લૂંટારુઓ ત્રાટક્યા:પુત્રવધૂ સાથે પાસપોર્ટ લેવા જતાં વૃદ્ધાનો ચાલુ વાહને અછોડો તૂટ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂના પાદરા રોડ પર ધોળે દિવસે બાઇક સવાર લૂંટારુઓ ત્રાટક્યા
  • 2 લૂંટારાઓ અક્ષરચોક તરફ ભાગ્યા, 45 દિવસમાં ત્રીજો બનાવ

શહેરના જે.પી. રોડ વિસ્તારમાં પુત્રવધૂ સાથે મોપેડ પર પાસપોર્ટ લેવા જઇ રહેલી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડી બાઈક પર આવેલા બે જણા ફરાર થઇ ગયા હતા. બનાવના સંબંધમાં જે.પી.રોડ પોલીસે તપાસ હાથ ધરી છે. માંજલપુરમાં જૈન મંદિર રોડ પર આદિનાથ ડુપ્લેક્સમાં રહેતાં 67 વર્ષીય કનકબેન હર્ષદભાઈ શાહ શનિવારે બપોરના સમયે તેમના પુત્ર નિશાંતની પત્ની વાસવીબેન સાથે મોપેડ એવિએટર લઇને જૂના પાદરા રોડ આવેલી પેરાડીમ બ્લુડાર્ટ ઓફિસમાં પાસપોર્ટ લેવા જતાં હતાં.

દરમિયાન સાંજના 4 વાગ્યાના સુમારે વોર્ડ 6ની સામે આવેલી વિનસ હોસ્પિટલ પાસે ઓપી રોડ પર પાછળથી કાળા કલરની પલ્સર બાઈક પર બે જણાં આવ્યા હતા. જે પૈકી પાછળ બેઠેલા ગઠિયાએ કનકબેનના ગળામાંથી 40 હજારની કિંમતની સોનાની ચેઈન તફડાવી લીધી હતી, જે બાદ બંને અક્ષરચોક તરફ ભાગી ગયા હતા. બાઇક પર બેઠેલા બંને શખ્સો 30 વર્ષના જણાતા હતા. જે.પી. રોડ પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા 45 દિવસમાં ગોત્રી અને જુના પાદરા રોડ વિસ્તારમાં અછોડો તૂટવાના 3 બનાવો બની ચૂક્યાં છે. જેને પગલે મહિલાઓમાં ગભરાટ અને ફફડાટ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...