વડોદરામાં બેંક ખાતાધારકના મોબાઈલ નંબરનો ઉપયોગ કરી એચડીએફસી તથા બેંક ઓફ બરોડાના ત્રણ ખાતામાંથી ઓનલાઈન 29.27 લાખની ઉચાપતની ઘટના સામે આવી છે. ફરિયાદીએ આ મામલે બેંક તથા BSNLના કર્મચારીઓની સંડોવણીની શંકા ઉપજાવી છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા વકીલને 19મી એપ્રિલના રોજ તેમના મોબાઈલ ફોન ઉપર નેટ બેન્કિંગ ચાલુ થયાનો ઓટીપી મેસેજ આવ્યો હતો. પોતાના ખાતા સાથે કોઈ ચેડાં કરી રહ્યું હોવાની શંકા જતા તેમણે તાત્કાલિક બેંકનો સંપર્ક સાધ્યો હતો અને મેસેજ બાબતે બેંકે અરજી ન સ્વીકારતાં ટપાલ મારફતે તાત્કાલિક પગલાં ભરવા સાથે અન્યથા બેંકની જવાબદારી રહેશે તેમ જણાવ્યું હતું. પરંતુ બેંક તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
24 એપ્રિલના રોજ સીમ કાર્ડ બંધ જણાતા તેમને દીકરી, પત્ની અને પોતાનું અકોટા બેંક ઓફ બરોડાની બ્રાન્ચ ખાતેનું ખાતુ ઓનલાઈન ચેક કર્યું હતું. જેમાં ત્રણેય ખાતામાંથી ટુકડે ટુકડે 26.28 લાખની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું .જેથી તેઓ તુરંત બેંક ઓફ બરોડાની શાખા દોડી ગયા હતા અને બેંક ઓફિસર રાકેશ સિંહાને મળી જણાવ્યું હતું કે, તમે અમારું બેન્ક એકાઉન્ટ અમારા લેટરના આધારે બંધ કર્યું હોત તો આ ચીટીંગ ન થતી. જે બાબતે તેમણે ભૂલ કબૂલ હતી. ત્યારબાદ 3 મેના રોજ અમારા એચડીએફસી બેન્ક ખાતામાંથી 2 લાખની રકમ અકોટા બેંક ઓફ બરોડા શાખામાં અમારા પોતાના ખાતામાંથી શંકાસ્પદ ટ્રાન્સફર થઇ હતી.
આ ફ્રોડ ટ્રાન્ઝેક્શન બેંક ઓફ બરોડાના ખાતામાંથી થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પાસબુકમાં એન્ટ્રી પાડવાનું જણાવતા અકોટા બેંક ઓફ બરોડા બ્રાન્ચ મેનેજર રાકેશ સિંહા તથા મદનલાલ પાસવાને અસભ્યતાથી વાત કરી હતી અને પાસબુકમાં એન્ટ્રી પાડવાનો ઇનકાર કર્યો હતો. આમ, બેંક ખાતાનો રજીસ્ટર મોબાઇલ નંબર અન્ય જગ્યાએ ચાલુ કરી અમારી જાણ બહાર પત્ની પુત્રી સહિત ત્રણ ખાતાઓમાંથી 29.27 લાખ ઉપરાંતની રકમ અજાણ્યા શખ્સે બેંક ઓફ બરોડાના અથવા અન્ય કોઈ સ્ટાફની મદદથી તેમજ BSNLમોબાઇલ કંપનીના કોઈ કર્મચારી સાથે મળી કાવતરું રચી ઓનલાઇન લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની શંકા ફરિયાદીએ વ્યક્ત કરી છે. ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે અજાણ્યા શખ્સ તથા મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.