ પર આવ્યા ત્યારે તેમને કમ્પ્યૂટરો પર લૉગ-ઇન કરવાના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા.
બીજી તરફ અચાનક આવા આદેશો મળતા એક તબક્કે તો કંપનીના કર્મચારીઓ પણ મૂંઝાઇ ગયા હતા. સાઇબર એટેકના પગલે કંપનીની કોર સિસ્ટમ કામગીરીને કોઇ અસર થઇ નથી તેવી સત્તાવાર સ્પષ્ટતા કંપની દ્વારા કરવામાં આવી હતી. સનફાર્માના સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે સવારે દેશભરના પ્લાન્ટ્સ પર કંપનીના કર્મચારીઓ આવ્યા ત્યારે કેટલાકે લોગ ઇન કરી દીધા હતા અને કેટલાક કર્મચારીઓને કમ્પ્યૂટર સિસ્ટમ લોગ ઇન કરવા ન દેતા આઇટી વિભાગને જાણ કરી હતી. ત્યારે આ એટેક થયાની વાત વહેતી થઇ ગઇ હતી.
ડેટા એનાલિસિસની કામગીરી બંધ થઇ ગઇ હતી
સાઇબર એટેક થયા બાદ કમ્પ્યૂટર ઠપ થઇ જતાં ઓનલાઇન ડેટા એનાલિસિસ અને કમ્પ્યૂટરનો ઉપયોગ થતો હોય તેવાં તમામ સાધનો બંધ રાખવાનો વારો આવ્યો હતો. જેથી ડેટા એનાલિસિસની કામગીરી બંધ થઇ ગઇ હતી. આ ઉપરાંત નાણાકીય વહેવારો સાથે સંકળાયેલી ડોક્યુમેન્ટ રિલેટેડ કામગીરીને પણ ભારે અસર પહોંચી હતી. સૂત્રોએ વધુ ઉમેર્યું હતું કે તમામ પ્લાન્ટ્સની આઇટી ટીમો રાત- દિવસ જહેમત ઉઠાવી રહી છે, કોઇ કર્મચારીઓને પ્લાન્ટ્સ પર ન આવવાના આદેશ અપાયા નથી પણ પેન્ડિંગ કામો ઝડપથી પૂરાં કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
કંપનીના કોર સિસ્ટમ અને ઓપરેશન્સને અસર નથી
કંપની સન ફાર્મા કંપનીના સત્તાવાર અધિકારીએ સાઇબર એટેક થયાની વાત કબૂલીને જણાવ્યું કે કંપનીના કોર સિસ્ટમ અને ઓપરેશન્સને કોઇ અસર થઇ નથી. જોકે આઇટીનાં સાધનોને અમે આઇસોલેટ કરી દીધાં છે અને કંપનીએ તપાસ શરૂ કરી દીધી છે.
આઇટી ટીમો મેદાનમાં, કર્મચારીઓને પેન્ડિંગ કામો પૂરા કરી દેવા આદેશ
સનફાર્મા કંપનીના રિસર્ચ પ્લાન્ટ્સમાં વિવિધ પ્રકારનાં સંશોધન માટેનાં અત્યાધુનિક સાધનો હોય છે જેના રીડિંગ માટે અને ઓનલાઇન ડેટા ટ્રાન્સફર માટે કમ્પ્યૂટર સિસ્ટમ્સનો ઉપયોગ થતો હોય છે. સનફાર્મા કંપનીનાં સૂત્રોના કહેવા મુજબ સાઇબર એટેકના પગલે આ સાધનો બંધ થતાં જ સંશોધનો પણ ઠપ થઇ ગયાં છે. એટલું જ નહીં સાયન્ટિફિક એનાલિસિસની કામગીરીને પણ ભારે અસર થઇ છે. ઉલ્લેખનીય છે કે સનફાર્માના વડોદરા પ્લાન્ટસમાં 1500થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.