ખંભાત તાલુકાના ખટનાલ ગામે જીતપુરા મોભીય સીમાં રહેતા પરિવાર સાથે રહેતા દક્ષાબેન ઠાકોર તેમના પરિવાર સાથે રાત્રે ઘરમાં ઉંઘતા હતા. આ દરમિયાન સંજયભાઇ લાલજીભાઇ ઠાકોર નામનો યુવક ઘરમાં ઘુસ્યો હતો અને દક્ષાબેનના માથા પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. જેથી દક્ષાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપી સંજય ઠાકોર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. આરોપી સંજય ઠાકોર ત્યાંથી ભાગીને વડોદરા એસટી ડેપો પર આવ્યો હતો. જેની બાતમી સયાજીગંજ પોલીસને મળતા પોલીસે સંજયને ઝડપી લીધો હતો અને ખંભાત રૂરલ પોલીસને સોંપ્યો હતો. સંજયે દક્ષાબેનની હત્યા શા માટે કરી તે અંગે ખંભાત રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરની સયાજીગંજ પોલીસે ચોરીના ગુનામાં સંડોવયેલી મહિલા આરોપી ગીતા સંજુભાઈ લબાના(બેરાવત) (રહે.નિશાળ ફળીયું, કતવારા, તા.દાહોદ)ને ગણતરીના કલાકોમાં પકડી પાડી છે અને તેની પાસેથી 1.20 લાખની કિંમતનો સોનાનો હાર જપ્ત કર્યો છે.
ચોરીના ગુનામાં મહિલા પકડાઈ
અમદાવાદ જિલ્લાના વિરમગામના ભરવાડ દરવાજા પાછળ આવેલા પ્લોટ નં-3માં રહેતા યાસીન જતીનભાઈ પઠાણ (ઉ.38) 26 જાન્યુઆરી-2023ના રોજ પત્ની સલમા સાથે વડોદરા રેલવે સ્ટેશન ઉતર્યા હતા અને તેઓ લગ્નમાં થુવાવી ગામ જવા માટે નીકળ્યા હતા. તેઓ વડોદરા ST ડેપો ગયા હતા. જ્યાં અમે બસમાં બેસવા જતા હતા, તે સમયે મારી પત્નીની બેગમાં મૂકેલો સોનાનો હાર અજાણી મહિલા લઈને ભાગી ગઈ હતી. તે CCTVમાં દેખાઈ ગઈ હતી. આ મામલે યાસીનતભાઈએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે CCTVની તપાસ કરતા મહિલાની ઓળખ થઈ ગઈ હતી અને મહિલા ગીતા સંજુભાઈ લબાના(બેરાવત)ને ઝડપી પાડી હતી.
પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી
બાપોદ પોલીસ સ્ટેશનમાં મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ખાનગી સ્કૂલમાં નોકરી કરું છું. હું સ્કૂલ ગઈ હતી. તે સમયે સવારના 11:30 વાગ્યે મારો પતિ અશોક છગનભાઈ ચૌહાણ (રહે. એ-5, વૃંદાવન પાર્ક સોસાયટી, ન્યુ વીઆઇપી રોડ, વડોદરા) સ્કૂલમાં આવ્યો હતો અને ઇન્ચાર્જ મેડમને કહ્યું હતું કે, મારે મારી પત્નીને મળવું છે. જેથી મેડમે કહ્યું હતું કે, અત્યારે તેઓ મીટિંગમાં છે. સ્કૂલ છૂટી થાય ત્યારે મળી લેજો.
પતિએ પત્નીને ઇંટ મારી
બપોરે 12 વાગ્યે સ્કૂલ છૂટી થતાં મારો દીકરો મને લેવા માટે આવ્યો હતો. આ સમયે મારા પતિ પણ ત્યાં ઉભા હતા. તેઓએ તું સ્કૂલમાં વીડિયો કોલમાં કોની સાથે વાત કરતી હતી. તેમ કહીને મને બિભત્સ ગાળો કહી હતી. જેથી હું અને મારો દિકરો બાઇક પર ત્યાંથી નીકળી ગયા હતા અને ન્યુ વીઆઇપી રોડ પાસે ઉભા હતા. જેથી તેઓ મને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા અને મારા ખભા પર ઇંટ મારી હતી. મારા દિકરાએ તેમના હાથમાંથી ઇંટ લઇ લીધી હતી. ત્યારબાદ મારા પતિ અશોકભાઈએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મેં કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસને ધમકી આપનાર સખ્શ સામે પાસાની કાર્યવાહી
15 ફેબ્રુઆરીના રોજ સવારે 9:15 વાગ્યે અમિતનગર સર્કલ પાસે નો પાર્કિંગ ઝોનમાં ઇકો કાર પાર્ક કરેલી હોવાથી ટ્રાફિક પોલીસના ASI ભરતભાઇ શિવાભાઈએ કાર હટાવી લેવા જણાવ્યું હતું. જોકે શખ્સે કાર હટાવવાની ના પાડતા પોલીસે કાર ડિટેઇન કરવાની વાત કરતા અને માથાકૂટ નહીં કરવા જણાવતા શખ્સે ઉશ્કેરાઈને ગાડી ઉપર ચડાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ સરકારી કામગીરીમાં રૂકાવટ કરીને બિભત્સ ગાળો આપીને અભદ્ર વર્તન કરતા આરોપી સરદારસિંગ અમરસિંગ રાજપૂત (રહે.21, રાધા ક્રિષ્ણાનગર, સીટીએમ, અમદાવાદ)ની અટકાયત કરીને તેને પાસા હેઠળ પોરબંદર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
દારૂ સાથે એક આરોપી પકડાયો
બાપોદ પોલીસે 19,900 રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે અલ્કેશ વસંતરાવ મહાડીક (રહે. વી-ડી-02, વિરા વિલાસ સોસાયટી, ખોડિયારનગર, ન્યુ વીઆઇપી રોડ, વડોદરા)ને ઝડપી પાડ્યો છે અને મોબાઇલ, રોકડ રકમ અને ટુ-વ્હીલર જપ્ત કર્યો છે અને જેની પાસેથી દારૂ મંગાવ્યો હતો તે શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.