વડોદરામાં માતા-પિતા અને પરિવારની ઉપરવટ જઇને પ્રેમલગ્ન કરનાર શિક્ષિત યુવતીને પસ્તાવાનો વખત આવ્યો છે. લગ્ન બાદ શંકાશીલ પતિ અને તેના પરિવારજનોએ જિંદગી નર્ક બનાવી દેતા નાસીપાસ થઇ ગયેલી પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, સાસરીયાએ 50 તોલા સોનુ અને દોઢ કિલો ચાંદી પચાવી પાડ્યું છે.
પત્ની અભ્યાસ માટે લંડન જતા પતિ પણ ત્યાં પહોંચી ગયો
વડોદરા શહેરની ઇન્ટરનેશનલ સ્કૂલમાં નોકરી કરતી અને એક સંતાનની માતા શાલિનીબહેને(નામ બદલ્યુ છે) નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ-2008માં માતા-પિતા અને પરિવારની મરજી વિરૂદ્ધ રાહુલ ચંદ્રકાંત સોની સાથે ભાગીને કોર્ટ મેરેજ કર્યાં હતા. લગ્ન બાદ વધુ અભ્યાસ માટે લંડન ગઇ હતી. વિદેશ ગયા બાદ 8 માસ પછી પતિ રાહુલ સોની પણ વિદેશ આવી ગયો હતો. પતિ વિદેશમાં આવ્યા બાદ પતિના શંકાશીલ સ્વભાવના કારણે ઝઘડાઓ શરૂ થયા હતા.
પતિ દારૂ પીને પત્ની સાથે મારઝૂ઼ડ કરતો હતો
શાલિનીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિને શંકા હતી કે, લંડનમાં જે વ્યક્તિએ મદદ કરી હતી તે વ્યક્તિ સાથે આડા સબંધ છે. પતિની શંકા દૂર કરવા માટે મેં પતિને મારો મોબાઇલ ફોન પણ આપી દીધો હતો. ફોન આપ્યા પછી પણ પતિનો સ્વભાવ બદલાયો ન હતો. તેઓ દારૂ પીને ઘરે આવે ત્યારે ઝઘડો કરતા હતા અને માર મારતા હતા.
લગ્ન જીવન બરબાદ ન થાય તે માટે લંડનથી ભારત આવ્યા
પતિનો ત્રાસ સહન ન થતાં અને અમારું સાંસારીક જીવન બરબાદ ન થઇ જાય તે માટે અમે લંડનથી પરત ભારત આવી ગયા હતા અને સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેવાનું શરૂ કર્યું હતું. વડોદરા આવ્યા પછી પણ પતિએ તેના માતા-પિતા અને પરિવાર સામે મારઝૂડ કરવાનું ચાલુ રાખ્યું હતું અને અવાર-નવાર અપમાન કરવામાં કંઇ બાકી રાખતા ન હતા.
પતિને તેના મિત્રની પત્ની સાથે આડા સબંધ હતા
શાલિનીએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, પતિ રાહુલને તેના મિત્રની પત્ની સાથે આડા સબંધ હતા. પતિના આડા સબંધની જાણ યુવતીના પતિને થતાં બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. પતિ અને સાસરીયાને આ બાબતે ધ્યાન દોરતા તેઓએ વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. છેલ્લે પતિ તથા સાસરીયાઓએ પિયરમાંથી સોનું લઇ આવવા માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મારા પિયર પક્ષ તરફથી 50 તોલા સોનું અને દોઢ કિલો ચાંદી દહેજ પેટે આપવામાં આવ્યું હતું. જે તેઓએ પચાવી પાડ્યું છે.
પરિણીતાએ પતિ સહિત સાસરીયા સામે પોલીસ ફરિયાદ કરી
દહેજ આપવા છતાં પણ સારી રીતે રાખવાને બદલે ઘરમાંથી કાઢી મુકતા શાલિનીએ પતિ રાહુલ સોની, સસરા ચંદ્રકાંત સોની, સાસુ જ્યોતિબહેન સોની અને દીયર વિશાલ સોની (તમામ રહે, એ-22, અર્થ સોમનાથ, ગોત્રી-સેવાસી રોડ, વડોદરા) સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે તમામ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.