આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના સિનિયર ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની આજે જાહેરાત કરી હતી. વડોદરાની સયાજીગંજ વિધાનસભાની બેઠક ચાર ટર્મથી ચૂંટાતા આવતા સુખડિયાની સ્વૈચ્છિક જાહેરાતના પગલે રાજકીય મોરચે ચર્ચાનો વિષય બની ગયો હતો. આવનારા દિવસોમાં વડોદરા જિલ્લાના વધુ બે સિનિયર ધારાસભ્યો આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરે તેવી વગદાર વર્તુળોમાંથી માહિતી મળી છે. સંગઠનને ઉભુ કરવામાં મહત્વનું યોગદાન આપનાર જીતેન્દ્ર સુખડિયાની સ્વૈચ્છિક જાહેરાતને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે પણ આવકારી હતી.
ટિકિટ કપાશે તેવા અનુમાન સાથે ચૂંટણી નહીં લડવાની જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર-પ્રસાર શરૂ કરવાની તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષોએ કવાયત શરૂ કરી દીધી છે. નવેમ્બર મહિનામાં વર્તમાન વિધાનસભાની મુદત પૂરી થઇ રહી છે. તેની ચૂંટણીઓના પ્રચારનું રણશીંગુ ફૂંકવા માટે ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવી રહ્યા હોવાનું કહેવાય છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ ટૂંક સમયમાં ગુજરાતના પ્રવાસે આવે તેવો તખ્તો ઘડાઇ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી લડવાનું મન મનાવી લીધું છે. ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યોને ટિકિટ મળશે કે કપાશે?ની ગણતરીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે કેટલાક સિનિયર ધારાસભ્યોએ પોતાની ટિકિટ કપાશે તેવા અનુમાન સાથે પાણી આવતા પહેલાં પાળ બાંધી લઈ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી હોવાનું રાજકીય મોરચે ચર્ચાઇ રહ્યું છે.
ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દઇને તમામને ચોંકાવ્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત મોવડીઓએ રાજકીય કાર્યક્રમોનો વેગ વધારી દીધો છે. આ દરમિયાન વડોદરામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના સિનિયર ધારાસભ્ય એવા જીતેન્દ્ર સુખડિયાએ આગામી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દઇને તમામને ચોંકાવી દીધા છે. જો કે, ગત વિધાનસભાની ચૂંટણી વેળાએ જ તેઓએ તેમના સર્કલમાં છેલ્લી ચૂંટણી હોવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ આજની અચાનક જાહેરાતને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે આવકારીને જણાવ્યું હતું કે, જીતુભાઇએ આ બહુ મોટો નિર્ણય કર્યો છે.
જાહેરાત સમયે શહેર ભાજપા અગ્રણીઓ પણ હાજર હતા
સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાએ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત ગોત્રી હોસ્પિટલમાં પોતાની ગ્રાન્ટમાંથી આપેલા આરોગ્ય સાધનોના કાર્યક્રમ દરમિયાન કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપા અગ્રણીઓ પણ હાજર હતા. આગામી દિવસોમાં વડોદરા જિલ્લાના કયા બે સિનિયર ધારાસભ્યો વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરે છે તેના ઉપર સૌની મિટ મંડાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.