નવા વર્ષે રાહત:પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી જતાં શહેરીજનોના રોજ રૂા.1.28 કરોડ બચશે

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સાઇઝ-વેટ ઘટતાં ગુરુવારે લિટર ડીઝલના રૂા.88.77 અને પેટ્રોલના રૂા.94.70 થયા
  • પેટ્રોલમાં અંદાજે રૂા.12 અને ડીઝલમાં રૂા.17 ઘટ્યા, 27 દિવસ બાદ ભાવ 2 આંકડામાં

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા બાદ કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ અને રાજ્ય સરકાર દ્વારા વેટમાં ઘટાડો કરવાને પગલે ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં લોકોને રાહત થઇ છે. ભાવ ઘટાડાને પગલે વડોદરાના નાગરિકોના રોજના 1.28 કરોડ રૂપિયાની બચત થશે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે નાગરિકોની દિવાળી સુધરી ગઇ છે, 9 ઓકટોબરે પેટ્રોલનો ભાવ 100ને પાર થયો હતો. 27 દિવસ બાદ ભાવ 2 આંકડામાં થયો છે.

શહેરના પેટ્રોલ પંપો એસોસિયેશનના પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં બુધવારે પેટ્રોલનો ભાવ 106.27 રૂપિયા હતો, જ્યારે ડીઝલનો ભાવ 105.70 રૂપિયા હતો. જે ગુરુવારે દિવાળીના દિવસે ઘટીને ડીઝલ લિટરે રૂા.88.77 અને પેટ્રોલ લિટરે રૂા.94.70 થયું હતું. પેટ્રોલમાં અંદાજે 12 રૂપિયા અને ડીઝલમાં 17 રૂપિયા જેટલો ઘટાડો થયો છે, જેને પગલે વડોદરાવાસીઓની દિવાળી સુધરી છે. જોકે પેટ્રોલપંપ સંચાલકોને નુકસાન સહન કરવું પડશે. એક અંદાજ મુજબ શહેરના 80 જેટલા પેટ્રોલપંપ પર રોજનું 8 થી 10 લાખ લિટર જેટલું પેટ્રોલ અને ડીઝલ વેચાય છે.

દરેક પંપ સંચાલકોને 5 લાખના નુકસાનની ભીતિ
કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝમાં કરેલા ઘટાડાને પગલે પ્રત્યેક પેટ્રોલપંપ સંચાલકને રૂપિયા 5 લાખનું નુકસાન જવાનો ભીતિ સેવાઈ રહી છે. કારણ કે એક્સાઈઝ મજરે મળતી નથી. એસોસિયેશન દ્વારા જણાવ્યા મુજબ અગાઉ જ્યારે એક્સાઈઝ વધી હતી ત્યારે ફાયદો પણ થયો છે.

ડીલરો દ્વારા કમિશન વધારવા માટે રજૂઆત
પેટ્રોલપંપ સંચાલકો દ્વારા જણાવ્યા મુજબ ગત 2017 પછી ડીલરોનું કમિશન વધારવામાં આવ્યું નથી. હાલ પેટ્રોલમાં 3.12 રૂપિયા અને ડીઝલમાં 2.30 રૂપિયા કમિશન આપવામાં આવે છે, જે વધારવા માટે કેન્દ્ર સરકાર અને ઓઈલ કંપનીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.

મોંઘવારીમાં પણ ઘટાડો થવાનો આશાવાદ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાને કારણે મોંઘવારીમાં પણ ઘટાડો થશે. લોકોને સસ્તું ટ્રાન્સપોર્ટેશન મળશે, જેના કારણે તેના ઉપર વધેલા ભાવ પણ ઘટશે અને નવા વર્ષે ભાવમાં ઘટાડા સાથે મોંઘવારીમાં પણ ઘટાડો જોવા મળશે. > મેહુલ પટેલ, પ્રમુખ, પેટ્રોલ પંપ એસોસિયેશન

અન્ય સમાચારો પણ છે...