દીકરીએ અભયમની મદદ લીધી:વડોદરામાં વ્યસની પતિએ માર મારતા પત્ની બેભાન થઇ ગઇ, દીકરીએ અભયમની સમયસર મદદ લઈ માતાને બચાવી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
108 અભયમ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
108 અભયમ(ફાઇલ તસવીર)
  • માતા-પિતા વચ્ચે થતા રોજના ઝઘડાઓથી દિશાના અભ્યાસ ઉપર પણ અસર પડી

એક દીકરીના ફોન કોલને ત્વરિત પ્રતિભાવ આપવાની 181 મહિલા સુરક્ષા હેલ્પ લાઇનની સમયસૂચકતા બેભાન થઈ ગયેલી એક ગૃહિણી માટે જીવન રક્ષક પુરવાર થઈ છે. દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં પત્ની બેભાન થઈ ગઈ હતી. તેમની દીકરીએ 181 અભયમની સમયસરની મદદ લઈ માતાને બચાવી લીધી હતી.

વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા મનોજભાઇ અને સવિતાબેન અને દીકરી દીશા(ત્રણેયના નામ બદલ્યા છે) ના પરિવારમાં આ ઘટના બની હતી. મનોજભાઇને વ્યસન કરીને પત્નીને મારઝૂડ કરવાની આદત હતી. પરિવારમાં રોજનો કંકાશ ઘર કરી ગયો હતો. માતા-પિતાના રોજબરોજના ઝઘડાઓથી દીકરી દિશા પણ પરેશાન થઇ ગઇ હતી. માતા-પિતા વચ્ચે થતા રોજના ઝઘડાઓથી દિશાના અભ્યાસ ઉપર પણ અસર પડી છે.

રવિવારે પરિવારની દિશા ટ્યુશનથી ઘરે પાછી ફરી હતી, ત્યારે તેના પિતા તેની માતાને મારઝૂડ કરીને ત્રાસ આપી રહ્યાં હતાં. દિશા તેમને છોડાવવા વચ્ચે પડતા વ્યસની પિતાએ તેને પણ ધક્કો મારીને પાડી દીધી હતી. તે દરમિયાન આ સવિતાબેન અચાનક બેભાન થઇ જતાં તેમના પતિ સ્થળ છોડીને ભાગી ગયાં હતાં. તે સમયે દિશાએ ગભરાયા વગર અને સમયસૂચકતા દાખવીને અભયમને મદદ માટે કોલ કરી દીધો હતો.

મદદ માટેના આ કોલને ત્વરિત પ્રતિભાવ આપતાં સંસ્થાની બાપોદ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બેભાન મહિલાને પાણી છાંટી ભાનમાં લાવવાનો પ્રાથમિક પ્રયાસ કર્યો હતો. જો કે, તે પછી પણ સવિતાબેન ભાનમાં ન આવતાં ટીમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને મદદ માટે બોલાવી હતી અને આ બેભાન સવિતાબેનને હોસ્પિટલમાં ખસેડી સારવાર ચાલુ કરાવી હતી.

સમયસર મળેલી આ મદદ અને સારવારને પગલે આ સવિતાબેનનો બચાવ થયો હતો. હાલમાં સવિતાબેનની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું. 181 અભયમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની બે સંસ્થાઓ 181 અને 108ની ત્વરિત મદદ અને દીકરીની સૂઝબૂઝ અને જાણકારી આ ઘટનામાં જીવન રક્ષક બની છે. દરેક પરિવારમાં બાળકોને આ બંને સંસ્થાઓની સંકટ સમયે મદદ લેવાની જાણકારી આપવામાં આવે તો કટોકટીમાં સારું પરિણામ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...