ભાસ્કર ઇનસાઇટ:વડોદરામાં કોમી રમખાણ વખતે હથિયારધારી ટોળાએ દરવાજા તોડવા પ્રયાસ કરતાં મહિલાઓ-બાળકો ઘરમાં સંતાઇ રહ્યાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોઠી પોળના સાંઈ બાબાના મંદિર પાસે સોમવારે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. - Divya Bhaskar
કોઠી પોળના સાંઈ બાબાના મંદિર પાસે સોમવારે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
  • રાવપુરા રોડ પર અકસ્માત મુદ્દે થયેલી કોમી અથડામણ પૂર્વનિયોજિત હોવાની સ્થાનિક રહીશોને શંકા
  • ટોળાએ મહિલાઓને આગળ રાખી ઘરો પર પથ્થરમારો કર્યો હોવાનો રહીશોનો આક્ષેપ
  • સતત બીજા દિવસે પણ અજંપા ભરેલી સ્થિતિ
  • કોઠી પોળ, ભદ્રકાળી માતાની પોળ, જોગીદાસ વિઠ્ઠલની પોળ સહિતના સ્થળે ચુસ્ત બંદોબસ્ત

રાવપુરા રોડ પર રવિવારે મોડી રાતે બે બાઈક વચ્ચે થયેલા અકસ્માત બાદ થયેલા કોમી હુલ્લડમાં કોઠી પોળના રહિશોએ આ હુમલો પૂર્વનિયોજીત હોવાની પ્રબળ શંકા સેવી હતી. મોડી રાતે હથિયાર સાથેના ટોળાએ ધસી આવીને પહેલા પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરી હતી. ત્યાર બાદ રહીશોના ઘરના દરવાજા તોડવાની કોશિશ કરતા ઘરમાં રહેતી મહિલાઓ અને બાળકો ડરના માર્યા ઘરમાં સંતાઈ રહ્યાં હતાં.

કોઠી પોળમાં સોમવારે પણ અજંપા ભરી સ્થિતિ જોવા મળી હતી. આસપાસની ભદ્રકાળી માતાની પોળ, જોગીદાસ વિઠ્ઠલની પોળ, રાવળીયા મહોલ્લો તમામ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો રહ્યો હતો. લોકો ઘરમાં જ દરવાજા બંધ કરીને પુરાયેલા જોવા મળ્યાં હતાં. કોઠી પોળના રહિશોએ જણાવ્યું હતું કે, રવિવારે રાતે 12 વાગ્યાની આસપાસ એક ટોળુ ધાર્મિક નારાના પોકાર સાથે પોળ પાસે આવેલા સાંઈ મંદિર તરફ ધસી આવ્યું હતું.

બુમાબુમ થતા લોકો ઘરના દરવાજા પાસે આવી જોતા લગભગ 100 જેટલા લોકો હાથમાં તલવાર, હોકી અને ચપ્પા સાથે ઘર પાસે ઉભા રહીને બાઈક, રીક્ષા અને લારીઓની તોડફોડ કરી રહ્યાં હતાં. સ્થાનિક રહિશોને જોઈને ટોળું ઘર પર પથ્થરમારો કરતું હતું. જ્યારે કેટલાક તોફાની તત્વોએ તો હાથમાં લોખંડનો સળિયો,દંડા પડે દરવાજા તોડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જેના કારણે ઘરની મહિલાઓ અને બાળકો ઘરમાં જ ડરના માર્યે સંતાઈ ગયાં હતાં.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રાવપુરા રોડ પર થયેલા અકસ્માત બાદ અમદાવાદી પોળના યુવાનને મારમાર્યો હતો. જેમાં પોળના યુવાનો બચાવવા દોડ્યાં હતાં. દરમિયાન જોગીદાસ વિઠ્ઠલની પોળ પાસેથી તોફાનીઓનું ટોળુ હાથમાં હથિયારો લઈને દોડી આવ્યું હતું. અને રાવપુરા રોડ પર માર મારી કરી વાહનોમાં તોડફોડ કરી હતી. જ્યારે ટોળાએ કોઠી પોળ, રાવળીયા વાસ, ભદ્રકાળી માતાની પોળ સહિતના વિસ્તારોમાં મહિલાઓને આગળ રાખી પથ્થરમારો કર્યો હતો.

રાવપુરા રોડ પર પથ્થરમારો કરતા ટોળાના ફૂટેજ મળતા તપાસ શરૂ કરાઇ હતી.
રાવપુરા રોડ પર પથ્થરમારો કરતા ટોળાના ફૂટેજ મળતા તપાસ શરૂ કરાઇ હતી.

માથાભારે તત્ત્વો સામે કાર્યવાહી કરો: પોલીસ કમિશનરને રજૂઆત
માથાભારે તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે પ્રદેશ કોંગ્રેસના નરલ સેક્રેટરી ચિરાગ શેખ, માઈનોરીટી પ્રમુખ ઈરફાન વ્હોરા, માજી મ્યુ.કાઉન્સિલર આઈ.ડી.પટેલ અને ફરીદ લાખાજી સહિતનાએ પોલીસ કમિશનરને રજુઆત કરી હતી. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે માથાભારે ઈસમો લોકોને નામ પૂછી લઘુમતી કોમના વ્યક્તિઓ પર હુમલો કરતા હતાં.

કોઠી પોળમાં સાંઈ બાબાની મૂર્તિની આરતી અને પૂજન
કોઠી પોળમાં રાતે તોડી પડાયેલી સાંઈબાબાની મૂર્તીની જગ્યાએ હિંદુ સંગઠનો દ્વારા તાત્કાલીક નવી મૂર્તિ લાવીને તેની પ્રતિષ્ઠા કરી હતી. પ્રતિષ્ઠા બાદ આરતી પણ કરવામાં આવી હતી.જ્યારે સોમવારે વહેલી સવારે પણ સ્થાનિકો તેમજ હિંદુ સંગઠનોના સભ્યોએ સાંઈબાબાની આરતી અને પુજન-અર્ચન કર્યું હતું.

લઘુમતી કોમની મહિલાઓનું ટોળું સમાધાન કરવા પહોંચ્યું
20 તોફાનીઓની ધરપકડ બાદ જે તે આરોપીના પરિવારની લઘુમતી કોમની મહિલાઓનું ટોળુ સમાધાન કરવા માટે કોઠી પોળ પહોચ્યું હતું.જ્યાં હુમલાનો ભોગ બનેલા પરિવારની મહિલાઓ સાથે સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પરંતું ભોગ બનેલા પરિવારે મચક ન આપતા અને ત્યાં હાજર પોલીસે ખખડાવતા મહિલાઓ જતી રહી હતી.

પોલીસને 7 થી 8 વાર ફોન કર્યા
મે રાતે 12:20 વાગ્યાથી પોલીસ કંટ્રોલમાં 7 થી 8 વખત ફોન કર્યાં હતાં. પોલીસને ઘર પાસે હુમલા અંગે જાણકારી આપી હતી.જોકે પોલીસ 12:30 વાગ્યા પછી આવી ત્યારે મામલો શાંત પડી ગયો હતો. જ્યારે ટોળાએ અમારી રીક્ષા પણ તોડી નાંખી હતી.જેના પર જ અમારૂ ઘર ચાલે છે. - હેમાબેન કિરણભાઈ રાવલ, સ્થાનિક

ડરનો માહોલ ઊભો થયો છે
તોફાની ટોળાએ મોડી રાતે જ અચાનક ધારદાર હથિયારોથી હુમલો કરી દિધો હતો. પથ્થર મારો અને તોડફોડથી સ્થાનિકો ગભરાઈ ગયા હતાં. રોડ પર અકસ્માતની ઘટના બાદ ટોળુ છેક કોઠી પોળ સુધી પહોચી ગયું. ઘટના અકસ્માતની હતી અને તેને લઈને તોફાન થતા હાલ ડરનો માહોલ ઉભો થયો છે. - પાર્વતીબેન રાવલ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...