ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પર આજે પરિણામ જાહેર થયા. જેમાં નવ બેઠકો પર ભાજપ અને વાઘોડિયાની બેઠક પર અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઇ છે. જ્યારે કોંગ્રેસના સૂપડાસાફ થઇ ગયા છે.
ગત 5 ડિસેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ બાદ આજે વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે કરવામાં આવી હતી. જેમાં શહેરની વડોદરા સિટી, રાવપુરા, સયાજીગંજ, માંજલપુર અને અકોટા બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ છે. જ્યારે જિલ્લાની ડભોઇ, વાઘોડિયા, સાવલી, પાદરા અને કરજણ બેઠકમાં ચારમાં ભાજપ અને વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારની જીત થઇ છે.
અકોટા બેઠક પર ભાજપના ચૈતન્ય દેસાઇનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષીનો પરાજય થયો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શશાંક ખરે પણ સારુ પ્રદર્શન નથી કરી શક્યા.
સયાજીગંજ બેઠક પર વડોદરાના મેયર અને ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાની જીત થઇ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા અમી રાવતનો પરાજય થયો છે. આમ આદમી પાર્ટીના નેતા સ્વેજલ વ્યાસનો પણ પરાજય થયો છે.
માંજલપુર બેઠક પર ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી સસ્પેન્સ યથાવત રહ્યું અને આખરે યોગેશ પટેલેને રિપિટ કરવામાં આવ્યા. આ બેઠક પર ફરી એકવાર યોગેશ પટેલનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કે જેમનો પક્ષના લોકોએ જ વિરોધ કર્યો હતો તેવા તસ્વિન સિંઘનો પરાજય થયો છે.
વડોદરાના ભૂતપૂર્વ મેયર અને પૂર્વ સાંસદ એવા બાળુ શુક્લને ભાજપે રાવપુરા બેઠક પર ટિકિટ આપી હતી જેમનો ભારે બહુમતિથી વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના સંજય પટેલની હાર થઇ છે.
વડોદરાની શહેર બેઠક પર ભાજપે મનિષા વકીલને ફરી એકવાર રિપિટ કર્યા હતા અને જનતાએ પણ તેમને રિપિટ કરી જીત આપી છે. જ્યારે કોંગ્રેસના ગુણવંતરાય પરમાર અને આમ આદમી પાર્ટીના જીગર સોલંકીનો પરાજય થયો છે.
લાઇવ અપડેટ્સ
-ડભોઇ બેઠક પર ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાની જીત
-પાદરા બેઠક પર ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલા જીત્યાં
-કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત
-સાવલી સીટ પર ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારની જીત
-વાઘોડિયા સીટ પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય
-રાવપુરા બેઠક પર ભાજપના બાળુ શુક્લ જીત્યાં
-માંજલપુર બેઠક પર ભાજપના યોગેશ પટેલની જીત
-સયાજીગંજ બેઠક પર મેયર અને ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાનો વિજય
-વડોદરા શહેર બેઠક પર ભાજપના રિપિટ ઉમેદવાર મનિષા વકીલની જીત
-અકોટામાં ભાજપના ઉમેદવાર ચૈતન્ય દેસાઇનો વિજય
-સાતમાં રાઉન્ડના અંતે ડભાઇમાં ભાજપના શૈલેષ મહેતા 15,592 મતથી આગળ
-માંજલપુરમાં યોગેશ પટેલની જીત નિશ્ચિત
-સયાજીગંજ બેઠક પર ભાજપના ઉમેદવાર બાળુ શુક્લની જીત નિશ્ચિત
-સાવલીથી કેતન ઇનામદાર 9માં રાઉન્ડના અંતે 17981 મતની સરસાઇથી આગળ
-માજલપુર 4 રાઉન્ડના અંતે ભાજપને 36721, કોંગ્રેસને 3929 મત
-સયાજીગંજ 9 રાઉન્ડ અંતે ભાજપને 58421 કોગ્રેસને 22325 મત
-8 રાઉન્ડના અંતે અકોટામાં ભાજપને 53653 કોંગ્રેસને 10335 વોટ
-7 રાઉન્ડ અંતે સાવલીમાં ભાજપને 33565 અને કોગ્રસ 20848 વોટ
- ચાર રાઉન્ડના અંતે વડોદરા શહેર બેઠક પર ભાજપના મનિષા વકીલ આગળ
-પાંચ રાઉન્ડના અંતે સયાજીગંજમાં ભાજપ જંગી મતોથી આગળ
-માંજલપુરમાં બીજા રાઉન્ડમાં ભાજપના યોગેશ પટેલ આગળ
-ડભોઇમાં ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા આગળ
-સયાજીગંજ બેઠક પર બીજા રાઉન્ડમાં ભાજપને 6145, કોંગ્રેસને 3443 મત મળ્યાં
-સાવલીમાં કાંટે કી ટક્કર પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના કેતન ઇનામદાર આગળ
-વાઘોડિયામાં અપક્ષ ધર્મેન્દ્રસિંહ આગળ
-કરજણમાં ભાજપ આગળ
- રાવપુરામાં બાળુ શુક્લ, અકોટામાં ચૈતન્ય દેસાઇ, માંજલપુરમાં યોગેશ પટેલ આગળ
-બેલેટ કાઉન્ટિંગમાં અકોટામાં ભાજપ અને સાવલીમાં કોંગ્રેસ આગળ
-વડોદરા શહેર બેઠક ઉપર બેઠક વ્યવસ્થા બાબતે AAP અને ભાજપા વચ્ચે હોબાળો
2017 કરતા 2022માં 6.75 ટકા મતદાન ઘટ્યું
વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પર આ વખતે સરેરાશ 65.83 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં 72.58 ટકા મતદાન થયું હતું. જેની સરખામણીએ આ વખતે મતદાનમાં 6.75 ટકા ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.
વડોદરાની 2017 અને 2022ની મતદાનની ટકાવારી
બેઠકનું નામ | 2017નું મતદાન | 2022નું મતદાન | |
વડોદરા સિટી | 68.33 | 60.02 | |
રાવપુરા | 66.91 | 57.69 | |
સયાજીગંજ | 67.74 | 58.91 | |
માંજલપુર | 68.99 | 59.54 | |
અકોટા | 67.51 | 59.36 | |
સાવલી | 77.43 | 75.77 | |
વાઘોડિયા | 76.94 | 73.88 | |
ડભોઈ | 79.74 | 72.99 | |
પાદરા | 80.74 | 76.79 | |
કરજણ | 77.31 | 71.43 | |
કુલ | 72.58 | 65.83 |
કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં મતગણતરી થશે?
વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકોની મતગણતરી આજે પોલિટેકનિક કોલેજ ખાતે સવારે આઠ વાગ્યાથી હાથ ધરવામાં આવશે. વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકોના ઇવીએમ મશીન પોલોટેકનિક સ્થિત સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે. જ્યાં અર્ધ લશ્કરી દળોના જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવા સાથે 70 જેટલા CCTV કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. મતગણતરી વિધાનસભા દીઠ 14 લેખે કુલ 140 ટેબલ પર હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ટપાલ મતપત્રોની ગણતરી માટે વિધાનસભા દીઠ એક લેખે 10 ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીમાં કુલ 1500 જેટલા કર્મીઓ ફરજ બજાવશે.
પોલિટેકનિક કોલેજ ખાતે અભેદ્ય સુરક્ષા ચર્ક સાથે ડીસીપી જુલી કોઠિયાની રાહબરીમાં સ્થાનિક પોલીસ ઉપરાંત કેન્દ્રીય અર્ધ લશ્કરી દળોની ટૂંકડીઓ તહેનાત કરવામાં આવી છે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા CCTVની નજર માટે દિવસ અને રાતની ત્રણ પાળીમાં એકએક એમ એક દિવસ માટે ત્રણ રાજ્યપત્રિત અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં 2017ની સ્થિતિ
વડોદરા સિટી બેઠક પર 2017ની ચૂંટણીમાં મનિષા વકીલનો વિજય થયો હતો. સયાજીગંજ બેઠક જીતેન્દ્ર સુખડિયા જીત્યા હતા. જોકે, તેઓ આ વખતે ચૂંટણી લડી રહ્યા નથી. રાવપુરા બેઠક પર રાજેન્દ્ર ત્રિવેદી જીત્યા હતા. તેઓ પણ ચૂંટણી લડી રહ્યા નથી. માંજલપુર બેઠક પર યોગેશ પટેલ જીત્યા હતા અને આ વખતે પોતાના દમ પર ટિકિટ મેળવીને ચૂંટણી લડ્યા છે અને અકોટા બેઠક પર સીમાબેન મોહિલે જીત્યા હતા. પણ આ વખતે ભાજપે તેમને ટિકિટ આપી નથી.
વડોદરામાં કેવી રહેશે ટક્કર?
વડોદરા શહેરની માંજલપુર બેઠક પર સિટીંગ ધારાસભ્ય યોગેશ પટેલ છેલ્લી ઘડીએ ટિકિટ મેળવીને ટિકિટ લડી રહ્યા છે, આઠમી ટર્મમાં 'કાકા' જીતીને ફરી ધારાસભ્ય બનશે કે નહીં તેની પર સૌ-કોઈની નજર છે. આ ઉપરાંત સયાજીગંજ બેઠક પર વડોદરા શહેરના વર્તમાન મેયર અને ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયા અને કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત વચ્ચે કાંટે કી ટક્કર છે. અકોટા બેઠક પર ભાજપના ઉમેદવાર ચૈતન્ય દેસાઈ અને કોંગ્રેસના ઋત્વિજ જોષીમાંથી કોણ જીતશે તે પણ જોવુ રસપ્રદ રહેશે. રાવપુરા બેઠક પર બાળકૃષ્ણ શુક્લ અને સંજય પટેલ વચ્ચે ખાસ ટક્કર જોવા મળી રહી નથી. છેલ્લે વડોદરા શહેર બેઠક પર રાજ્યકક્ષામંત્રી અને ભાજપના ઉમેદવાર મનિષા વકીલ અને કોંગ્રેસના ઉમદવાર ગુણવંતરાય પરમાર લડી રહ્યા છે.
વડોદરા ગ્રામ્યમાં અપક્ષો પર નજર
ભાજપને સમર્પિત ગણાતી વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકો પૈકીની 3 બેઠકો પર ભાજપના જ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોએ પાર્ટી સામે બળવો કર્યો છે. વાઘોડિયા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ચૂંટણી લડ્યા છે. તો પાદરા બેઠક પર દિનેશ પટેલ(દિનુ મામા) ભાજપમાંથી રાજીનામુ આપીને ચૂંટણી લડ્યા છે. તો ડભોઈ બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર) કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા છે. આમ વડોદરા જિલ્લામાં ભાજપ સામે ભાજપના જ પૂર્વ નેતાઓ ભારે પડી રહ્યા છે. આ ત્રણેય બેઠકોના પરિણામ પર સૌ-કોઈની નજર છે.
અકોટા બેઠક
અકોટા બેઠક પર BJP અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે. BJP દ્વારા વર્તમાન ધારાસભ્ય સીમાબહેન મોહિલે કાપીને માજી કાઉન્સિલર ચૈતન્ય દેસાઇને આપવામાં આવી છે. તેઓ કાઉન્સિલર તરીકે નિષ્ફળ ગયા છે. કહેવાય છે કે આ ઉમેદવારને તેમના પિતાના વડાપ્રધાન સાથે સંબંધોને કારણે આપવામાં આવી છે. પરિણામે, પ્રબળ દાવેદારો નિષ્ક્રિય છે. જ્યારે કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસપ્રમુખ ઋત્વિજ જોષીને ટિકિટ આપવામાં આવી છે. ઋત્વિજ જોષીને કોંગ્રેસના મતો ઉપરાંત કોલેજિયન યુવાનો તેમની સાથે છે. તેમને ભાજપાના યુવા મતદારો પણ આંતરિક મદદ કરી રહ્યા છે. આ બેઠક પર મોંઘવારી અને બેરોજગારી મુદ્દો પણ અસર કરે એવી શક્યતા છે. કોંગ્રેસના ઉમેદવારને વ્યક્તિગત મતોનો પણ ફાયદો થાય એમ છે.
વડોદરા શહેર અને રાવપુરા બેઠક
વડોદરા શહેર સીટ પર BJPના ઉમેદવાર અને વર્તમાન મંત્રી મનીષાબહેન વકીલની જીત નક્કી મનાય છે. BJPએ તેમને ત્રીજી વખત રિપીટ કર્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર ગુણવંત પરમાર જાણીતો ચહેરો નથી અને મતદારો ભાજપના ઉમેદવાર કરતાં પક્ષ જોઇને મતદાન કરે છે. રાવપુરા બેઠક પર BJPએ વર્તમાન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના બદલે પૂર્વ સાંસદ અને મેયર બાલકૃષ્ણ શુક્લને ટિકિટ આપી છે. તેમની જીત પણ નિશ્ચિત છે. વડોદરામાં જાતિવાદ ફેક્ટર ચાલતું નથી. પક્ષને મત આપે છે. કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલ (એસ.પી.) છે. કોંગ્રેસને માત્ર પક્ષના જ મળે એમ છે. વ્યક્તિગત ધોરણે મત મળશે નહીં.
માંજલપુર અને સયાજીગંજ બેઠક
માંજલપુર બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલને 8 રિપીટ કરવામાં આવ્યા છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ડો. તશ્વિનસિંહ છે. કોંગ્રેસના ઉમેદવાર એન.સી.પી.માંથી કોંગ્રેસમાં આવેલા છે. તેમના ઉમેદવાર જાહેર કરતાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોમાં ભારે નારાજગી છે. BJPના ઉમેદવાર 76 વર્ષના હોવા છતાં મતદારો ઉમેદવાર તો ઠીક ભાજપને જોઈ મત આપશે. સયાજીગંજ બેઠક પર BJP અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે. BJPએ મેયર રોકડિયાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે વિપક્ષી નેતા અમીબહેન રાવતને ટિકિટ આપી છે. આ બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર અમીબહેન રાવતે એડીચોટીનું જોર લગાવ્યું છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં અમીબહેન રાવત ભાજપના વાવાઝોડા વચ્ચે પેનલને ચૂંટી લાવ્યા હતા, સામે ભાજપના ઉમેદવાર કેયૂર રોકડિયા પક્ષના ભરોસે છે. મેયર તરીકે તેઓ ધરાર નિષ્ફળ ગયા હોવાથી મતદારો નારાજ છે. ઉપરાંત આ બેઠક પર મોંઘવારી અને બેરોજગારીનું ફેક્ટર અસર કરી શકે એમ છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્વેજલ વ્યાસ છે. તેઓ BJP અને કોંગ્રેસના મતદારો પર અસર પહોંચાડી શકે છે.
સાવલી બેઠક
સાવલી બેઠક પર કાંટે કી ટક્કર બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવેલા કેતન ઇનામદાર સામે કોંગ્રેસે ક્ષત્રિય આગેવાન કુલદીપસિંહ રાઉલજીને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે સાવલી બેઠકના મતદારો પરિવર્તન લાવવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે. સાવલી બેઠક પર માત્ર ક્ષત્રિય મતદારો જ નહીં, પરંતુ, અન્ય જ્ઞાતિના મતદારો પણ પરિવર્તન લાવવાના મૂડમાં છે. સાવલી તાલુકાના મતદારો મૌન સેવીને બેઠા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને એકસરખો જ આવકાર પણ આપી રહ્યા છે. કોંગ્રેસમાંથી કોઈ રાષ્ટ્રીય નેતા પ્રચારમાં આવ્યો નથી. માત્ર કોંગ્રેસ ઉમેદવાર સ્થાનિક કાર્યકરોને સાથે રાખી પ્રચાર કરી રહ્યા છે. જ્યારે બે વખત સાવલી બેઠક પરથી ચૂંટાઈ આવેલા ભાજપના ઉમેદવારને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સભા કરવા માટે બોલાવવાની ફરજ પડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
વાઘોડિયા બેઠક
વાઘોડિયા બેઠક પર એક ભાજપના બળવાખોર ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સહિત બે અપક્ષ ઉમેદવારો અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલને જીતવું મુશ્કેલ થઈ ગયું છે. વાઘોડિયા બેઠક જાળવી રાખવા માટે જિલ્લા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જોકે જે રીતે વાઘોડિયામાં ચૂંટણીપ્રચાર જોતાં અને મતદારોનો મૂડ જોતાં આ બેઠક ભાજપ માટે જીતવી મુશ્કેલ છે. આ બેઠક નસીબનો બળિયો જ મેદાન મારી જશે એમ હાલના તબક્કે જણાઇ રહ્યું છે. વાઘોડિયા બેઠકના ઉમેદવારોમાં મોંઘવારી, બેરોજગારી તેમજ વિકાસના મુદ્દાને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડભોઈ બેઠક
ડભોઈ બેઠકના મતદારોમાં મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્ને સામે ભારે રોષ છે. આ ઉપરાંત ડભોઇ બેઠક પર કોંગ્રેસે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)ને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ સ્થાનિક હોવાના કારણે મતદારો તેમનાતરફી રહેશે એમ મનાઇ રહ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા (સોટ્ટા) પાતળી સરસાઇથી જીત્યા હતા. ડભોઇ બેઠક પણ નબળી બેઠકની યાદીમાં મુકાઈ હોવાથી બેઠકને ઉગારી લેવા માટે કટ્ટર હિંદુવાદી નેતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રચાર માટે લાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ બેઠક પર એક વખત ભાજપ અને એક વખત કોંગ્રેસના ઉમેદવાર જીતતો હોવાની પરંપરા ચાલી રહી છે. આ બેઠકના ઉમેદવારોમાં મોંઘવારી, બેરોજગારી તેમજ વિકાસના મુદ્દાને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાદરા બેઠક
પાદરાની બેઠક કોંગ્રેસ પાસે છે. આ બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોર (પઢિયાર)ની જીત નિશ્ચિત મનાય છે. ભાજપમાંથી ટિકિટ ન મળતાં ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ(દિનુ મામા) બળવો કરી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધો જંગ છે. ભાજપ દ્વારા ક્ષત્રિય ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાને મેદાનમાં ઉતાર્યા છે.
કરજણ બેઠક
કરજણ બેઠક પર કોંગ્રેસમાંથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં આવેલા અને ભાજપાની ટિકિટ પર પેટાચૂંટણી જીતેલા અક્ષય પટેલ સામે મતદારોમાં રોષ છે. ટિકિટ ન મળતાં નારાજ પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળિયા) પણ દેખાડા પૂરતો જ પ્રચાર કરી રહ્યા હોવાનું કહેવાય છે. બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર પ્રિતેશ ઉર્ફે પિન્ટુ પટેલ ફ્રેશ ઉમેદવાર હોવાથી અને યુવા મતદારોમાં પ્રભુત્વ ધરાવતા હોવાથી ભાજપને આ બેઠક પર પણ ખતરો જણાઇ રહ્યો છે. આ બેઠકના ઉમેદવારોમાં મોંઘવારી, બેરોજગારી તેમજ વિકાસના મુદ્દાને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.