ભાજપે 181 બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા હતા, પરંતું ગુજરાત વિધાનસભાની માંજલપુર બેઠક પર ભાજપમાં કોકડું ગૂંચવાયું હતું. આ બેઠક પર સીટિંગ MLA યોગેશ પટેલ ચૂંટણી લડવાની જીદ પકડીને બેઠા હતા. છેવટે ભાજપે માંજલપુર બેઠક પર યોગેશ પટેલને જ પોતાના ઉમેદવાર જાહેર કરવા પડ્યા. યોગેશ પટેલ પોતાના આકરા તેવર માટે જાણીતા છે, તેઓ સરકાર હોય કે અધિકારી, કોઈની પણ સામે બાંયો ચડાવતા અચકાતા નથી. કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલોએ 1880 કરોડ વસૂલ્યા હોવાના આક્ષેપ કરીને ચર્ચામાં આવ્યા. આ ઉપરાંત માંજલપુર વિસ્તારને સિંધરોટથી 50 એલએલડી પાણી આપવા માટે પણ સ્થાનિક તંત્ર સામે બાયો ચડાવી હતી. આ ઉપરાંત 4 વર્ષ પહેલાં પ્રજાનાં કામો માટે મંત્રીઓ ન મળતાં સરકાર સામે બાયો ચડાવી દીધી હતી.
યોગેશ પટેલ 1990થી ધારાસભ્યપદે છે
વડોદરાની અમદાવાદી પોળમાં રહેતા યોગેશ પટેલ 1990થી લઈને 2017 સુધી સતત 7 ટર્મ સુધી વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે. 1990માં યોગેશ પટેલ રાવપુરા બેઠક પર પહેલીવાર જનતા દળમાંથી લડ્યા હતા અને પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. જોકે 1995થી 2017 સુધી તેઓ ભાજપમાંથી લડીને જીતતા આવ્યા છે. શરૂઆતમાં તેઓ રાવપુરા બેઠક પરથી લડતા હતા. જોકે માંજલપુર બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ તેઓ માંજલપુર બેઠક પરથી જીતતા આવ્યા છે. છેલ્લે 2017માં માંજલપુર બેઠક પર 56,362 મતથી તેઓ જીત્યા હતા અને આ વખતે ફરીથી છેલ્લી વખત ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે તેમની 76 વર્ષની ઉંમર હોવાથી તેમની ટિકિટ કપાવાની નક્કી હતી, પરંતુ તેમની જીદને કારણે ભાજપે તેમને રિપીટ કરવા પડ્યા અને ભાજપે બધા નિયમો નેવે મુકીને 76 વર્ષના ઉમેદવારને ટિકિટ આપવી પડી છે.
પ્રજાના પ્રશ્નો સાંભળવા મંત્રીઓ ન મળતાં સરકાર સામે બાંયો ચડાવી
પ્રજાનાં કાર્યો માટે મંત્રીઓ મળતા ન હોવાથી ધારાસભ્ય યોગેશ પટેલ, કેતન ઇનામદાર અને મધુ શ્રીવાસ્તવે વર્ષ-2018માં સરકાર સામે બાંયો ચડાવી હતી અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇઝરાયેલના પ્રવાસે ગયા, ત્યારે યોગેશ પટેલની આગેવાનીમાં ત્રણેય ધારાસભ્યે વડોદરાના સર્કિટ હાઉસ ખાતે બંધબારણે બેઠક કરી હતી અને મંત્રીઓ તેમજ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધારાસભ્યોની ઉપેક્ષા થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
એ સમયે યોગેશ પટેલે જણાવ્યું હતું કે દર સપ્તાહે મંગળવારે ધારાસભ્યો મંત્રીઓને મળી શકે છે એવો નિયમ છે, પરંતુ કેટલાયે સમયથી કેટલાક મંત્રીઓ ધારાસભ્યોને મળતા નથી. પ્રજાનાં કામો લઈને મંત્રીઓ મળવા જઇએ, ત્યારે મંત્રીઓ હોતા નથી. પ્રજાનાં કામો મંત્રીઓ ન મળવાને કારણે અટકી પડ્યાં છે, જે બિલકુલ યોગ્ય નથી.
કોંગ્રેસના ઇશારે કામ કરતા અધિકારીઓને ચેતવણી આપી હતી
બે વર્ષ પહેલાં વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે તત્કાલિન CM રૂપાણીની હાજરીમાં યોગેશ પટેલે અધિકારીઓને કોંગ્રેસના ઇશારે કામ કરવાનું બંધ કરવાની ચીમકી આપી હતી અને કોંગ્રેસના ઇશારે કામ કરનારા અધિકારીઓ સામે એક્શન લેવાની વાત કરી હતી. અધિકારીઓ નાની-મોટી કરામતો કરવાથી દૂર રહે એવી સાંકેતિક ચેતવણી આપતાં મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીઓ ચૂંટણી વખતે ઘણી જગ્યાએ કોંગ્રેસના કહ્યાગરા બની જાય છે. તેમના કહેવાથી જે-તે વિસ્તારમાં પાણી, વીજળી બંધ કરી દેવાતાં અને પછી તેમના કહેવાથી ફરી ચાલુ થતાં તેઓ વાહવાહી લૂંટતા હોય છે. હવે આ કીમિયા નહીં ચાલે. શાસન તો ભાજપનું જ આવવાનું છે એ સમજી લેજો.
ખાનગી હોસ્પિટલોએ 1880 કરોડ ખંખેર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો
કોરોનાકાળમાં 37,602 લોકોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પાસેથી 1880 કરોડ ખંખેરી ઉઘાડી લૂંટ ચલાવી હોવાનો ઘટસ્ફોટ યોગેશ પટેલે કર્યો હતો. એ સમયે યોગેશ પટેલે કહ્યું હતું કે ‘કોરોના દરમિયાન ખાનગી હોસ્પિટલોએ 37,602 લોકો પાસેથી 1880 કરોડ ખંખેરી લીધા છે. જો અમે ભાવ પર અંકુશ ન લગાવ્યો હોત તો હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી 3500 કરોડ ચાર્જ રૂપે વસૂલ્યા હોત. ઉપરાંત લેબ, એક્સ-રે, સીટી સ્કેન સહિતના રિપોર્ટના રૂપિયા પણ હોસ્પિટલ ચાર્જ ઉપરાંત થયા છે. કોરોનામાં દર્દી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પહોંચે ત્યારથી દર્દીના પરિવાર પાસેથી બેફામ 10 લાખથી 50 લાખ પડાવ્યા છે. આ મામલો તપાસ કરતાં અમે હોસ્પિટલોના ચાર્જમાં 50 ટકાનો ઘટાડો કરાવ્યો હતો.
'ડોક્ટરો મનસ્વી રીતે ફી વસૂલે છે'
યોગેશ પટેલે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં અને એ પછી પણ ડોક્ટરો મનસ્વી રીતે ફી વસૂલે છે. એનાં કોઈ ધારાધોરણો નક્કી થયાં નથી. સરકારે પણ આનાં ધારાધોરણો નક્કી કરવા પડશે. લોકો ચૂકવી પણ ન શકે એવાં બિલો હોસ્પિટલો દ્વારા બને છે.
પાણીના મુદ્દે તંત્ર સામે બાંયો ચડાવી 6 મહિના પહેલાં વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલે સિંધરોટ પ્રોજેકટનું પાણી દક્ષિણ વિસ્તારને આપવા રજૂઆત કરી હતી. 18 જૂને શહેરના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આયોજીત પીએમના કાર્યક્રમને લઈને થઈ રહેલી તૈયારીઓ અંગે સમીક્ષા કરવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પટેલ વડોદરા આવ્યા હતા. ખાનગી હોટલમાં મળેલી બેઠકમાં શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપરાંતં સાંસદ, ધારાસભ્યો, મેયર, ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કાર્યક્રમની તૈયારી અંગે હોદ્દેદારોએ સી.આર પાટીલને અવગત કર્યા હતા. બેઠક બાદ મેયર કેયૂર રોકડિયાએ સિંધરોટ પાણી પ્રોજેક્ટમાંથી દક્ષિણ ઝોનમાં 30 એમએલડી પાણી આપવામાં આવશે, એમ કહેતાં જ ત્યાં હાજર ધારાસભ્ય યોગેશ પટેલ ભડકયા હતા.
યોગેશ પટેલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં મેયર કેયૂર રોકડિયાને કહ્યું હતું કે માંજલપુરને 50 એમએલડી પાણી મળવું જ જોઈએ. જો નહીં મળે તો સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવી જન આંદોલન સાથે વિરોધ કરવામાં આવશે. બેઠક બાદ મેયર અને ધારાસભ્ય વચ્ચે થયેલા તીખા સંવાદથી ત્યાં હાજર હોદ્દેદારો એક તબક્કે આશ્ચર્યમાં મુકાયા હતા.
સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
10 મહિના પહેલાં વડોદરા મહાનગરપાલિકામાં ધારાસભ્યોની સંકલનની બેઠકમાં યોગેશ પટેલે જણાવ્યું હતું કે અમારા મત વિસ્તારમાંથી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થતી ન હોવાથી કામો થતાં નથી. કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરનો કચરો માંજલપુર વિસ્તારમાં ડમ્પ કરવામાં આવે છે, જેને કારણે માંજલપુર વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે, પરંતુ કચરાનું ડમ્પિંગ જે-તે ઝોનમાં કરવામાં આવે એ જરૂરી છે. જો કોર્પોરેશન દ્વારા માંજલપુર વિસ્તારમાં ઠલવાતા કચરા બાબતે વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે,. એવી ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.