તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:અકસ્માતના કેસમાં મહિલાને એક વર્ષની સાદી કેદની સજા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હરણી રોડ પર સ્કૂટરની ટક્કરે 1નું મોત અને 2ને ઇજા થઈ હતી
  • પ્રોબેશનની માગણી થતાં રૂા.3 લાખ જમા કરાવવા આદેશ

હરણી રોડ પર માર્ગ ઓળંગી રહેલા 3 લોકો સાથે સ્કૂટર અથાડતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું અને બેને ઇજા પહોંચી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં જ્યુ. મેજિ.એ આરોપી મહિલાને એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.5 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં આરોપી મહિલાએ પ્રોબેશનની માગણી કરતાં જ્યુ.મેજિ.એ આરોપી મહિલાને પ્રોબેશનનો લાભ આપી તેને વળતર પેટે 3 માસમાં રૂા.3 લાખ જમા કરાવવાનો આદેશ કરી શરતી જામીન મંજૂર કર્યા હતા.

બનાવની વિગત એવી છે કે, વર્ષ 2016માં હરણી રોડ પર રાખીબહેન શાહ, પ્રિયકાંતભાઇ શાહ અને નિર્મળાબહેન શાહ રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. દરમિયાન પૂરઝડપે સ્કૂટર ચલાવી રહેલાં કલ્યાણીબહેન મિસ્ત્રીએ ત્રણેને અડફેટમાં લેતાં નિર્મળાબહેનનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બેને ઇજા પહોંચી હતી.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં સરકાર તરફે એપીપી પ્રણવ જોષી હાજર રહ્યા હતા. જ્યુ.મેજિ.એ આ અકસ્માતના બનાવમાં સ્કૂટરચાલક કલ્યાણીબહેન મિસ્ત્રીને કસૂરદાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને રૂા.5 હજારનો દંડ ફટકારી જો દંડની રકમ ભરવામાં ન આવે તો વધુ 3 માસની સાદી કેદનો આદેશ કર્યો હતો. અદાલતના આ આદેશ બાદ કલ્યાણીબહેન મિસ્ત્રીએ પ્રોબેશનની માગણી કરતાં તેમને પ્રોબેશનનો લાભ આપવામાં આવ્યો હતો.

પ્રોબેશનનો લાભ શું હોય છે?
અદાલત સજા કરે ત્યારે આરોપી દ્વારા પ્રોબેશનની માગણી કરવામાં આવતી હોય છે. આરોપી દ્વારા તેનો આ પ્રથમ ગુનો છે, તેને નાનાં બાળકો છે તે સહિતના મુદ્દાઓ રજૂ કરી સજામાંથી મુક્તિ આપવાની માગણી કરવામાં આવે છે. અદાલતને જો યોગ્ય લાગે તો પ્રોબેશનનો લાભ આપવાની સત્તા તેમની પાસે હોય છે. આ કેસમાં પણ મહિલાએ પ્રોબેશનની માગણી કરતાં તેને પ્રોબેશનનો લાભ આપીને વળતર પેટે રૂા.3 લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...