દબાણો યથાવત:વડોદરામાં ખંડેરાવ માર્કેટની આસપાસ દૂર કર્યાં બાદ કલાકોમાં જ ફરીથી દબાણો થઇ ગયા

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દબાણો દૂર કરવાની પાલિકાની કામગીરી શંકાના દાયરામાં

વડોદરા કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર લારી-ગલ્લા અને પથારણા દબાણો દુર કર્યાં બાદ ગણતરીના કલાકોમાં જ પુનઃ ધમધમતા થતાં પાલિકા સામે સવાલો ઉભા થયા છે. તાજેતરમાં જ ખંડેરાવ માર્કેટની આસપાસ સપાટો બોલાવી દબાણો દુર કર્યા બાદ આજે પરિસ્થિતિ પુનઃ યથાવત જોવા મળી છે.

તાજેતરમાં ઇલેક્શન વોર્ડ નંબર 13માં સ્થાનિક કોર્પોરેટરોએ કોર્પોરેશનની ટીમને સાથે રાખી કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ફરતે ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ હાથ ધરી હતી. પરંતુ રાજકીય ઘર્ષણ સર્જાતા કામગીરી સામે સવાલો ઊભા થયા હતા. છેલ્લા ઘણા સમયથી ખંડેરાવ કચેરી ફરતે રહેતા રહીશો તથા આ વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો ફૂટપાથ ઉપરના દબાણો તેમજ ગેરકાયદેસર લારી પથારા ધારકોના કારણે ઉદભવતી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેના કારણે ઘણીવાર નાની રકઝક મોટા ઝઘડાનું કેન્દ્ર બને છે.

પાલિકાની કચેરી ફરતે જ ફૂટપાથ ગાયબ થઈ ચૂક્યો છે. અને ગેરકાયદેસર પથરાનો જમાવડો જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી કીર્તિસ્તંભ ખાતે પણ લારીઓએ જમાવડો કરી દીધો છે. તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા ઉપરોક્ત સ્થળોએ લારી-ગલ્લા અને પથારા સહિતના દબાણો દુર કર્યા હતા. પરંતુ હાલમાં પરિસ્થિતિ યથાવત જોવા મળતા પાલિકા સામે સવાલો ઉભા થયા છે. ભરચક વિસ્તારમાં દબાણો દૂર કરવામાં કુમળું વલણ રાખતું તંત્ર વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકમાંગ છે.

અન્ય સમાચારો પણ છે...