કોર્પોરેટર ટ્રેનિંગ, કંપનીઓમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકેની કામગીરી અને પક્ષીઓની ફોટોગ્રાફી જેવા વ્યવસાયિક અને શોખના બે છેવાડા સાથે વડોદરાના અવિ સબાવાલા પ્રકૃતિ પ્રેમી પણ છે. દેશ-દુનિયાના સંખ્યાબંધ પક્ષી વિશેની રસપ્રદ માહિતી તેમની જીભે રમે છે. પોતાને પક્ષીઓની ફોટોગ્રાફીના ‘ઘેલા’ શોખીન લોકોમાં ગણાવનાર અવિબેન અગાઉ ફર્નેસના ઉદ્યોગની પણ માલિકી ધરાવતા હતાં.
છેલ્લાં 24 વર્ષથી આ શોખમાં પણ ગળાડૂબ છે. ભારતના સંખ્યાબંધ રાજ્યોના વન્યપ્રદેશોમાં પક્ષીઓની તસવીરો માટે પહોંચ્યા છે. 2019માં 21 દિવસ માટે ભૂતાનનું ભ્રમણ કરીને 600થી વધુ અને કેન્યાના મસાઇમારા, શંબુરુ, લેક નેહવાશા, લેક નુકુરુ જેવા વન્ય વિસ્તારોમાં 7 દિવસ ભટકીને 200 જેટલા સામાન્યથી માંડીને દુર્લભ કહી શકાય તેવા ફોટોગ્રાફ્સ ક્લિક કરી ચૂક્યા છે. આ ઉપરાંત તુર્કી, વિયેટનામ, લાઓસ અને ઉત્તરી બોર્નિયોના વન વગડામાં 75 જેટલા પંખીડાની ક્લિક્સ તેમના પક્ષીપ્રેમથી સભર તસવીરકલાના કસબના પુરાવા છે.
તેમણે હંસ, પોપટ, લાંબી પૂંછવાળા દૂધરાજ, કોયલ, ચિલોત્રા, હરિયલ, સુરખાબ, ઘોરાડ, નીલકંઠ(ચાસ), કાળીડોક કુંજ ઉપરાંત લાલ વનમોર જેવા દેશી પક્ષીઓની સાથે ડાર્નેડ બાર્બેચ જેવા દુર્લભ પક્ષીઓ પણ કેમેરામાં કંડાર્યા છે. આ તમામ પ્રકારના પક્ષીઓના 10 હજાર જેટલા ફોટોગ્રાફ તેમણે પોતાના ડિજિટલ કલેક્શનમાં રાખ્યાં છે.
અવિબેને બોમ્બે નેચરલ હિસ્ટોરિકલ સોસાયટીમાંથી ઓર્નિથોલોજીનો કોર્સ પણ કર્યો છે. પક્ષીઓની ફોટોગ્રાફીના રોમાંચ વિશે તેઓ કહે છે કે, અરુણાચલ પ્રદેશમાં 7000 ફૂટની ઊંચાઇએ સ્પોટેડ લાફિંગ થ્રશ નામના વૈયા જૂથના એક પક્ષીને કેપ્ચર કરવું સૌથી યાદગાર રોમાંચ છે. આ પક્ષી તેના અવનવા અવાજ માટે પણ આકર્ષણ ધરાવે છે. હિમાલયન પ્રદેશોમાં મોર કુળના હિમાલય મોનલના ફોટોક્લિક કેન્યામાં કોમન શાહમૃગ ઉપરાંત વાદળી ડોક વાળા સોમાલી શાહમૃગના પણ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે. વડોદરાની આસપાસના પક્ષીઓમાં તેઓ શોભીગીને સૌથી વધુ સુંદર ગણાવે છે. જ્યારે શહેર નજીકના શ્રીપોર-ટીંબી તળાવ ખાતે ઘાસિયા પક્ષીઓમાં લાલ તાપસિયો તેમનો ફેવરિટ છે.
છેલ્લા કેટલાક વર્ષોથી જીવડા અને ફૂલોની પણ ફોટોગ્રાફી કરીને શોખનો વ્યાપ વધારી રહ્યાં છે. તેઓ કહે છે કે, માત્ર ઝાડ ઉગાડવા જરૂરી નથી. પક્ષીઓ માટે ઘાસ, પથ્થરો, તેની બખોલ અને કીચડભર્યા પાણી પણ મહત્વના છે. નદી-તળાવની આસપાસ ચોખ્ખુ કરવું નહીં પણ તેને પક્ષીઓ, વન્ય જીવોને અનુરૂપ બનાવવું અનિવાર્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.