વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી માટે જઇ રહેલા મહિલા લતાબેન પરમારનું ગત રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં મૃત્યું થયું હતું. ગુરૂની આજ્ઞાથી મહિલાએ ચક્ષુદાનનો સંકલ્પ કર્યો હોવાથી તેમનું ચક્ષુદાન કરવામાં આવ્યું છે. ઘટનાની કરૂણતા એ છે કે, જે હોસ્પિટલમાં તેઓ નોકરી કરતા હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જો કે, આ બનાવ પછી પણ માનવતા મહેકાવતા પરિવારે મહિલાનું ચક્ષુદાન કર્યુ હતું.
મહિલાને અજાણ્યા વાહન ટક્કર મારી
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના છાણી જકાતનાકા પાસે આવેલા તરુણનગરમાં રહેતા 54 વર્ષિય લતાબેન રમણભાઇ પરમાર છાણીમાં જ આવેલી સત્યમ હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ રાખવા અને સાફસફાઇ જાળવવાની નોકરી કરતા હતા. શનિવારે રાત્રે 8:40 વાગ્યા આસપાસ લતાબેન રોડ ક્રોસ કરી સત્યમ હોસ્પટલ તરફ જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી અને ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં ઘાયલ લતાબેનને તેઓ જ્યાં નોકરી કરતા હતા તે સત્યમ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને તેમના પુત્ર મયંકભાઇ અને પતિ રમણભાઇને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
સારવાર દરમિયાન મહિલાનું મોત
મયંકભાઇ પરમાર હોસ્પિટલમાં આવી પહોંચ્યા ત્યારે તેમના માતા લતાબેનની સારવાર ચાલી રહી હતી અને તેમને ડાબી આંખના ઉપરના ભાગે ચાર ટાંકા લીધેલા હતા. સાથે ડાબા ખભે ગંભીર ઇજાએ થઇ હતી. ડોક્ટરે જણાવ્યું હતું કે, લતાબેનને થાપાના ભાગે પણ ફ્રેક્ચર થયું છે અને હાથ છોલાઇ ગયા છે. દરમિયાન માતા દર્દથી કણસતા હતા અને દીકરા મયંકભાઇને જોઇને કહ્યું હતું કે, તેમને બહું દુખાવો થાય છે. તેમજ પડખું ફેરવવા કહી રહ્યા હતા. જો કે આ દરમિયાન સારવાર કરી રહેલા ડોક્ટરે મયંકભાઇને કહ્યું હતું કે, હાલ દર્દીને ડિસ્ટર્બ ન કરશો. અમને સારવાર કરવા દો. જેથી મંયકભાઇએ તેમની માતાને અકસ્માત વિશે વધુ કશું પુછ્યું ન હતી. અને સારવાર દરમિયાન રાત્રે 11 વાગ્યે ફરજ પરના ડોક્ટરે લતાબેનને મૃત જાહેર કર્યા હતા. જેથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ગુરૂની આજ્ઞાથી ચક્ષુદાનનો સંકલ્પ લીધો હતો
સત્યમ હોસ્પિટલમાં નોકરી કરતા લતાબેન પરમાર સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. તેઓએ ગુરૂની આજ્ઞાથી ચક્ષુદાનનો સંકલ્પ લીધો હતો. જેથી તેમની ઇચ્છા પ્રમાણે ચક્ષુદાન પણ કરવામાં આવ્યું હતું. આજે બપોરે લતાબેનના મૃતહેદને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. જેથી બપોર બાદ લતાબેનના છાણી ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
લતાબેનના માતાએ પણ કર્યું હતું ચક્ષુદાન
લતાબેનના ભાઇ દિનેશભાઇએ દિવ્યભાસ્કર ડિજિટલ સાથે ટેલિફોનિક વાતમાં કહ્યું હતું કે, મારા બહેનની જેમ મારા માતા મણીબેન ખુસાલભાઇ મિસ્ત્રીએ પણ વર્ષ 2015માં ચક્ષુદાન કર્યું હતું. આમ માતાના સંસ્કારના પગલે ચાલતા તેમના દીકરીએ પણ અકસ્માતમાં જીવ ગુમાવવા છતાં માનવતા મહેંકાવી છે. લતાબહેન અને અમારો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો છે અને ગુરુ લાલજી મહારાજની પ્રેરણાથી ચક્ષુદાનનો સંકલ્પ કર્યો હતો. અમારી હરિભક્તોને અપીલ છે કે તમે પણ ચક્ષુદાન માટે આગળ આવે.
વડોદરાના 6 હજાર હરિભક્તોએ ચક્ષુદાનનો સંકલ્પ કર્યો છે
વડોદરામાં ચક્ષુદાન સંકલ્પ સાથે જોડાયેલા રૂપેશભાઇ સથવારાએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ જૂનાગઢમાં 2013માં ઉજવાયો હતો. તેમાં આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના દિવ્ય સંકલ્પ "ભારત દેશ બને પ્રજ્ઞાચક્ષુ મુક્ત દેશ" અંતર્ગત એક જ કલાકમાં 22000 હરિભક્તોએ મૃત્યુ પછી ચક્ષુદાન કરવાનો સંકલ્પ કરેલો હતો. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાંથી 6 હજારથી પણ વધુ હરિભક્તોએ સંકલ્પ કર્યો હતો તે અંતર્ગત ગઈકાલે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લતાબેને પણ ચક્ષુદાનનું સંકલ્પ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.