MSUમાં બની હાઇપવાર કમિટી:કેમ્પસમાં બિભત્સ ચિત્ર, નમાઝ, છેડતી અને હુમલાની ઘટનાઓની તપાસ કરશે, દોષિતો સામે રસ્ટિકેટ કરવા સુધીના પગલાં ભરાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીની છેડતીના આરોપી. - Divya Bhaskar
વિદ્યાર્થીની છેડતીના આરોપી.

એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં બનેલ ઘટનાઓ જેમ કે એટેન્ડન્સશીટમાં બિભત્સ ચિત્ર, કેમ્પસમાં નમાઝ પઢવી, વિદ્યાર્થીની છેડતી અને એક વિદ્યાર્થી પર હુમલા અંગે તપાસ માટે એક હાઇપાવર કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના રિપોર્ટ બાદ યુનિવર્સિટી ફરિયાદી બની પોલીસમાં કેસ દાખલ કરશે. તેમજ રિપોર્ટ ન આવી જાય ત્યાં સુધી આ મામલાઓમાં આરોપીઓ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશી નહીં શકે.

એક જ સપ્તાહમાં ચાર વિવાદ
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી શિક્ષણનું ધામ છે. પરંતુ વિવિધ ફેકલ્ટીમાં તાજેતરમાં એવી ઘટનાઓ બની છે કે તેના કારણે વિવાદનું ધામ બની ગઇ છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીએ હાજરી પત્રકમાં બિભત્સ ચિત્ર દોરી મહિલા પ્રોફેસરને આપ્યું હતું. તો સંસ્કૃત મહાવિદ્યાયલ સામે નમાઝ પઢવા મામલે વિવાદ થયો અને ત્યાર બાદ એક જ દિવસે એક વિદ્યાર્થીનીની છેડતી અને એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો. આમ ઉપરાઉપરી અનેક વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે આજે એમ.એસ.યુનિવર્સિટીની સિન્ડિકેટની રૂટિન બેઠક મળી હતી. જેમાં આ ચારેય વિવાદ ઘટનાઓ પર તપાસ કરવા માટે આઠ સભ્યોની હાઇપાવર કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં આ તમામ ઘટનાઓ અંગે તપાસ કરવામાં આવશે.

આરોપી વિદ્યાર્થીઓને કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ
આ અંગે દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતમાં સિન્ડિકેટ મેમ્બર હસમુખ વાઘેલાએ જણાવ્યું હતું કે, હાજરીપત્રકમાં બિભત્સ ચિત્ર, કેમ્પસમાં નમાઝ, વિદ્યાર્થીની છેડતી અને એક વિદ્યાર્થીને મારમારવા મામલે તપાસ કરવા માટે આઠ સભ્યોની એક હાઇપાવર કમિટી બનાવવામાં આવી છે. કમિટી આગામી એક સપ્તાહમાં આ ઘટનાઓ અંગે તપાસ શરૂ કરી દેશે અને ત્યાં સુધી રિપોર્ટ ન સોંપાય ત્યા સુધી આ ઘટનાઓમાં આરોપી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ નહીં કરી શકે. એટલું જ નહીં રિપોર્ટ બાદ યુનિવર્સિટીના સત્તાધિશો ફરિયાદી બની કમિટીના રિપોર્ટમાં દોષિત ઠરેલા વિદ્યાર્થીઓ અને અસામાજીક તત્વો સામે પોલીસ કેસ પણ દાખલ કરાવશે. સાથે આવા વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરવા સુધીના પગલાં લેવાઇ શકે છે.

હાઇપાવર કમિટીના સાત સભ્ય

  • હસમુખ વાઘેલા
  • મયંક વ્યાસ (મેમ્બર સેક્રેટરી)
  • દિલીપ કાતરીયા
  • ચિરાગ શાહ
  • દિનેશ યાદવ
  • મયંક પટેલ
  • હેમલબેન મહેતા

કઇ ચાર વિવાદિત ઘટનાઓ બની

  • ગત સપ્તાહે કોમર્સ ફેકલ્ટીના ફસ્ટ યરમાં મહિલા પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓને હાજરીપત્રક એટેન્સ ભરવા માટે આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઇ વિદ્યાર્થીએ તેમાં બિભત્સ ચિત્ર દોરી મહિલા પ્રોફેસરને પરત કરવામાં આવ્યું હતું. જેથી હંગામો મચી ગયો હતો. તેમજ ક્લાસમાં હાજર તમામ વિદ્યાર્થીઓના આઇકાર્ડની ઝેરોક્ષ વિજિલન્સ વિભાગ દ્વારા લેવાઇ હતી.
  • ચાર દિવસ પહેલા સંસ્કૃત મહાવિદ્યાલય સામે જ કેમ્પસમાં એક યુવક અને યુવતીનો નમાઝ પઢતો વીડિયો વાયરલ થયો. જેના બીજા દિવસે યુનિટ બિલ્ડિંગ ખાતે કોર્મસ ફેકલ્ટીના બે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસતા પહેલા નમાઝ પઢી અને હંગામો મચી ગયો. જ્યાર બાદ યુનિવર્સિટી દ્વારા આ વિદ્યાર્થીઓનું કાઉન્સીલીંગ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું.
  • બુધવારે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી પાસેથી એક વિદ્યાર્થિની પસાર થઇ રહી હતી, ત્યારે યુનિટ બિલ્ડિંગ ખાતે જ રીયાન કૈયુમખાન પઠાણ (રહે. વેરાઇ માતાના મંદિરવાળું ફળીયું, ગામ રણીયા, તા. સાવલી, જી. વડોદરા), અબુતાલીબ અબ્દુલકલામ પઠાણ (રહે. રોશનનગર, નવાયાર્ડ, વડોદરા) અને શાહીદ મુસ્તકીમ શેખે (રહે. એકતાનગર, છાણી જકાતનાકા, વડોદરા) વિદ્યાર્થીની સામે અભદ્ર ઇશારા કરી છેડતી કરી તેનો પીછો કર્યો હતો. આ ત્રણેય સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે અને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.
  • બુધવારે જ કોમર્સ ફેકલ્ટીમાં ભણતો આયુશ રાજેશભાઇ શર્મા નામનો વિદ્યાર્થી સાયન્સ ફેકલ્ટી પાસે બેસી તેની ફ્રેન્ડ સાથે વાત કરતો હતો. ત્યારે બાજુમાં બેઠેલા કરણ, વાસુ અને અન્ય એક અજાણ્યા યુવકે તું અમારી વાતો કેમ સાંભળે છે? તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. જેમાં વાસુએ લોખંડનો સળિયો આયુશના માથાના પાછળના ભાગે માર્યો હતો. તેમજ ત્રણેયે માર મારવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત થયેલ આયુશને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે કરણ, વાસુ અને અજાણ્યા યુવક સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.