વન્યજીવને લગતી બચાવ કામગીરી કરતા ગુજરાતભરના રેસ્ક્યૂઅર્સ માટે ફરજિયાતપણે વનવિભાગે રૂ.10 લાખનો વીમો ઉતારવાનો આદેશ આપ્યો છે. વનવિભાગના આ આદેશના પગલે રેસ્ક્યૂર્સમાં નારાજગી ફેલાઇ છે. પણ સાથે જ વનવિભાગે સાપ કે અન્ય વન્યજીવને રેસ્ક્યૂ કરવા માટે રૂ. 250 સુધીનો ચાર્જ કોલ કરતી વ્યક્તિ પાસેથી લેવાની પણ છૂટ આપી છે. પરંતુ 10 લાખનો વીમો ફરજિયાત કરી દેવાતા રેસ્ક્યૂર્સમાં પ્રિમિયમની રકમને લઇને કચવાટ ફેલાયો છે.જો કે વનવિભાગ કરે છે કે વીમાથી રેસ્કયૂઅર્સને જ લાભ થવાનો છે.
વનવિભાગના આ આદેશમાં ફેરફાર કરાવવા માટે અને સરિસૃપ પકડતી વેળા કઇ કઇ સાવચેતી રાખવી જોઇએ તે વિશેની ચર્ચા અને માર્ગદર્શન માટે રેસ્ક્યૂર્સ ગુજરાતભરમાં એક થઇ રહ્યાં છે. નવસારી અને જામનગરમાં બેઠક યોજ્યા બાદ સોમવારે વડોદરામાં સરિસૃપ સંરક્ષણ સોસાયટીની એક ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 70થી વધુ કાર્યકરો એકત્ર થયા હતા.
આ શિબિરમાં હાજર રહેલા બોટાદના વન્યજીવ સંરક્ષક વિક્રમ ગઢવીએ જણાવ્યું હતું કે, ‘હાલમાં અમે આ મુદ્દે અમે સરકારના નિયમના મુદ્દે કાર્યકરોને જાગૃત કરી રહ્યાં છીએ. આ ઉપરાંત વીમાના પ્રિમિયમના મુદ્દે સરકાર સમાધાનકારી વલણ અપનાવે તેવી રજૂઆત કરીશું. કારણ કે રેસ્ક્યુઅર્સ મધ્યમ વર્ગમાંથી જ આવે છે. ત્યારે રૂ.6000 જેવું પ્રિમિયમ વધુ પડતું છે. જોકે આ વીમો આપવાના મુદ્દે પણ કંપનીઓના મંતવ્યો જુદા જુદા છે.’
રેસ્કયૂ કામગીરીમાં જોખમને લઇ સરકારે ગાઇડલાઇન બહાર પાડી
આ વિશે વનવિભાગના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર કાર્તિક મહારાજાએ જણાવ્યું કે, ‘વન્ય જીવ બચાવવા એ રેસ્ક્યૂઅર્સની સ્વૈચ્છિક પસંદગી છે. તેમાં રહેલા જોખમને ધ્યાને લઇને સરકાર દ્વારા આ ગાઇડલાઇન બહાર પડી છે. જેમાં તેમના માટે જ ઉપયોગી વીમો લેવાની વાત છે. કોઇ પણ કામગીરી કરતા હોઇએ ત્યારે તેમાં કેટલું રોકાણ પણ હોય છે. જે કાર્યકરે ભોગવવું જોઇએ. કારણ કે તેમને સરકારે રેસ્ક્યૂ કામગીરી માટે ચાર્જ લેવાની પણ છૂટ આપી જ છે.’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.