વડોદરા ક્રાઇમ ન્યુઝ:પોલીસમાંથી છૂટ્યા બાદ મહિલાએ પુનઃ દારૂનો ધંધો શરૂ કરી દીધો, દેશી તમંચા સાથે ઝડપાયો, યુવક પર ત્રિપુટીનો હુમલો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આર્ય કન્યા વિદ્યાલય પાસેની પાર્વતી નિકેતન સોસાયટીમાં રહેતા મનોજ કહાર તથા પ્રીતિ કહાર જાહેરમાં પ્રતિદિન 35 પેટી વિદેશી દારૂનું વેચાણ કરે છે. તેવી માહિતી રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ શાખાને મળતા વડોદરા શહેરની પીસીબી શાખાને કાર્યવાહી માટેની સૂચના આપી હતી. જેના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળ ઉપરથી શીલાબેન લક્ષ્મીકાંત કહારને ઝડપી પાડી હતી.

મકાનમાં તપાસ કરતા રૂપિયા 7,400ની કિંમતનો દારૂ તથા બિયરની 74 નંગ મળી આવી હતી. આરોપીએ આ દારૂનો જથ્થો ભાઈ મનોજ કહાર તથા ભાભી પ્રીતિ કહાર વેચવા માટે લાવ્યા હોવાની કબુલાત કરી હતી. હજુ આ વાતને ગણતરીના કલાકો થયા છે, ત્યાં ફરી એક વખત શીલા કહારને પીસીબી પોલીસે તે જ સ્થળેથી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 4,800 કિંમતની દારૂની 48 બોટલ અને 9 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. અને બુટલેગર દંપતી મનોજ અને પ્રીતિ કહારને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

ગોત્રી વિસ્તારમાં દેશી તમંચા સાથે ઝડપાયો
વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, વુડા ચાર રસ્તા પાસે એક ઈસમ કમરના ભાગે દેશી તમંચો સંતાડી વેચવા માટે ફરી રહ્યો છે. બપોરના સુમારે પોલીસે બાતમી મુજબના શખ્સને વોચ ગોઠવી રૂપિયા 5 હજારની કિંમતના દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ઈસમ વિઠ્ઠલ મોતીભાઈ પરમાર ( રહે - જુના વુડાના મકાન ગોત્રી રોડ / મૂળ રહે - રાયપરા ગામ ,જી. વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું.

આ દેશી તમંચો થોડા વર્ષ અગાઉ પ્રવીણ ફુલાભાઈ પરમાર (રહે- નુતન ભારત સોસાયટી, અલકાપુરી ) પાસેથી રૂપિયા 5 હજારમાં ખરીદ્યો હોવાની કબુલાત કરી હતી. જેના આધારે પોલીસે આરોપીને સાથે રાખી પ્રવિણ પરમારને પણ ઝડપી પાડ્યો હતો. લક્ષ્મીપુરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓની ચોરી
વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં રહેતા ઈબ્રાહીમ મેમણ ટેમ્પોમાં ઘર ઉપયોગી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ રાખી સાળા સાથે ભાગીદારીમાં વેચાણ કરે છે. તેઓનું એક મકાન લાડવાડા મોટી ખડકીમાં આવ્યું છે. જે મકાનમાં 6 ડિસેમ્બરના રોજ તેઓએ ખરીદેલો પ્લાસ્ટિકનો માલ સામાન રાખ્યો હતો. 27 ડિસેમ્બરના રોજ લાડવાડા મકાનના મુખ્ય દરવાજાનો લુકુચો તૂટેલ હોય ચોરી થયાની જાણ થઈ હતી.

તપાસ કરતા અજાણ્યા તસ્કરો પ્લાસ્ટિકના જગ, જ્યુસ મશીન, કટર મશીન, પ્લાસ્ટિકની બોટલ, મોબાઈલ ફોન, પિત્તળના તપેલા, કાંડા ઘડિયાળ અને રોકડા રૂપિયા 15 હજાર મળી કુલ રૂપિયા 37,500ની મત્તા ચોરી ફરાર થયાનું બહાર આવ્યું હતું. વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યુવક ઉપર ત્રિપુટીનો હુમલો
વડોદરા પાસે અનગઢ ગામ રબારીવાસમાં રહેતા 24 વર્ષીય અક્ષય વાલજીભાઈ રબારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હું શ્રી ભાથુજી મંદિર પાસે ચાઈનીઝ ખાવા માટે ગયો હતો. તે સમયે કલ્પેશ કરસનભાઈ રબારી, રૂપેશ લાલજીભાઈ રબારી તથા મફત હાર્દિકભાઈ રબારી (ત્રણેય રહે. રબારીવાસ, અનગઢ ગામ)એ મને પોલીસ કેસ પાછો ખેંચવા અપશબ્દો બોલી, ઢોર માર માર્યો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે નંદેસરી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે CCTVની મદદથી રિક્ષામાં ભૂલાઇ ગયેલું પર્સ શોધી આપ્યું
ગત તા. 31 ડિસેમ્બરના રોજ રિતિકાબેન નામના મહિલા ડોક્ટર બેગ તથા પર્સ રીક્ષામાં ભૂલી ગયા હતા. તેઓ આ રીક્ષા શોધતા શોધતા ભીમનાથ નાકા પાસે ટ્રાફિક પોઇન્ટ પર આવી ટ્રાફિક પોલીસને રીક્ષા બાબતે પૂછતા ટ્રાફિક પોલીસ દ્વારા તેમને સીસીટીવી કંટ્રોલરૂમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. પોલીસે માણેજાથી ભીમનાથ નાકા સુધીના સીસીટીવી ટ્રેક કરી રીક્ષાના નંબરના આધારે ડોક્ટર રિતિકાબેનને તેમનું પર્સ અને બેગ શોધી આપી હતી.

મારામારીના ગુનામાં સંડોવાયેલ શખ્સ તડીપાર
કારેલીબાગ વિસ્તારમાં વારંવાર મારામારીના ગુનામાં સંડોવાયેલ યાકુબ ઉર્ફે બાટલા સલીમભાઇ અબ્લુલસમદ સૈયદ (રહે. રોશનનગર, તુલસીવાડી, વડોદરા)ની અટકાયત કરી તડીપાર કરી અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેની સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર અને મારામારી સહિતના ચાર ગુના નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...