હું તો મરીશ, તમને પણ મારતો જઇશ...:વડોદરાની વાઘોડિયા બેઠક ઉપર ભાજપાના બળવાખોર ઉમેદવાર કયા ઉમેદવારનો ખેલ બગાડશે ? કોંગ્રેસ દિવસે જીતના સપના જોવે છે

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીનો પ્રચાર જામી રહ્યો છે - Divya Bhaskar
ચૂંટણીનો પ્રચાર જામી રહ્યો છે
  • ક્ષત્રીય મતદારો જે તરફ વળશે તે ઉમેદવાર માટે વિજયની તક વધુ
  • અપક્ષ ઉમેદવારના કરોડોનો ખર્ચો માથે પડશે ?
  • ભાજપાના ઉમેદવાર ઉપર મતદારો ભરોસો કરશે?

વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા બેઠક ઉપર ભાજપાએ ટિકીટ ન આપતા બળવો કરી અપક્ષ ચૂંટણી લડી રહેલા દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કયા ઉમેદવારનો ખેલ બગાડશે ? તે અંગેની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. કહેવાય છે કે, ભાજપા દ્વારા ટિકીટ ન આપતા દબંગ ઉમેદવારનું પ્રથમ લક્ષ્ય ભાજપા અને બીજુ લક્ષ્ય અપક્ષ ઉમેદવાર છે. ત્યારે દબંગ નેતાના આ ગણીત વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર જીતના સપનાં જોઇ રહ્યું છે. જોકે, વાઘોડિયા બેઠક ઉપર હુકમનો એક્કો ક્ષત્રીય મતદારો સાબિત થશે.

વાઘોડિયા બેઠક જીતવા પાણીની જેમ ખર્ચ કરી રહી રહેલા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા
વાઘોડિયા બેઠક જીતવા પાણીની જેમ ખર્ચ કરી રહી રહેલા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા

બે કદાવર નેતા અપક્ષ લડી રહ્યા છે
વાઘોડિયાની બેઠક ઉપર ભાજપામાંથી અશ્વિન પટેલ, કોંગ્રેસમાંથી સત્યજીતસિંહ ગાયકવાડ, અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ભાજપાએ ટિકીટ ન આપતા બળવો કરી ચૂંટણી લડી રહેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાંથી ગૌતમ રાજપૂત સહિત ત્રણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આમ કુલ 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયાની બેઠક ઉપર ભાજપા અને કોંગ્રેસના બે ઉમેદવારો સામે બે કદાવર નેતા અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપાના બળવાખોર ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ
ભાજપાના બળવાખોર ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ

ભાજપા ઉમેદવાર ભાજપા ભરોસે
વાઘોડિયા બેઠક ઉપર દબંગ મધુ શ્રીવાસ્તવે 7મી વખત ચૂંટણી લડવા માટે ટિકીટ માંગી હતી. પરંતુ, સ્થાનિક મતદારોના ભારે રોષને કારણે ભાજપા દ્વારા જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયેલા અને વર્તમાન જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલને ટિકીટ આપી છે. ભાજપા તેની સ્ટ્રેટેજી પ્રમાણે ઉમેદવારને જીતાડી લાવવા માટે ભાજપાનું સંગઠન કામે લગાવી દીધું છે. તો બીજી બાજુ વર્ષ-2017માં 10 હજાર જેટલા મતોથી પરાજય થયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી હારનો શોક ભુલાવી પુનઃ 2022 ની ચૂંટણી લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયેલા ભાજપાના ઉમેદવાર અશ્વિન પટેલ
જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયેલા ભાજપાના ઉમેદવાર અશ્વિન પટેલ

બળવો થતાં સમીકરણ બદલાયા
ભાજપા અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ન હતી. તે સમયે વાઘોડિયા બેઠક ઉપર જીતની યાદીમાં તેમનું નામ પ્રથમ હરોળમાં હતું. પરંતુ, ઉમેદવારોની જાહેરાત બાદ અને તેમાંય ભાજપાએ ટિકીટ ન આપતા બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ચૂંટણી મેદાનમાં ઉતરતા ઉમેદવારોના જીતના સમીકરણ બદલાઇ ગયા છે. દરેક મતદારોમાં એકજ ચર્ચા છે કે, મધુ શ્રીવાસ્તવ કયા ઉમેદવારને નુકશાન પહોંચાડશે ?

વાઘોડિયા બેઠક ઉપર દિવસે જીતના સપના જોતા કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડ
વાઘોડિયા બેઠક ઉપર દિવસે જીતના સપના જોતા કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડ

ક્ષત્રીય મતદારો સૌથી વધુ
વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર જાતી આધારીત મતો જોવામાં આવે તો વાઘોડિયામાં ક્ષત્રીય-1,07622, પટેલ- 24139, વસાવા-26407, રાઠોડીયા-8822, નાયક-5934, તાલવીયા-1342, ભાલીયા-9478, બારીયા-6484, માળી-2052, ભરવાડ-4074, તડવી-2614, મુસ્લીમ-3279, શેખાજી-4986, વણીક (શાહ)-2116, ઓ.બી.સી.-8791 અને અન્ય-ચમાર, નાયર વિગરે- 18647 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ મતદારો ક્ષત્રીયના 1,07,622 છે.

દરેક ઉમેદવારને જીતની આશા
મળેલી માહિતી પ્રમાણે જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ચૂકેલા ભાજપાના ઉમેદવાર અશ્વિન પટેલ માત્રને માત્ર ભાજપાના નિશાનના ભરોસે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડને એવી આશા છે કે, વાઘોડિયાના મતદારો પરિવર્તન ઝંખી રહ્યા છે. અને મોંઘવારી તેમજ બેરોજગારીથી ત્રસ્ત પ્રજા કોંગ્રેસ તરફ વળશે. તો ભાજપામાં બળવો કરી અપક્ષ ચૂંટણી લડી રહેલા દબંગ ધારાસભ્ય મઘુ શ્રીવાસ્તવને એવી આશા છે કે, વાઘોડિયાના મતદારોનો હજુ એકવાર તક આપશે. તેઓ માને છે કે, આદિવાસી, બારીયા, નાયક, ક્ષત્રીય સહિતના મતદારો તેમની સાથે છે. જ્યારે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આત્મવિશ્વાસ છે કે, ગત ચૂંટણીમાં વિધાનસભામાં ન મોકલનાર વાઘોડીયા વિધાનસભા મત વિસ્તારના મતદારો આ વખતે ચોક્કસ જીતાડીને વિધાનસભામાં મોકલશે.

હું તો હારીશ પણ બીજાને પણ હરાવતો જઇશ
ઉલ્લેખનિય છે કે, મધુ શ્રીવાસ્તવને જીત મેળવવી મુશ્કેલ છે. પરંતુ, તેઓ અંદાજે 30 થી 35 હજાર મતો લઇ જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે આ મતો ભાજપાને નુકશાન કરશે કે પછી જીતના પ્રબળ દાવેદાર મનાતા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને નુકશાન કરશે ? તે અંગે મતદારોમાં ભારે ચર્ચાનો વિષય છે. એવી પણ ચર્ચા છે કે, ભાજપાના બળવાખોર ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનું લક્ષ્ય એ છે કે, ભલે પોતે ન જીતે પરંતુ, ભાજપા કે હરીફ અપક્ષ ઉમેદવારને જીતવા નહિં દઉ. ત્યારે ભાજપા અને બે અપક્ષોની લડાઇમાં કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડ ધોળે દિવસે જીતના સપના જોઇ રહ્યા છે.

મતદારોનું મૌન ઉમેદવારોને મુંઝવણમાં મુકી રહ્યું છે
ઉલ્લેખનિય એ પણ છે કે, વાઘોડીયાની બેઠક ઉપર કયા ઉમેદવારને જીત અપાવવી તે 1,07,622 ક્ષત્રીય મતદારોના હાથમાં છે. ક્ષત્રીય મતદારો જે ઉમેદવાર તરફ વળશે તે ઉમેદવારની જીત નિશ્ચિત મનાય છે. પરંતુ, સ્થિતી એ છે કે, ક્ષત્રીયના મતદારોનું વિભાજન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે, ક્ષત્રીયો મતદારોનું અકળ મૌન ઉમેદવારોની મુંઝવણ વધારી રહ્યા છે. ક્ષત્રીય મતદારો કોઇ પણ ઉમેદવાર પ્રચારમાં આવે છે ત્યારે જે તે ઉમેદવારોને મત આપવાની ખાતરી આપી રહ્યા છે. અને પોતાનો વર્તમાન સમયમાં ફાયદો શોધી રહ્યા છે. પરિણામે વાઘોડિયા બેઠક ઉપર બાજી કોણ મારશે ? તે વર્તમાન સ્થિતીમાં કહેવું મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...