ધાર્મિક:ઊંચાઈનું વિઘ્ન દૂર પણ માત્ર 51 દિવસ જ બાકી રહેતાં 18 હજાર મંડળ શ્રીજીની 5-6 ફૂટની મૂર્તિ જ બેસાડશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂર્તિકારો પાસે સમય, માણસ અને સામગ્રીનો અભાવ, 100 જેટલાં મંડળોએ મોટી પ્રતિમા માટે મૂર્તિકારોનો સંપર્ક કર્યો

રાજ્ય સરકારે ગણેશ પ્રતિમાની 4 ફૂટની હાઈટનો નિયમ દૂર કરતાં શહેરના 20 હજાર જેટલાં ગણેશ મંડળોમાં ઉત્સાહ છવાયો છે. જોકે ગણેશ ચતુર્થીને માંડ 51 િદવસ જ બાકી છે અને 15 થી 20 ફૂટની મૂર્તિ બનાવવાનો સમય બચ્યો નથી ત્યારે 90 ટકા ગણેશ મંડળો 5 થી 6 ફૂટની મૂર્તિનું સ્થાપન કરશે. 100 જેટલાં મંડળોએ મૂર્તિકારોને મોટી મૂર્તિ બનાવવા સંપર્ક સાધ્યો છે. 15 થી 17 મૂર્તિકારો 15 થી 22 ફૂટ જેટલી મૂર્તિ બનાવે છે. છેલ્લા સમયે સરકારે નિયમ દૂર કરતાં તેમની પાસે મોટી મૂર્તિ બનાવવા માણસો અને સામાન નથી. મોટી મૂર્તિને બનાવવા 4 મહિના પહેલાં તૈયારી કરવી પડતી હોય છે.

છેલ્લી ઘડીએ મોટી મૂર્તિ બનાવવાનો સમય નથી
સરકારે મોટી મૂર્તિ બેસાડવાની છૂટ આપી પણ મોટી મૂર્તિ માટે 4 થી 5 મહિના પહેલાથી કામ શરૂ થઈ જાય છે. મારી પાસે 30 બુકિંગ છે જે મૂર્તિ 5 થી 6 ફુટની જ છે.મોટી મૂર્તિ માટે ઓર્ડર નથી આવ્યો. - અનિકેત મિસ્ત્રી,મૂર્તિકાર

આટલા ઓછા સમયમાં મોટી પ્રતિમાઓનું નિર્માણ અશક્ય
31 ઓગસ્ટથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે.મોટી મૂર્તિ બનાવવા જરૂરી સામાન અને માણસો તેમજ સમયની અછત છે. સવારથી 5 થી 6 ઈન્કવાયરી આવી છે.પરંતુ બેથી ત્રણ મૂર્તિઓ બની શકે તેવો પ્રયાસ કરીશ. - અશોક અજમેરી,મુર્તિકાર

​​​​​​​10 ફૂટની પ્રતિમા અને સ્ટ્રક્ચર સાથે 20 ફૂટની ઊંચાઈ રાખીશું
​​​​​​​અમારી શ્રીજીની મૂર્તિ 10 ફૂટની છે અને બાકીના સ્ટ્રક્ચર સાથે 20 ફૂટ થશે. મૂર્તિનું વિસર્જન થાય તે માટે વ્યવસ્થા કરી હતી.સરકાર મોટી મૂર્તિનું સ્થાપવા દેશે તેવી માહિતી મળી હતી.મોટાં મંડળોએ તૈયારી રાખી હતી. - જય ઠાકોર,પ્રતાપ મડઘાની પોળ

24 ફૂટની ફાઇબરની પ્રતિમા બનાવીશું,વિસર્જન નહીં કરીએ
​​​​​​​સરકારના આદેશ બાદ મૂર્તિકારે 24 ફૂટની ફાઇબરની પ્રતિમા બનાવવા પ્રયત્ન ચાલુ કર્યો છે. મોટી મૂર્તિનું વિસર્જન નહીં કરીએ.તે મૂર્તિની નગરચર્યા કરાવી ભક્તોને દર્શન કરાવી સ્થાપનની મૂર્તિનું વિસર્જન કરાશે. - સેતુ પટેલ, માંજલપુરના રાજા ગણેશ મંડળ

હિંદુ સંસ્કૃતિ અંગેની થીમ સાથે 5 ફૂટની પ્રતિમા જ બેસાડીશું
​​​​​​​ચાલુ વર્ષે પણ મંડળ પાંચ ફૂટની મૂર્તિ બેસાડીશું. જોકે અમે પંડાલમાં હિંદુ શાસ્ત્ર અને આપણી સંસ્કૃતિ અંગેની એક થીમ પર ડેકોરેશન કરીશું. થીમ પર ડેકોરેશન અંગેનું કામ પણ શરૂ થઈ ગયું છે. - ધવલ પટેલ,પરાગરાજ સોસાયટી ગણેશ મંડળ

શ્રીજીની પ્રતિમા 10થી12 ફૂટની રહેશે, બાકીનંુ ડેકોરેશન કરીશું
​​​​​​​અમારું મંડળ પ્રતિમા 10 થી 12 ફૂટ સુધીની રાખશે.જ્યારે બાકીનું ડેકોરેશન થશે. 20 થી 22 ફૂટની ડેકોરેશન સાથે મૂર્તિ રહેશે. સુરસાગરમાં વિસર્જન થતું હતું ત્યારે મોટી મૂર્તિ સ્થાપતા,કૃત્રિમ તળાવમાં તે શક્ય નથી. - મનીષ જગતાપ,કાલુપુરા ગણેશ યુ. મંડળ

મુંબઈમાં તૈયાર થઈને આવનારી શ્રીજીની 11 ફૂટની મૂર્તિ સ્થપાશે
​​​​​​​અમારું મંડળ ચાલુ વર્ષે પીઓપીની 11 ફૂટની મૂર્તિની સ્થાપના કરશે. અમારી મૂર્તિ મુંબઈથી બનીને આવતી હોય છે.સરકારે જાહેરાત કરી છે,પરંતુ અમારી ગણેશજીની પ્રતિમા અંગે પ્લાનિંગ થઈ ગયું હતું.
- મેહુલ ગાંધી, શ્રી કાંતારેશ્વર મહાદેવ યુવક મંડળ

અન્ય સમાચારો પણ છે...