વડોદરા જિલ્લાના ડેસર ખાતે વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારનું ત્રીજું સંતાન વિચિત્ર (એલિયન જેવુ) જન્મ લેતા ચિંતાતુર બન્યા હતા, પરંતુ, બે કલાક બાદ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. પિતા જગદીશ પ્રસાદે જણાવ્યું હતું કે, ડોક્ટરે અમને કહ્યું હતું કે, જવલ્લેજ આવું બાળક જન્મ લેતું હોય છે.
પરિવાર 6 વર્ષથી ડેસરમાં રહે છે
ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લા જાલોનના વતની વડોદરાના ડેસર ખાતે રહેતા જગદીશ પ્રસાદ જગરામ રાઠોડ ઉર્ફે પીન્ટુ ભાઈ તેમના પત્ની હેમલતાબેન અને બે સંતાનો ગગન અને તનુષ્કા સાથે વસવાટ કરીને પાણીપુરીનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા 6 વર્ષથી તેઓ ડેસરમાં વસવાટ કરે છે. તેમની પત્ની પ્રેગ્નેન્ટ હોવાથી તકલીફ થતાં તેઓ તેને સાવલી ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને સોનોગ્રાફી કરાવી હતી.
ડોક્ટરે કહ્યું: બાળકના મગજમાં ઉણપ દેખાય છે
ડોક્ટરે જણાવ્યું હતું કે, આવનાર બાળકના મગજમાં ઉણપ દેખાઈ રહી છે, તેવું જણાવતા ગરીબ પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો અને તેમના માનસપટ પર વિચારોના વમળો સર્જાયા હતા. કેટલો ખર્ચો થશે ? રૂપિયા ક્યાંથી લાવીશું ?
મહિલાને આગ્રાની હોસ્પિટલમાં દાખલ કરાઈ
જગદીશ પ્રસાદ રાઠોડ ઉર્ફે પીન્ટુ ભાઈના લગ્ન યુપીના ફિરોઝાબાદ ખાતે હેમલતાબેન સાથે થયા હતા, ત્યાંથી માત્ર 20 કિલોમીટર દૂર આગ્રા આવેલું છે. સાસરી પક્ષનો સંપર્ક કરીને વડોદરાથી ટ્રેન મારફતે તેઓ પરિવાર સાથે 27 જુલાઈના રોજ પોતાની સાસરીમાં ફિરોઝાબાદ જવા રવાના થયા હતા. ત્યાં પહોંચીને સાસરી પક્ષ પાસેથી ઉછીના 70 હજાર રૂપિયા મેળવીને મહિલાને આગ્રાની લોકહિતમ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી.
એલિયન જેવા બાળકને જન્મ આપ્યો
દિવસ દરમિયાન નોર્મલ ડિલિવરીની રાહ જોયા બાદ 30 જુલાઈના રોજ હેમલતાબેનનું સીઝર કરાતા વિચિત્ર કહી શકાય તેવા મગજ વગરના એલિયન જેવા બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાંથી વાયુવેગે વાતો પ્રસરતા હોસ્પિટલ બહાર લોક ટોળા ઉમટયા હતા. પીન્ટુભાઈના પત્નીએ એલિયન જેવા બાળકનો જન્મ થયો છે તેવી વાતો વાયુવેગે પ્રસરતા ડેસરના લોકમાં પણ કુતૂહલ સર્જાયું હતું. જોકે જન્મ થયાના માત્ર 2 કલાકમાં બાળકનું મૃત્યું થયું હતું.
વાપીમાં આવુ એક બાળક જન્મ્યું હતું
4 મહિલા પહેલા જ વાપીની એક હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીમાં એક એલિયનની જેમ બાળકે જન્મ લેતા પરિવારજનો મૂંઝવણમાં મૂકાયા હતા. જોકે થોડા સમય બાદ તે મોતને ભેટતાં દફનવિધિ કરી દેવાઇ હતી. બાળકનો જન્મ મોટી આંખો અને દાત સાથે થયો હતો. વાપી ડુંગરા હદ વિસ્તારમાં રહેતા એક પરિવારની મહિલાને પેટમાં દુઃખાવો થયા બાદ વાપીની જ એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં 8 માસમાં તેમણે એક પુત્રને જન્મ આપ્યો હતો. જન્મ લેનારા પુત્રને જોઇ તબીબ તેમજ પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા.
(અહેવાલઃ ઝાકિર દિવાન, ડેસર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.