તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાઓમાં આક્રોશ:વડોદરામાં માનવ ગરીમા યોજનામાં બ્યુટી પાર્લર શરૂ કરવા 25 હજારની સહાય આપવાની જાહેરાત બાદ માત્ર 200 રૂપિયાની વસ્તુઓ આપતા મહિલાઓનો હોબાળો

વડોદરા3 મહિનો પહેલા
બ્યુટીપાર્લરની કીટોમાં માત્ર વેક્સના પટ્ટા, કાતર અને બાઉલની કીટો આપવામાં આવતા સરકારની યોજનાનો લાભ લેવા ગયેલી મહિલાઓએ હોબાળો મચાવ્યો
  • મહિલાઓ કહે છે કે, અમને વેક્સના પટ્ટા, કાતર અને બાઉલ ભરેલ કીટ આપીને અમારી મશ્કરી કરી છે
  • મહિલા અધિકારી કહે છે કે, બાકીના સાધનો આવશે એટલે બોલાવીને આપીશું

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા માનવ ગરીમા યોજના અંતર્ગત 25 હજાર રૂપિયાની કીટની સહાય આપીને બ્યુટીપાર્લર શરૂ કરવા માટે સાધન-સામગ્રી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વિકસતી જાતીની કચેરી દ્વારા એક વર્ષ બાદ આપવામાં આવેલી બ્યુટીપાર્લરની કીટોમાં માત્ર વેક્સના પટ્ટા, કાતર અને બાઉલની કીટો આપવામાં આવતા સરકારની યોજનાનો લાભ લેવા ગયેલી મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ જણાવ્યું કે, અમે એક વર્ષ પહેલાં ફોર્મ ભર્યું ત્યારે રૂપિયા 300 ખર્ચ કર્યો હતો. તે ખર્ચ કરતા પણ ઓછી કિંમતની કીટો આપીને સરકારે મહિલાઓનું અપમાન કર્યું છે.

100 મહિલાઓ બ્યુટી પાર્લરની કીટો લેવા માટે પહોંચી ગઇ
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ સરકારી કુમાર છાત્રાલય(વિ.જા.)માં નર્મદા ભવન ખાતે આવેલી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એક વર્ષ પૂર્વે સરકારની માનવ ગરીમા યોજના અંતર્ગત ફોર્મ ભરનાર મહિલાઓને બ્યુટી પાર્લરની કીટો લેવા માટે બોલાવવામાં આવી હતી. 100 જેટલી મહિલાઓ ફોન આવતા અનેરા ઉત્સાહ સાથે બ્યુટી પાર્લરની કીટો લેવા માટે વહેલી સવારથી પહોંચી હતી. કીટ આવતા બ્યુટી પાર્લરનો વ્યવાસાય શરૂ કરીને કમાણી કરીશ તેવા સોનેરી સપના સાથે કીટ લેવા માટે પહોંચી ગઇ હતી.

મહિલાઓ કહે છે કે, અમને વેક્સના પટ્ટા, કાતર અને બાઉલ ભરેલ કીટ આપીને અમારી મશ્કરી કરી છે
મહિલાઓ કહે છે કે, અમને વેક્સના પટ્ટા, કાતર અને બાઉલ ભરેલ કીટ આપીને અમારી મશ્કરી કરી છે

પેકિંગ કરેલી બ્યુટી પાર્લરની કીટો મહિલાઓને અપાઇ
માનવ ગરીમા યોજના અંતર્ગત બ્યુટી પાર્લરની કીટ લઇ જવા માટે ફોન જતાં શહેર તેમજ શહેર નજીક આવેલા ગામોમાંથી લાભાર્થી મહિલાઓ તરસાલી કુમાર છાત્રાલય ખાતે પહોંચી ગઇ હતી. નિર્ધારીત સમયે શરૂ થયેલા કાર્યક્રમમાં યાદી મુજબ પેકિંગ કરેલી બ્યુટી પાર્લરની કીટો મહિલાઓને આપવામાં આવી હતી. હાથમાં બ્યુટી પાર્લરની કીટ આવતા મહિલાઓ ખુશખુશાલ થઇ ગઇ હતી.

માત્ર વેક્સ કરવાના પટ્ટા, કાતર અને બાઉલ નીકળતા મહિલાઓ ચોંકી ઉઠી
દરમિયાન એક પછી એક મહિલાએ પોતાની મળેલી બ્યુટી પાર્લરની કીટ ખોલીને જોતા તેમાંથી માત્ર વેક્સ કરવાના પટ્ટા, કાતર અને બાઉલ નીકળતા મહિલાઓ ચોંકી ઉઠી હતી અને તે અંગે કીટ આપવા માટે આવેલા કીટ અંગે સવાલો કરતા કર્મચારીઓએ જણાવ્યું કે, સરકારમાંથી જે કીટ આવી છે. તે તમને આપવામાં આવી છે. મહિલાઓએ ઉપરા છાપરી સવાલોનો મારો ચલાવતા કીટ આપવા માટે આવેલા કર્મચારીઓ મહિલાઓનો જવાબ આપી શક્યા ન હતા અને સ્થળ પરથી રવાના થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

સરકારે રૂપિયા 25 હજારનો સામાન આપવા માટે જણાવ્યું હતું
માનવ ગરીમા યોજના અંતર્ગત બ્યુટી પાર્લરનો લાભ માટે પહોંચેલા સુભાનપુરા વિસ્તારના કિંજલબહેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મહિલાઓને પગભર કરવા માટે એક વર્ષ પહેલા સરકારે માનવ ગરીમા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનામાં સરકારે રૂપિયા 25 હજારનો સામાન આપવા માટે જણાવ્યું હતું. આ યોજનાનો લાભ લેવા માટે અમે ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. 300 રૂપિયા ખર્ચ કરીને સોંગદનામું કર્યું હતું. બ્યુટી પાર્લરના કોર્સનું સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું. સરકારની યોજના અંતર્ગત માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો પૂર્ણ કર્યાં હતા. તે બાદ અમે આ યોજનાનો લાભ ક્યારે મળશે તેની રાહ જોઇને બેઠા હતા.

મહિલા અધિકારી કહે છે કે, બાકીના સાધનો આવશે એટલે બોલાવીને આપીશું
મહિલા અધિકારી કહે છે કે, બાકીના સાધનો આવશે એટલે બોલાવીને આપીશું

મહિલાઓ કહે છે કે, અમારી મશ્કરી કરવામાં આવી છે.
દરમિયાન માનવ ગરીમા યોજના અંતર્ગત અમોને બ્યુટી પાર્લરની કીટ લઇ જવા માટે ફોન આવતા અમે તરસાલી કુમાર છાત્રાલયમાં આવ્યા હતા. જ્યાં અમને વેક્સના પટ્ટા, કાતર અને બાઉલ ભરેલ કીટ આપીને અમારી મશ્કરી કરવામાં આવી છે. અમે એક વર્ષ પહેલાં આ યોજનાનો લાભ લેવા માટે જે ખર્ચ કર્યો છે, તે ખર્ચ જેટલા પણ અમને સાધન આપવામાં આવ્યા નથી. બ્યુટી પાર્લરનો વ્યવસાય કરવા માટે ખુરશી, મીરર, હેર ડ્રાઇર જેવી વિવિધ પ્રકારની ચિજવસ્તુઓ જોઇએ. પરંતુ, સરકાર દ્વારા માત્ર વેક્સના પટ્ટા, કાતર અને બાઉલ આપવામાં આવ્યા છે. અમોને કીટ આપી ન હોત તો ચાલી ગયું હોત. પરંતુ, અમારી મશ્કરી કરવી ન જોઇએ.

મહિલા અધિકારી કહે છે કે, બાકીના સાધનો આવશે એટલે બોલાવીને આપીશું
કિંજલબહેન પ્રજાપતિની સાથે ગાયત્રીબહેન, યોગીનીબહેન અને દિપ્તીબહેન સહિતની લાભાર્થી મહિલાઓએ સરકાર દ્વારા માનવ ગરીમા યોજના અંતર્ગત કરવામાં આવેલી મશ્કરી સામે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. માનવ ગરીમા યોજના અંગે નર્મદા ભવન ખાતે આવેલી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અઘિકારીએ મીતાબેન જોષીએ જણાવ્યું હતું કે, ગ્રીમ્કો, ગાંધીનગરથી જે કીટો જે આવી છે તે અમે બહેનોને બોલાવીને આપી છે, બાકીના સાધનો આવશે એટલે બોલાવીને આપીશું.

અન્ય સમાચારો પણ છે...