પોલીસની માનવતા:વડોદરામાં ચોરીના કેસમાં અટકાયત કરેલી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા પોલીસ સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ, તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરાની સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં મહિલાની સલામત પ્રસૂતિ કરાવવામાં આવી હતી - Divya Bhaskar
વડોદરાની સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં મહિલાની સલામત પ્રસૂતિ કરાવવામાં આવી હતી
  • મહિલાની સલામત પ્રસૂતિથી સયાજી હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફમાં ખુશી જોવા મળી

ચોરીનો આરોપ જેના માથે છે તેવી સગર્ભા મહિલાની વડોદરાની સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં સલામત પ્રસૂતિ કરાવવામાં આવી હતી. મા અને નવજાત બાળકી સ્વસ્થ હોવાથી સહુએ ખુશીની લાગણી અનુભવી હતી.

મહિલાએ 2.900 ગ્રામ વજનની તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો
આ અંગે માહિતી આપતાં ઇન્ચાર્જ સિસ્ટર ભાનુબહેન ઘીવાલાએ જણાવ્યું હતું કે, શનિવારે નિશા નામની આ સગર્ભા મહિલાને પોલીસ તંત્ર દ્વારા ચોરીની એક ઘટનાના અનુસંધાને અટકમાં લેવામાં આવી હતી. તે સમયે જ તેને પ્રસૂતિની પીડા ઉપડતાં પોલીસ તંત્રે વિલંબ કર્યાં વગર આ મહિલાને સયાજી હોસ્પીટલમાં લાવવાની સમય સૂચકતા દાખવી હતી. પ્રસૂતિ વિભાગમાં આ મહિલાને તુરંત જ લેબર રૂમમાં લઈ જવામાં આવી હતી. આ મહિલાએ બપોરના સમયે લગભગ 2.900 ગ્રામ વજનની તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો ત્યારે સૌ એ આનંદની લાગણી અનુભવી હતી. હાલમાં માતા અને બાળકીની હાલત સારી છે અને તેમની યોગ્ય કાળજી સરકારી દવાખાનામાં લેવામાં આવી રહી છે.

તબીબો અને નર્સિંગ સ્ટાફમાં ખુશી જોવા મળી
આ પ્રકારની મારી કારકિર્દીની આ પ્રથમ ઘટના છે અને કદાચ અમારા પ્રસૂતિ વિભાગમાં પહેલીવાર આવું બન્યું છે તેવી જાણકારી આપતાં ભાનુબેને કહ્યું હતું કે, સુખરૂપ પ્રસૂતિથી અમને ખૂબ આનંદ થયો છે. હાલમાં સંબંધિત પ્રસુતાની સ્વજન મહિલા પણ તેની દેખરેખ રાખી રહી છે. બાળ રોગ વિભાગને પણ આ બાળ જન્મની જાણ કરવામાં આવી છે અને ત્યાંના તબીબે નવજાત શિશુની તપાસ કરી તે સ્વસ્થ હોવાનો અભિપ્રાય આપ્યો છે. પોલીસ તંત્ર પણ ઉપસ્થિત છે.

મહિલાએ બપોરના સમયે લગભગ 2.900 ગ્રામ વજનની તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો ત્યારે સૌ એ આનંદની લાગણી અનુભવી
મહિલાએ બપોરના સમયે લગભગ 2.900 ગ્રામ વજનની તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો ત્યારે સૌ એ આનંદની લાગણી અનુભવી

માતા અને બાળક સ્વસ્થ રહે એ જ અમારી અગ્રતા છે
આ અંગે પ્રતિભાવ આપતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, કાયદો કે પોલીસ તંત્રની દૃષ્ટિએ વ્યક્તિનું સ્ટેટસ ગમે તે હોય દવાખાનામાં અમે આરોગ્ય સેવાની જરૂરવાળા બધાને કોઈ ભેદ વગર દર્દી તરીકે જરૂરી સારવાર, આરોગ્ય સેવા કોઈ ભેદ વગર આપીએ છે. પ્રસૂતાને પણ એક સમાન રીતે, તેને આરોપી તરીકે ન જોતાં, આરોગ્ય સેવાની જરૂરને અનુલક્ષીને પ્રસુતિની સેવાઓ પૂરી પાડવામાં આવી છે. સલામત પ્રસૂતિ અને સ્વસ્થ બાળ જન્મથી અમારા તબીબો,નર્સિંગ સ્ટાફ અને સૌ આનંદ અનુભવી રહ્યાં છે. માતા અને બાળક સ્વસ્થ રહે એ જ અમારી અગ્રતા છે. હાલમાં માતા અને બાળકને સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં નિયમાનુસાર રાખવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...