• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • While The Fire Brigade Building Was Being Demolished In Vadodara's Dandia Bazaar, A Heap Collapsed Near The Main Door Of The Apartment Next To The Rubble, 7 People Were Rescued Trapped.

રેસ્ક્યૂ:દાંડિયા બજાર ફાયર સ્ટેશનની જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી,7નો બચાવ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
7 લોકોને ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યા - Divya Bhaskar
7 લોકોને ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યા
  • કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ | સ્લેબ બાજુની ઇમારત પર પડતાં રહીશો ફસાયાં
  • ફાયરબ્રિગેડ​​​​​​​ દ્વારા હાઇડ્રોલિક​​​​​​​ એલિવેટેડ પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યૂ કરાયું

દાંડિયાબજાર ફાયર સ્ટેશનની જૂની જર્જરિત બિલ્ડિંગને ડિમોલિશન કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હતી, જે કામગીરી દરમિયાન શુક્રવારે સાંજે 7-30 વાગ્યાના અરસામાં બિલ્ડિંગનો સ્લેબ અચાનક ધરાશાયી થઈ બાજુમાં આવેલી હીરા વિલા બિલ્ડિંગના દરવાજા પર પડ્યો હતો. જેને પગલે બિલ્ડિંગના પહેલા માળે બે સિનિયર સિટીઝન અને ઉપરના માળે એક દંપતી ફસાયું હતું. ફાયરબ્રિગેડ દ્વારા વડીવાડીથી હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ મગાવી બે કલાકની જહેમત બાદ રાતના 9:30 વાગે સિનિયર સિટીઝન અને 10 વાગ્યાના અરસામાં અન્ય બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું હતું.

હેમખેમ નીચે ઉતરેલા સિનિયર સિટિઝને કોન્ટ્રાક્ટરની બેદરકારી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય કામગીરી ન કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.પાલિકા દ્વારા ભરત દેસાઇ નામના કોન્ટ્રાક્ટરને ફાયરબ્રિગેડનું બિલ્ડિંગ ઉતારવાની કામગીરી સોંપાઈ હતી, જે પૈકી શુક્રવારે સાંજે કામ બંધ થયા બાદ કોન્ટ્રાક્ટરના માણસોને ઘેર ગયા પછી આ દુર્ઘટના સર્જાઇ હતી. ટ્રાફિકથી ધમધમતા મુખ્ય માર્ગ પર સ્લેબ ધરાશાયી થતાંની સાથે જ નાસભાગનાં દૃશ્યો સર્જાયાં હતાં. ફાયરબ્રિગેડ દ્વારા 70 વર્ષીય વિજયભાઈ પરીખ અને 68 વર્ષીય નીરૂબેન પરીખને પહેલા માળેથી નીચે ઉતાર્યા હતાં.

આ સિવાય શર્મિષ્ઠાબેન પરીખ, નયનાબેન પરીખ,સંકેતભાઈ પરીખ, દિપીકાબેન પરીખ ઉપરાંત 12 વર્ષના બાળક લક્ષ પરીખ સહિત કુલ 7 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સદ્નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

બિલ્ડિંગ ઉતારતી વખતે સર્જાઈ અવ્યવસ્થા
બિલ્ડિંગ ઉતારતી વખતે સર્જાઈ અવ્યવસ્થા

જો સ્લેબ રોડ પર પડ્યો હોત તો કોઈનો જીવ જાત
ટ્રાફિકથી ધમધમતા દાંડિયા બજાર મુખ્ય માર્ગ ઉપર 7-30 વાગ્યાના અરસામાં બનેલી દુર્ઘટના વેળા સદ્નસીબે સ્લેબ બિલ્ડિંગના દરવાજા તરફ ધરાશાયી થતાં કોઇ જાનહાનિ થઇ નહોતી. જો આ સ્લેબ અથવા કાટમાળ રોડ તરફ પડ્યો હોત તો કોઇ વાહનચાલક કે રાહદારીનો જીવ ચોક્કસ જાત.

પોતાના મકાનમાં ફસાઈ ગયેલા પરિવારજનોએ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતાં તુરંત જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ લાશ્કરો સાથે દોડી ગયા હતા અને સ્નોરસ્કેલની મદદથી એપાર્ટમેન્ટના બીજા અને ચોથા માળે ફસાયેલા લોકોને સહી સલામત ઉતારી લીધા હતા. ફાયર બ્રિગેડની કામગીરી જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

રાતના 10 વાગ્યા સુધી રોડ બંધ કરવો પડ્યો
શહેરની મધ્યમાં સુરસાગરથી દાંડિયા બજાર ચાર રસ્તા સુધીનો માર્ગ રાત્રે સાડા સાતથી દસ વાગ્યા સુધી બંધ કરવાની ફરજ પડી હતી. બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ વડીવાડીથી મગાવ્યા બાદ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને પગલે રોડની બંને બાજુ બેરિકેડિંગ કરી ટ્રાફિક ડાઇવર્ટ કરવો પડ્યો હતો.

કોન્ટ્રાક્ટરને ત્રણ વાર કહ્યું કે, કાળજી રાખજો
1952થી આ બિલ્ડિંગમાં અમે રહીએ છીએ. કોન્ટ્રાક્ટરે અમારી ગેસ-પાણીની લાઈન તોડી નાખી હતી. કામગીરી વેળા અમારી બિલ્ડિંગને નુકસાન ન થાય અને અમને હાનિ ન પહોંચે તે અંગે વારંવાર કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું કે પરંતુ તેણે દરકાર લીધી નથી. - વિજય પરીખ, બિલ્ડિંગમાં રહેનાર

ઘરમાં ~2 લાખનું નુકસાન થયું
અમે લોકો ઘરમાં ટીવી જોતા હતા. દરમિયાન અચાનક ધરતીકંપ જેવો અવાજ થયો અને ઘરમાં બારી અને બારણાં તૂટી ગયા. અંદાજે બે લાખ રૂપિયા જેટલું નુકસાન છે. આખું બિલ્ડિંગ ધ્રુજી ઊઠયું હતું. અમે મોતના મોઢામાંથી બહાર આવ્યા તેવું લાગ્યું.- નીરૂબેન પરીખ, બિલ્ડિંગમાં રહેનાર

અન્ય સમાચારો પણ છે...