સોખડા મંદિરમાં જૂથવાદનો વિવાદ:‘સંતો ઉગ્ર કેમ બન્યા?’ તે અંગે વ્યવસ્થા કમિટી હુમલામાં સામેલ 4 સંતોના જવાબ લેશે, સેવકને ઢોરમાર માર્યો હતો

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સોખડા મંદિરમાં 4 સંતે સેવકને ઢોર માર માર્યાનો વીડિયો વાઇરલ થયો હતો
  • હરિભક્તો મોડી રાત સુધી મંદિરની બહાર બેસી રહ્યા, પરંતુ સંતો ન મળ્યા

હરિધામ-સોખડામાં મહિલા દર્શનાર્થીઓનો વિડિયો ઉતારવાની શંકા રાખી ચાર સંતોએ મંદિરના સેવકને મૂઢ માર મારવાની ઘટનાનો વિડિયો વાયરલ થતાં દેશ-વિદેશમાં રહેતા હરિભક્તોમાં સંતોની આ હરકતથી ભારે નારાજગી ફેલાઈ છે. ઘટનામાં વડીલ સંતોની કમિટી બનાવી સમગ્ર ઘટનાની તપાસ કરવાનો નિર્ણય લીધો છે.

સોખડા-હરિધામ મંદિરના વડીલસંત ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, ગુરુવારે મંદિર પરીસરમાં જે ઘટના બની તે યોગ્ય નથી. જેથી મંદિર વ્યવસ્થા માટેની જે કમિટી હોય છે તે આ સમગ્ર ઘટનાની તપાસ કરશે. તેમજ જે સંતો આ ઘટનામાં સામેલ છે તેમને આ કમિટી સાંભળીને ખરેખર શું બનાવ બન્યો હતો, સંતોએ કેમ આ પ્રકારે વર્તન કર્યું વગેરે બાબતો ચકાસાશે. સોખડા મંદિરમાં 600 જેટલા સંતો નિવાસ કરે છે.

મંદિરના કેટલાક હરિભક્તોએ જણાવ્યું કે, હરિપ્રસાદ સ્વામીએ સંપ્રદાય સંપ, સુહૃદભાવ અને એકતાના પાયા પર ઊભો કર્યો હતો. હરિધામના સંતોને પણ 3 સૂત્રોને વળગી રહેવા જણાવતા હતા. તેમના અવસાન બાદ સોખડાની ગાદી મેળવવા પ્રેમસ્વરૂપ અને પ્રબોધજીવન સ્વામી જૂથના સંતો અને અનુયાયી વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા. પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદી મળતાં તેમના જૂથના સંતો અને સેવકો પ્રબોધજીવન સ્વામીના જૂથના સેવકોને મંદિરમાંથી કાઢી રહ્યા છે. ઘટના બહાર આવ્યા બાદ શુક્રવારે કેટલાક હરિભક્તો સોખડા મંદિરે પહોંચ્યા હતા. જેમાંથી કેટલાક ભક્તોના જણાવ્યા અનુસાર શુક્રવારે મંદિરનો ગેટ બંધ રખાતાં હરિભક્ત દર્શન કરી શક્યા નહતા. ઘટના અંગે વાત કરવા માગતા હરિભક્તોને સંતો મળ્યા ન હતા. જેથી હરિભક્તોમાં નારાજગી વ્યાપી હતી. મોડી રાત સુધી સંતોને મળવા અને ઘટના અંગે પૂછવા હરિભક્તો મંદિર બહાર બેસી રહ્યા હતા.

ભદ્ર કચેરી ખાતે શુક્રવારે ફરિયાદ નોંધાવી છે
મારા દીકરા અનુજ ચૌહાણ પર પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના 4 સંતો દ્વારા ખોટી રીતે આક્ષેપ કરીને માર મારવામાં આવ્યો હતો. જે અંગે અમે ગુરુવારે ભદ્ર કચેરીમાં અરજી આપી હતી. જ્યારે શુક્રવારે અરજીના આધારે ફરિયાદ નોંધાવવાની કામગીરી કરી છે. -વિરેન્દ્રસિંહ ચૌહાણ, અનુજના પિતા