શક્તિના સાહસથી પરિવાર આત્મનિર્ભર:કોરોનાએ આધાર છીનવ્યો તો મહિલાઓ પરિવારનો સ્તંભ બની

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાચી ઠાકોર- ફાઇલ તસવીર - Divya Bhaskar
પ્રાચી ઠાકોર- ફાઇલ તસવીર
  • કોરોનામાં પતિ-પિતા ગુમાવનાર મહિલાઓએ પારિવારિક ધંધો સંભાળી પરિવારની સ્થિતિ ડામાડોળ થતી અટકાવી

કોરોના કાળ દરમિયાન ઘણા પરિવારમાં મહિલાઓએ પોતાના પરિવારના એકમાત્ર આધારસ્તંભ એવા પિતા અને પતિને ગુમાવ્યા છે. જોકે આ કપરા સંજોગોમાં આ મહિલાઓએ પરિવાર કેવી રીતે ચાલશે તેવી ચિંતા કરવાને બદલે ચિંતન કર્યું અને આત્મવિશ્વાસ અને મજબૂત ઇરાદા રાખીને પોતાનો કૌટુંબિક વ્યવસાય કે ધંધો ચાલુ રાખ્યો છે તેમજ પરિવારને આધાર બક્ષ્યો છે. આવી શહેરની અનેક મહિલાઓ પૈકી આજે વિશ્વ મહિલા દિવસે 4 મહિલાઓના સંઘર્ષની વાત કે જેઓ પોતાના પતિ કે પિતાને ગુમાવ્યા પછી પણ હચમચી જવાને બદલે કપરા કાળમાં હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરીને પોતાના પરિવારનો આધારસ્તંભ બની છે અને પારિવારિક વ્યવસાયને આત્મસન્માન સાથે ચલાવી રહી છે, એટલુ જ નહીં આગળ પણ ધપાવી રહી છે.

પિતાના અચાનક મૃત્યુ બાદ કપરી કસોટી, ભણવા સાથે વ્યવસાય-પરિવારને સંભાળ્યો
ગોરવાની 21 વર્ષીય પ્રાચી ઠાકોરના પિતાનું મૃત્યુ ગત વર્ષે કોરોનાને કારણે થયું હતું. જેના કારણે પરિવારને માથે આભ તૂટી પડ્યું હતું. તેના પિતાનો ગ્રાફિક ડિઝાઇનિંગનો વ્યવસાય હતો. પ્રાચી ઘરની મોટી દીકરી હોવાથી પરિવારની જવાબદારી તેનાં મમ્મી અને તેના પર આવી પડી હતી. પ્રાચી જણાવે છે કે, મમ્મીએ તુરંત નોકરી શરૂ કરી હતી અને મેં પણ મારા અભ્યાસની સાથે વ્યવસાય પોતાના હાથમાં લીધો હતો. મારા માટે આ આત્મસંતોષની બાબત છે કે, જે ક્લાયન્ટ્સને મારા પિતા પર વિશ્વાસ હતો તેમણે મારા પર પણ યથાવત્ રાખ્યો. હું મારો 5 કલાક જેટલો સમય વ્યવસાય માટે ફાળવું છું.

રશ્મીબેન લાંઘનાજ- ફાઇલ તસવીર
રશ્મીબેન લાંઘનાજ- ફાઇલ તસવીર

લોકો કહેતાં હતા કે, પતિની જેમ બિઝનેસ નહીં કરી શકું, મેં કરી બતાવી મહેણું ભાંગ્યું
ગોરવાનાં 35 વર્ષીય રશ્મીબેન લાંઘનાજના પતિની હોમ એપ્લાયન્સિસની દુકાન હતી. તેમના પતિનું કોરોનાની પહેલી લહેર દરમિયાન 2020માં અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ દોઢ વર્ષથી એકલાં હાથે દુકાન ચલાવી રહ્યાં છે. તેઓ કહે છે કે, અગાઉ મને ચેક ભરતાં કે એટીએમમાંથી નાણાં ઉપાડતાં પણ નહોતું આવડતું. લોકો કહેતા કે, હું પતિની જેમ વ્યવસાય કરી શકીશ નહીં. જોકે આ મહેણું મારે ભાંગવું હતું. મેં નિર્ધાર કર્યો કે, બિઝનેસ ચલાવીને જ રહીશ. હાલમાં કેટલીક તકલીફો પડી રહી છે. મારા પતિ જેટલો નફો હું નથી કરી શકતી, પણ મારી મહેનત પર મને પૂરેપૂરો ભરોસો છે.

તેજલબેન ગાંધી- ફાઇલ તસવીર
તેજલબેન ગાંધી- ફાઇલ તસવીર

પતિના મૃત્યુ બાદ અણધારી જવાબદારી,11 મહિનાથી ફેક્ટરી સફળતાપૂર્વક ચલાવું છું
50 વર્ષીય તેજલબેન ગાંધીના માથે ફેક્ટરીનું સંચાલન કરવાની નવી જવાબદારી આવી પડી હતી. ગત વર્ષે એપ્રિલમાં કોરોનામાં તેમના પતિનું મોત થયું હતું. તેમના પતિનું કેમિકલ ક્ષેત્રે વપરાતા પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટ્સના પ્રોડક્શનનું યુનિટ હતું. જેનું સંચાલન 11 મહિનાથી તેજલબેન સફળતાપૂર્વક કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, મારા માટે આ બિઝનેસ તદ્દન નવો હતો. પહેલાં મારી કંપનીને ઉધારી પર માલ મળતો હતો, હવે એ શક્ય બનતું નથી. લોકો એવું માને છે કે, અમે ઓર્ડર મુજબ માલ નહીં બનાવી શકીએ. જે તદ્દન ખોટી વાત છે. હાલ પણ હું મારા પતિ જેટલો જ નફો કરીને ફેક્ટરીનું સંચાલન કરી રહી છું.

શિવાની- ફાઇલ તસવીર
શિવાની- ફાઇલ તસવીર

પિતાની જેમ વ્યવસાય કરતા નથી ફાવતું પણ દૃઢ સંકલ્પ કર્યો છે મહેનતથી આગળ વધીશ
​​​​​​​માંજલપુર વિસ્તારનાં મીનાબેનના પતિ શ્યામસુંદર અગ્રવાલનું કોરોનામાં એકાએક મૃત્યું થયું હતું. તેમની સ્ટેશનરીની દુકાન હતી, જેનું સંચાલન હાલમાં તેમની પત્ની મીનાબેન અને તેમની પુત્રી શિવાની સાથે મળીને કરી રહ્યાં છે. શિવાની જણાવે છે કે, મારા પિતાના મૃત્યુ બાદ કેટલાક હોલસેલર વેપારીઓએ અમારી સાથે ધંધો કરવાનો છોડી દીધો છે. મારા પપ્પા હોલસેલના વેપારીઓ સાથે જે આવડત સાથે વ્યવસાયિક વ્યવહાર કરતા હતા, તે હજુ હું નથી કરી શકતી. અને પિતા જે નફો કરતા હતા તે પણ અમે નથી કરી શકતા. જોકે હું દૃઢતાપૂર્વક મહેનત કરીને મારા પિતા કરતાં પણ આગળ વધીશ.

અન્ય સમાચારો પણ છે...