તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મહિલાઓ પાસે ડ્રગ્સ હોવાની શંકાથી મહિલા પોલીસ ખડકાઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનસીબીને ટોળકીમાં મહિલાઓ હોવાની ચોક્કસ બાતમી મળી હતી

વડોદરાથી 2 કાર સહિત 3 વાહનોમાં ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકી પાદરા થઇને આગળ જઇ રહી છે અને ટોળકીમાં મહિલાઓ પણ સામેલ હોવાની બાતમી એનસીબીને મળી હતી. જેથી એનસીબીના ઉચ્ચ અધિકારીઓએ જિલ્લા પોલીસને જાણ કરી હતી અને તેમાં સ્પષ્ટ રીતે મદદ માટે મહિલા પોલીસને મોકલવામાં આવે તેમ જણાવ્યું હતું. જેથી પાદરા પોલીસની ટીમ પણ પાદરા જકાતનાકા પાસે પહોંચી હતી,જેમાં પાદરા પોલીસની મહિલા પોલીસ પણ સામેલ હતી.

સૂત્રોએ જણાવ્યું કે, ટોળકી 1 કરોડના 994 ગ્રામનું એમડી ડ્રગ્સ લઇને વડોદરામાં હતી. એનસીબીની ટીમ તેમની પર વોચ રાખી રહી હતી. એનસીબીને બાતમી હતી કે, વાહનોમાં મહિલાઓ પણ છે અને તેમની પાસે પણ ડ્રગ્સ હોઇ શકે છે, જેથી જિલ્લા પોલીસને પણ જાણ કરાઇ હતી કે પાદરા તરફ આવતાં 3 વાહનોને આંતરવાનાં છે અને તે માટે મહિલા પોલીસને પણ મોકલો. જેથી પાદરાની મહિલા પોલીસ કર્મચારીઓને મોકલાઈ હતી.

આ વાહનોને આંતર્યા બાદ 5 પુરુષો અને 2 મહિલા મળી હતી. આ ટોળકી એનસીબી અને પોલીસને સિફ્તપૂર્વક ચકમો આપી વડોદરામાં હતી અને એનસીબી અમદાવાદથી પીછો કરી રહી હતી. આખરે પાદરા પાસે તમામને પકડી લેવાયાં હતાં.

સપ્લાયર અને રિસીવર ગુજરાતના
પકડાયેલા તમામ લોકો ગુજરાતના છે. તપાસમાં ડ્રગ્સ ગુજરાતના વ્યક્તિએ મહારાષ્ટ્રથી મોકલ્યો હતો અને ગુજરાતના જ ડ્રગ માફિયાને જથ્થો આપવાનો હતો. આ ટોળકી મહારાષ્ટ્રથી ટ્રેન દ્વારા વડોદરા આવી હતી કે પછી હાઇવેથી વડોદરા આવી રહી હતી અને પાદરા થઇને કયા રૂટ પર કોને મળવા જતી હતી તેની તપાસ ચાલી રહી છે.

10 ગ્રામ MDની સ્થાનિક કિંમત 10 હજાર
એમડી ડ્રગ્સ ગુજરાતમાં પગપેસારો કરી રહ્યું છે અને ડ્રગ માફીયા એમડી મગાવી રહ્યા છે. સ્થાનિક છૂટક બજારમાં 10 ગ્રામ એમડીની કિંમત 10 હજાર હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં વડોદરામાં એમડી સાથે ડ્રગ પેડલરો પકડાયા હતા.

2 વર્ષમાં 20થી વધુ ગુના નોંધાયા
શહેરમાં નશીલા દ્રવ્યોના કારોબારને રોકવા પોલીસે SOGના એન્ટી નાર્કોટિક્સ યુનિટ કાર્યરત કર્યું છે. 2 વર્ષમાં નાર્કોટિક્સના 20થી વધુ ગુના નોંધાયા છે. 2019માં SOGએ NDPSના 14 ગુના નોંધ્યા હતા. 2020માં નશીલા પદાર્થ સાથે સમા પોલીસે એકને, રાવપુરા પોલીસે એકને પકડ્યા બાદ SOGએ 470 ગ્રામ અેમડી ડ્રગ્સ સાથે 2ને ઝડપી લીધા હતા.5 માસ પહેલાં બહુચરાજી રોડ પરથી રૂા.96,200ના મેથેમ્ફેટામિન અને પેન્ટાઝોસીનનાં ઈન્જેક્શન સાથે મહિલા અને ઈમ્તિયાઝ દિવાનની ધરપકડ કરી હતી. સયાજીગંજમાંથી 16.30 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 ઝડપાયા હતા. 2 માસ પહેલાં કરજણ ટોલનાકા પરથી 2.99 લાખના એમડી ડ્રગ્સ સાથે અસલમ પઠાણને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...