ગ્રાઉન્ડ રિપોર્ટ:વડોદરાનું નવાબજાર ગત નવરાત્રિમાં કોરોના મહામારીને કારણે સૂમસામ ભાસતું હતું, આ વર્ષે ગરબાની મંજૂરી મળતાં ખરીદી માટે કીડિયારું ઊભરાયું

વડોદરા13 દિવસ પહેલા
  • નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવતાં વેપારીઓએ સરકારનો આભાર માન્યો
  • વડોદરા શહેરનાં તમામ બજારોમાં રોજ નવરાત્રિની ખરીદી માટે ભીડ ઊમટી રહી છે

કોરોનાની સંભવતઃ ત્રીજી લહેરની દહેશત વચ્ચે જગત જનની મા શક્તિની આરાધના કરવાના મહાપર્વ નવરાત્રિનો આવતીકાલે 7 ઓક્ટોબરથી પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે નવલા નોરતાંને ઉત્સાહભેર મનાવવા માટે શહેરીજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના ચણિયા-ચોળીબજાર સહિતનાં બજારોમાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઊમટી રહી છે. વડોદરા શહેરનું નવાબજાર ગત નવરાત્રિમાં કોરોના મહામારીને કારણે સૂમસામ ભાસતું હતું, જોકે આ વખતે નવરાત્રિમાં ગરબાની મંજૂરી મળતાં નવાબજારમાં ખરીદી માટે કીડિયારું ઊભરાઈ રહ્યું છે.

શહેરનાં બજારોમાં ખરીદી માટે ભીડ જામી
આવતીકાલથી નવરાત્રિ મહોત્સવ શરૂ થતો હોવાથી મુખ્ય બજાર મનાતા એવા નવાબજારમાં ચણિયા-ચોળી, ઓક્સોડાઇઝનાં ઘરેણાં અને કુર્તા સહિત વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે સવારથી લોકોની ભારે ભીડ રહી હતી. એ સાથે મંગળબજાર, મુનશીનો ખાંચો, એમ.જી. રોડ, અમદાવાદી પોળ અને પાણીગેટ સહિતનાં બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી. એ સાથે માતાજીની આરાધના કરવાના મહાપર્વમાં માતાજી માટે ચૂંદડી સહિત વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે એમ.જી. રોડ પર ભારે ભીડ જોવા મળી રહી છે.

વડોદરાના ચણિયા-ચોળીબજાર સહિતનાં બજારોમાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઊમટી રહી છે.
વડોદરાના ચણિયા-ચોળીબજાર સહિતનાં બજારોમાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઊમટી રહી છે.

સરકારે ગરબાની પરમિશન આપતાં ધંધો સારો થઈ રહ્યો છે
નવાબજારના વેપારી કમલેશ શાહે જણાવ્યું હતું, આ વખતે નવરાત્રિ થવાની હોવાથી લોકો ખરીદી માટે નીકળી રહ્યા છે. ગયા વર્ષે નવરાત્રિ થઇ નહોતી, જેથી અમે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા, પરંતુ આ વખતે સરકારે ગરબાની પરમિશન આપતાં ધંધો સારો થઇ રહ્યો છે.

નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવતાં વેપારીઓએ સરકારનો આભાર માન્યો.
નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવતાં વેપારીઓએ સરકારનો આભાર માન્યો.

નાનાં બાળકો માટે ખરીદી થઈ રહી છે
નવાબજારનાં મહિલા વેપારી સીતાબેને જણાવ્યું હતું કે આ વર્ષે માત્ર શેરી ગરબાઓને મંજૂરી આપવામાં આવી હોવાથી ચણિયા-ચોળી, ઓક્સોડાઇઝના દાગીના, કુર્તા સહિતની ચીજવસ્તુઓનાં બજારોમાં ઘરાકી ઓછી છે. જો મેદાનોમાં પણ ગરબાની મંજૂરી આપવામાં આવી હોત તો ત્યાં ગરબા રમવા જવાના શોખીનોની ભીડ જોવા મળી હોત, પરંતુ મેદાનોમાં ગરબાની મંજૂરી આપવામાં આવી ન હોવાથી ખાસ કરીને યુવા-ધન દ્વારા ખરીદી ઓછી કરવામાં આવી રહી છે. નાનાં બાળકો માટે ખરીદી થઇ રહી છે. બજારમાં સિલ્કની ઘેરવાળાં ચણિયા-ચોળી આવ્યાં છે, પરંતુ, ખરીદનાર કોઈ નથી.

વડોદરા શહેરનાં તમામ બજારોમાં રોજ લોકો નવરાત્રિની ખરીદી માટે ભીડ ઊમટી રહ્યા છે.
વડોદરા શહેરનાં તમામ બજારોમાં રોજ લોકો નવરાત્રિની ખરીદી માટે ભીડ ઊમટી રહ્યા છે.

માર્ગો પર શેરી ગરબાનો રંગ જામશે
ઉલ્લેખનીય છે કે જગ વિખ્યાત વડોદરાના ગરબાની આગવી ઓળખ છે. વડોદરામાં ગરબાના ગ્રાઉન્ડમાં એકસાથે હજારો યુવાનો-યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં રાઉન્ડમાં ગરબા રમે છે. જોકે કોરોનાની મહામારીએ વડોદરાના ખેલૈયાઓને આ વખતે વડોદરાની શેરીઓમાં રમવાનો વખત આવ્યો છે. મેદાનોમાં ગરબા બંધ હોવાથી વર્ષો બાદ શેરી ગરબાનો જમાનો આવ્યો છે. ત્યારે આ વખતે વર્ષોથી જ્યાં શેરી ગરબાઓ થતા હતા એવા રાજમહેલ રોડ, સરદાર ભુવનનો ખાંચો, નવાબજાર, વાડી દાલિયા પોળ, વાડી ફડનિશ રોડ સહિતના માર્ગો પર શેરી ગરબાનો રંગ જામશે.

મંગળબજાર, મુનશીનો ખાંચો, એમ.જી. રોડ, અમદાવાદી પોળ અને પાણીગેટ સહિતનાં બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
મંગળબજાર, મુનશીનો ખાંચો, એમ.જી. રોડ, અમદાવાદી પોળ અને પાણીગેટ સહિતનાં બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

નવરાત્રિમાં ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ
ઉલ્લેખનીય છે કે ગરબાના શોખીનો માટે ગરબાનું મેદાન હોય, પોળ હોય કે સોસાયટીમાં ગરબા રમવાના હોય તેમને કોઇ ફરક પડતો નથી. ગરબાના શોખીનો પોતાની પોળ-સોસાયટીઓમાં આયોજિત ગરબા રમવા માટે સજ્જ થઇ રહ્યા છે. આ વખતે મેદાનોમાં ગરબા બંધ હોવાથી અનેકવિધ સોસાયટીઓ અને પોળોમાં ગરબાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગરબાઓની સાથે નવરાત્રિના નવ દિવસ દરમિયાન ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

નવરાત્રિ થવાની હોવાથી લોકો ખરીદી માટે નીકળી રહ્યા છે.
નવરાત્રિ થવાની હોવાથી લોકો ખરીદી માટે નીકળી રહ્યા છે.

સોસાયટીના રહીશોને ઘરઆંગણે ગરબા રમવા મળે છે
વાઘોડિયા રોડ શ્યામલ રેસિડેન્સીમાં આયોજિત ગરબાના આયોજક ટીમના સભ્ય સંજયભાઇ શાહે જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં સતત પાંચમા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના નવ દિવસ ગરબા સાથે ચા-નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેદાનોમાં ગરબાને મંજૂરી આપવામાં આવી ન હોવાથી સોસાયટીના ગરબાઓની રંગત જામશે. મહત્ત્વની વાત એ છે કે સોસાયટીમાં આયોજિત ગરબાઓથી સોસાયટીના રહીશોને ઘરઆંગણે ગરબા રમવા મળે છે. બાળકો પણ સુરક્ષિત રહે છે અને સોસાયટીમાં જ ગરબા થતા હોવાથી લોકોના ખર્ચમાં પણ ઘટાડો થાય છે.

આ વર્ષે ગરબાની મંજૂરી મળતાં નવાબજારમાં ખરીદી માટે કીડિયારું ઊભરાયું છે.
આ વર્ષે ગરબાની મંજૂરી મળતાં નવાબજારમાં ખરીદી માટે કીડિયારું ઊભરાયું છે.
અન્ય સમાચારો પણ છે...