વડોદરાના કારેલીબાગમાં પાણીની ટાંકી પાસે મુખ્ય રોડ પર રાત્રે ભરાતા શાકભાજી બજારમાં દિવ્યભાસ્કર દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં 50થી વધુ શાકભાજીવાળા માસ્ક પહેર્યા વિના જાણે કોરોનાના સુપરસ્પ્રેડર બનવા માંગતા હોય તેમ વેપાર કરી રહ્યા હતાં.
ગ્રાહકો પણ માસ્ક વિના જ જોવા મળ્યા
વડોદરામાં કોરોનાના કેસ એક જ દિવસમાં બમણા થઇને 181 થઇ ગયા છે. તેમ છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરની પોલીસ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો શહેરમાં જોવા મળી રહ્યા છે. ગત રાત્રે દિવ્યભાસ્કર દ્વારા શહેરના કારેલીબાગમાં પાણીની ટાંકી પાસે મુખ્ય રોડ પર શાકભાજી વેચતા લારી અને પાથરણાવાળાનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા શાકભાજીવાળામાંથી એકાદ-બે ને બાદ કરતા કોઇપણ શાકભાજીવાળાએ માસ્ક પહેર્યું ન હતું. શાકભાજી લેવા આવેલા અનેક લોકો પણ માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા હતાં.
સુપરસ્પ્રેડર બની શકે છે માસ્ક વિનાના શાકભાજી વેચનારા
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જે જેમ શાકભાજી વેચનારા કોરોનાના સુપરસ્પ્રેડર બન્યા હતા તેમ કોરોનાની આ ત્રીજી લહેરમાં પણ માસ્ક વિના વેપાર કરી રહેલા શાકભાજીવાળા ફરી એકવાર કોરોનાના સ્પ્રેડર બની શકે છે. બીજી તરફ લોકો માટે માસ્ક વિના વેપાર કરતા વેપારીઓ પાસે જઇને ખરીદી કરી રહ્યા છે જે તેમના માટે આફત નોંતરી શકે છે.
કોર્પોરેશન અને પોલીસ શું રાત્રે ઊંઘી જાય છે?
દિવસ દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા શહેર પોલીસ માસ્ક વિના ફરતા લોકો, વેપારીઓ અને વાહનચાલકોને પકડી દંડ ફટકારતા હોવાનો દાવો કરે છે. તો શું રાત પડતા જ કારેલીબાગમાં મેઇન રોડ પર ચાર રસ્તા અને CCTVથી સજ્જ ટ્રાફિક સિગ્નલ પાસે ભરાતા શાકભાજી બજારના ફેરિયા માસ્ક વિના વેપાર કરતા નહીં દેખાતા હોય? શું વડોદરાનું કોર્પોરેશન, વડોદરાની પોલીસ રાત્રે અંધારુ થતાં જ ઊંઘી જાય છે? જેવા સવાલો ઉભા થયા છે.
વડોદરામાં રખડતા ઢોરની જેમ હવે કોરોના પણ બેકાબૂ
વડોદરા શહેરમાં રખડતા ઢોરને કાબૂમાં લેવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મેયર કેપૂર રોકડિયાને જાહેર મંચ પરથી ટકોર કરી હોવા છતાં સપ્તાહમાં એકાદ-બે ઘટના તો ઢોરે લોકોને અડફેટે લીધાની ઘટનાઓ તો બને છે. હવે રખડતા ઢોર તો કાબૂમાં નથી રહેતા પણ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના ફરતા લોકો પર લાલ આંખ કરવામાં બનેલા વામણા કોર્પોરેશન અને પોલીસને કારણે કોરોના પણ બેકાબૂ બનવા લાગ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.