સાસરીયાઓએ માનવતા નેવે મૂકી:વડોદરામાં વિધવાને પતિની મરણોત્તર ક્રિયાનો ખર્ચ કરવા સાસરીયાઓએ દબાણ કર્યું, પતિનું માંદગી દરમિયાન અવસાન થયું હતુ

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના વાઘોડિયા વિસ્તારમાં રહેતા મહેનતકશ પરિવારની મહિલાના પતિનું બિમારીના કારણે અવસાન થયું હતું. પતિના અવસાન બાદ સાસરીયાઓએ વિધવા મહિલાને હૂંફ આપવાને બદલે પતિની મરણોત્તર ક્રિયા કરવા માટે દબાણ કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ઘરકામ કરીને પતિની બિમારીનો ખર્ચ અને પરિવારનું ગુજરાન ચલાવવામાં એક પણ રૂપિયાની બચત ન હતી. આ સંજોગોમાં મરણોત્તર ક્રિયા માટે ખર્ચ કરવા માટે દબાણ કરી રહેલા સાસરીયાઓને અભયમ ટીમે સમજાવી સામાજિક પ્રશ્નનું નિરાકરણ કર્યું છે.

પત્ની ઉપર આભ ફાટ્યું
મળેલી માહિતી વાઘોડિયા વિસ્તારમાં સરોજબહેને (નામ બદલ્યું છે) કમલેશભાઇ (નામ બદલ્યું છે) સાથે લગ્ન કરીને સાંસારીક જીવનની શરૂઆત કરી હતી. સાંસારીક જીવન દરમિયાન તેઓએ એક બાળક છે. કમરતોડ મોંઘવારીમાં સરોજબહેન અને તેમના પત્ની રાત-દિવસ મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન પતિ એકાએક બિમારીમાં પટકાયા હતા. અને ટૂંકી માંદગી બાદ પતિનું અવસાન થયું હતું. પતિનું અવસાન થતાં પત્ની સરોજબહેન ઉપર આભ ફાટ્યું હતું.

ઘરકામ કરી ગુજરાન ચલાવે છે
બિમાર પતિ કમલેશભાઇનું અવસાન થતાં વિધવા બનેલ સરોજબહેન કફોડી હાલતમાં મુકાયા હતાં. પતિ બીમાર અને વ્યસન કરતા હોઇ, કોઈ કામધંધો કરતા ન હતા. આથી સરોજબહેન ઘરકામ કરી ગુજરાન ચલાવતા હતાં. ઘરકામ કરીને ઘરનું ગુજરાન ચલાવવામાં અને પતિની સારવારમાં કોઇ પુંજી બચતી ન હતી. ટૂંકી આવકમાં એક મહિનો તો ઠીક દિવસ કાઢવો પણ તેમના માટે મુશ્કેલ થઇ ગયો હતો.

ક્રિયા માટે ખર્ચ કરવો મુશ્કેલ
પતિનાં મૃત્યુ બાદ સાસરીવાળાએ સરોજબહેનને ચાંદોદ વિધી કરવા દબાણ કરતા હતા અને મહેંણાં મારતા હતાં. અને પતિની વિધી કરવા માટે જાતે ખર્ચ કરવા જણાવતાં હતાં અને આ ખર્ચ ન કરવો હોય તો ઘરમાંથી નિકળી જવાનું દબાણ કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિના અવસાન બાદ મજબૂર બનેલી વિધવા સરોજબહેન માટે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઇ જેવી પરિસ્થીતી સર્જાઇ હતી. એક સંતાન હોવાથી આગળની જિંદગી જીવવી પણ મુશ્કેલ હતી. આ સંજોગોમાં પતિની મરણોત્તર માટે ખર્ચ કરવો પણ મુશ્કેલ બન્યો હતો.

અભયમ ટીમે પરિવારને ભેગું કર્યું
સાસરીયાઓ દ્વારા કમલેશભાઇની મરણોત્તર ક્રિયા કરવા માટે આપવામાં આવી રહેલો ત્રાસ સરોજબહેનથી સહન ન થતાં તેઓએ અભયમ ટીમની મદદ લીધી હતી. 181 ઉપર અભયમ ટીમને જણાવ્યું કે, મારા સાસરીયાઓ પતિની મરણોત્તર ક્રિયા કરવા માટે ખર્ચ કરવા માટે દબાણ કરી રહ્યા છે. સરોજબહેનની ફરિયાદના આધારે અભયમ ટીમ તુરતજ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને પરિવારજનોને ભેગા કરી વાતચિત કરી હતી.

વિધવાને હૂંફ આપો
અભયમ ટીમે પરિવારને જણાવ્યું હતું કે, મૃત્યુ બાદ મરણોત્તર વિધિ ઘરેપણ કરી શકાય છે. પરતું સરોજબહેનની આર્થિક સારી નથી. આ સ્થિતીમાં તમામને ચાંદોદ લઇ જઇને મરણોત્તર ક્રિયા પાછળ ખોટો ખર્ચ કરવો યોગ્ય નથી. અને જો કમલેશભાઇની મરણોત્તર ક્રિયા ચાંદોદ જઇને કરવીજ હોય તો તે પાછળ થનાર ખર્ચમાં પરિવારે પણ મદદરૂપ થવું જોઇએ. અને બે-પાંચ વ્યક્તિને ચાંદોદ લઇ જઇ કાર્ય પતાવવું હિતાવહ છે. જો તમે વિધવા સરોજબહેનને એક માત્ર વિધી કરવા માટે દબાણ કરવું તે કાયદાકીય ગુનો છે. હાલના સમયમાં વિધવા સરોજબહેનને હૂંફ આપવાની જરૂર છે.

પરિવારે તૈયારી બતાવી
અભયમ ટીમે સરોજબહેનને પતિની મરણોત્તર ક્રિયા માટે આપવામાં આવી રહેલા ત્રાસ અંગે પરિવારને સમજ આપતા પરિવારને પોતાની ભૂલ સમજાઇ હતી. અને હવે પછી સરોજબહેનને ત્રાસ ન આપવાની અભયમ ટીમને ખાતરી આપી હતી. સાથે પરિવારે પણ પરિવારના સભ્યો મળીને કમલેશભાઇની મરણોત્તર ક્રિયા કરવા માટે તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...