શહેરમાં ગંદા પાણીની સમસ્યા માથાનો દુખાવો બની છે. શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી 5 સોસાયટીઓમાં છેલ્લા 3 મહિનાથી પાણી દૂષિત અને ઓછા પ્રેશરથી આવતું હોવાની અનેક ફરિયાદો ઊઠી છે. ગુરુવારે મહિલાઓએ વડીવાડી ખાતે પહોંચી અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. ઓનલાઇન કરેલી ફરિયાદનું નિરાકરણ આવ્યા વિના નિરાકરણનો મેસેજ આવતો હોવાના આક્ષેપ મહિલાઓએ કર્યા હતા. તાંદલજામાં આવેલી સોદાગર પાર્ક સોસાયટી, કોહિનૂર સોસાયટી, કરિશ્મા સોસાયટી તેમજ આસોપાલવ ફળિયા સહિતની 5 સોસાયટીમાં છેલ્લા 3 મહિનાથી દૂષિત પાણી આવે છે.
થોડા દિવસ પહેલાં સમારકામ બાદ પાણી ચોખ્ખું આવ્યા બાદ ફરીથી ઓછા પ્રેશરથી અને દુર્ગંધવાળું પાણી આવતાં ગુરુવારે મહિલાઓ મોરચા રૂપે વડીવાડી પશ્ચિમ ઝોન ખાતે રજૂઆત માટે પહોંચી હતી. મહિલાઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ઓનલાઇન ફરિયાદ કર્યા બાદ સ્થળ પર અધિકારીઓ આવતા નથી અને સમસ્યાના નિરાકરણ વિના જ નિરાકરણનો મેસેજ આવે છે. હાલમાં પીવાના અને વપરાશના પાણી માટે નાણાં ખર્ચવાં પડે છે, જેથી તંત્ર વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.