તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેઇન સ્નેચરોનો આતંક:મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલા - યુવક સહિત 4ના અછોડાની લૂંટ, એક જ ટોળકીનું કારસ્તાન

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અરૂણાબેન ત્રિવેદી - Divya Bhaskar
અરૂણાબેન ત્રિવેદી
  • 24 કલાકમાં ખોડિયારનગર, સમા, કારેલીબાગ,વારસિયાના 8 કિમી ત્રિજ્યામાં બાઇકસવાર લૂંટારુનો આંતંક
  • ચારેય વિસ્તારના CCTV ચેક કરતાં અછોડાતોડોની એક જ ટોળકીની સંડોવણી ખૂલી : તપાસ શરૂ

વીતેલા 24 કલાકમાં શહેરના ખોડીયારનગર, સમા, કારેલીબાગ અને વારસીયા વિસ્તારમાં 8 કિલોમીટરની ત્રિજ્યામાં અછોડાતોડોએ 4 મહિલાઓના અછોડાતોડીને આંતક સર્જ્યો હતો. આ અછોડા તોડોએરવિવારે એક મહિલાનો અછોડો તોડયા બાદ સોમવારે સવારે અડધો કલાકના ગાળામાં ખોડીયારનગર, કારેલીબાગઅને સમા વિસ્તારમાં અછોડા તોડયા હતા.

ચાર વિસ્તારમાં અછોડા તુટતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. અને શહેરમાં નાકા બંધી કરીને અછોડાતોડોને શોધવાની કાર્યવાહી કરી હતી. પોલીસે ચારેય વિસ્તારના સીસી ટીવી ચેક કરતાં અછોડાતોડોની એક જ ટોળકીએ આ કૃત્ય આચર્યું હોવાની વિગતો સપાટી પર આવી હતી. અછોડા તોડોને પકડવા માટે પોલીસે તપાસને ગહન બનાવી છે.

ડિવાઇડર પાસે મોંઢે રૂમાલ બાંધેલા લૂંટારુંએ મહિલાનો અછોડો તૂટ્યો
સમય : સોમવાર-સવારે 6.30 વાગ્યે
સ્થળ: ન્યૂ વીઆઇપી રોડ ખોડિયાર નગર પાસે

ખોડીયારનગર વૈકુંઠ-2 સોસાયટીમાં રહેતા, રેલવેમાં એકાઉન્ટ ઓફિસર તરીકે નિવૃત્ત 55 વર્ષીય અરુણાબેન ગયાપ્રસાદ ત્રિવેદી પતિ સાથે સોમવારે સવારે 6-30 વાગે પાંજરાપોળથી ખોડીયારનગર ચાલવા નિકળ્યા હતા. તેઓ બ્રહ્માનગર પાસેના ડિવાઇડરના કટ પાસે થી ઘેર પરત ફરતા હતા ત્યારે 6-45 વાગે બ્રહ્માનગર સાંઇ કેટરર્સની સામે પાછળથી કાળા કલરની બાઇક પર 2 શખ્સ ધસી આવ્યા હતા પાછળ બેઠેલા શખ્સે મોંઢા પર રુમાલ બાંધેલો હતો. અછોડાતોડ રોડની કિનારીથી એકદમ બાઇક લાવી પાછળ બેઠેલા શખ્સે સોનાની દોઢ તોલાની ચેઇન (કિંમત 35 હજાર) તોડી વુડાના મકાન તરફ ભાગ્યા હતા. જો કે તેઓ પળવારમાં ભાગી જતાં મહિલા બાઇકનો નંબર જોઇ શકી ન હતી.

જશોદાબેન સોલંકી
જશોદાબેન સોલંકી

ડિવાઇડર પર ફૂલ છોડવા ગયેલી વૃદ્ધાનો અછોડો આંચકી લીધો
સમય :
રવિવાર - સવારે 5.45 વાગ્યે
સ્થળ: નવનીતપાર્ક હરણી વારસિયા રિંગ રોડ

વારસીયા રીંગ રોડ પર નવનીત પાર્ક સોસાયટીમાં રહેતા 69 વર્ષીય જશોદાબેન સુરેશભાઇ સોલંકી રવિવારે સવારે સોસાયટીના નાકા પાસે ડિવાઇડર પર ઉગેલા છોડ પરથી ફુલ તોડવા ગયા હતા જયાં સેવ ઉસળની લારી તરફ મોં રાખીને ફુલ તોડતા હતા ત્યારે પોણા છ વાગ્યાના અરસામાં એક યુવક તેમનીપાછળ ધસી આવી વૃદ્ધાનું સોનાનું 1 તોલાનું સોનાનું મંગળસુત્ર (કિંમત 30 હજાર) તોડીને દોટ મુકીને પંચશીલ તરફ ભાગી છુટયો હતો અને રસ્તામાં મહેશ્વરી જનરલ સ્ટોરની સામે લીમડાના ઝાડ નીચે પાર્ક કરેલી બાઇક પર બેસી પંચશીલ તરફ રોંગ સાઇડ તરફ ભાગી છુટયો હતો, જેથી વૃદ્ધાએ બુમાબુમ કરતાં લોકો ભેગા થઇ ગયા હતા. જો કે વૃદ્ધા બાઇક નો નંબર કે કલર જોઇ શકી ન હતી.

ગંગોત્રીબેન
ગંગોત્રીબેન

પગપાળા જતી મહિલાનો અછોડો તોડી ગઠિયો બાઇક પર ફરાર
સમય : સોમવારે સવારે 7.15 વાગ્યે
સ્થળ: ન્યૂ સમા રોડ ચૈતન્યધામ સોસાયટી પાસે​​​​​​​

ન્યુ સમા રોડ પર અંબેમાતાના મંદિર પાસે તક્ષશીલા સોસાયટીમાં રહેતા 50 વર્ષીય ગંગોત્રી બેન મહેન્દ્રપ્રસાદ રાય સોમવારે સવારે 7-15 વાગે ચૈતન્યધામ સોસાયટીના ગેટ પાસેથી ચાલતા પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની પાછળ ચાલતા ચાલતા મોંઢા પર રુમાલ બાંધેલો શખ્સ આવ્યો હતો. મહિલાની નજીક આવીને બંને પૈકી રુમાલ બાંધેલા શખ્સે મહિલાના ગળામાં પાછળના ભાગે હાથ નાંખી તેમણે ગળામાં પહેરેલી દોઢ તોલાની સોનાની ચેઇન (કિંમત 30 હજાર) તોડીને સામેની બાજુમાં બાઇક લઇને ઉભેલ શખ્સની પાછળ બેસીને બંને શખ્સ ન્યુ સમા રોડ પર અંબા માતાના મંદિર તરફ ભાગી છુટયા હતા. તેમણે પોલીસને જાણ કરતાં સમા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંનેની તપાસ આદરી હતી.

સવારે ચાલવા નીકળેલા યુવકની સોનાની ચેઇન તોડી લીધી​​​​​​​
સમય :
સોમવારે સવારે 6.45 વાગ્યે
સ્થળ: કારલીબાગ મુકતાનંદ સર્કલ​​​​​​​

કારેલીબાગ પાણીની ટાંકી પાસે કલાકુંજ સોસા.ટીમાં રહેતા 40 વર્ષીય રાજન ગોપાલભાઇ સોનીએ પોલીસને જણાવ્યું હતું કે સોમવારે સવારે 6 વાગે તેઓ એકલા ઘેરથી ચાલવા નિકળ્યા હતા અને 6-45 વાગે તેઓ મુકતાનંદ સર્કલ અને સબ વે રેસ્ટોરન્ટની વચ્ચે પસાર થતાં હતા ત્યારે પાછળથી તેમની નજીક બાઇક પર 2 શખ્સ અચાનક ધસી આવ્યા હતા અને તેમના ગળામાં હાથ નાંખી ગળામાં પહેરેલી સોનાની દોઢ તોલાની ચેઇન (કિંમત 30 હજાર) તોડીને એલ એન્ડ ટી સર્કલ તરફ ભાગી છુટયા હતા. તેમણે પોલીસને જણાવ્યું હતું કે બાઇક પર પાછળ બેઠેલા શખ્સે મોંઢા પર આખુ ઢંકાય તેવું માસ્ક પહેર્યું હતું. જો કે તેઓ બાઇકનો નંબર જોઇ શકયા ન હતા. તેમણે તત્કાળ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સીસી ટીવી ફુટેજના આધારે અછોડાતોડોની શોધખોળ આદરી હતી.પોલીસે વિવિધ લોકોના નિવેદનો લઇ તપાસને વેગીલી બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...