રાજ્યના શ્રમીક કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમજીવીઓને રૂપિયા 10 માં ભોજન મળી રહે તે માટે શ્રમીક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી. દરમિયાન કોરોનાના કાળ સમયે આ યોજના બંધ કરવામાં આવી હતી. કોરોના બાદ સરકાર દ્વારા ઘટાડો કરી રૂપિયા 5માં શ્રમીક અન્નપૂર્ણા યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ, મહિનાઓ પસાર થઇ ગયા હોવા છતાં, આ યોજના શરૂ થઇ નથી. ત્યારે શ્રમજીવીઓ સરકાર શ્રમીક અન્નપૂર્ણા યોજના વહેલીતકે શરૂ કરે તેવી માંગણી કરી રહ્યા છે. નોંધનીય છે કે, તાજેતરમાં સુપ્રિમ કોર્ટે સરકારને કહ્યું હતું કે, ભારતનો કોઇ નાગરીક ભૂખ્યો ન સૂઇ જાય.
કડીયાનાકા ઉપર ભેગા થાય છે
શહેરમાં વડોદરા જિલ્લા સહિત તેના પાડોશી જિલ્લાઓ અને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રમીકો કામ કરવા માટે આવે છે. શ્રમીકો કામની શોધમાં વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તોરોમાં ચાર રસ્તા ઉપર ઉભા રહે છે. જે કડીયાનાકા તરીકે ઓળખાતા તરીકે ઓળખાય છે. આ કડીયાનાકાઓ ઉપર વહેલી સવારથી મોડી સવાર સુધી શ્રમીકો કામની શોધમાં ઉભા રહેતા હોય છે. આ કડીયા નાકાઓ ઉપર કડીયા કામના કારીગરો, કલર કામના કારીગરો, પ્લમ્બીંગ કામ કરનાર કારીગરો, મજૂરી કામ કરનાર સહિત શ્રમીકો કામની શોધમાં ઉભા રહેતા હોય છે. આ કડીયાનાકાઓ ઉપર કોન્ટ્રાક્ટરો તેમજ છૂટક કામ કરાવવા માટે લોકો જતા હોય છે. અને શ્રમીકોને કામ કરવા માટે લઇ જતા હોય છે.
દર-દર ભટકવાનો વખત
જે લોકોને કામ મળતું નથી. તેવા શ્રમીકોને તે દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ જાય છે. અને બપોરનું ભોજન કરવા માટે ફાંફા મારવા પડે છે. ક્યારેક તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ દ્વારા વિનામુલ્યે અપાતા ભોજનની શોધ કરીને ભોજન કરવાની ફરજ પડતી હોય છે. ત્યારે આવા કામ ન મળતા મુશ્કેલીમાં મુકાતા શ્રમીકો માટે શ્રમીક અન્નપૂર્ણા યોજના આશિર્વાદરૂપ હતી. પરંતુ, કોરોના કાળ દરમિયાન આ યોજના બંધ કરી દેવામાં આવતા શ્રમીકોને બપોરના સમયે ભોજન માટે દર-દર ભટકવાનો વખત આવ્યો છે.
શ્રમીક ફાળામાં ઘટાડો
કોરોના કાળ પૂર્વે શ્રમીક અન્નપૂર્ણા યોજનામાં શ્રમીક ફાળો રૂપિયા 10 લઇને ભોજન આપવામાં આવતું હતું. આ ભોજનમાં દાળ-ભાત, શાક અને રોટલી, અથાણું આપવામાં આવતું હતું. અને અઠવાડીયામાં એક વખત સુખડી આપવામાં આવતું હતું. સરકાર દ્વારા આ યોજનામાં શ્રમીક ફાળામાં ઘટાડો કરીને રૂપિયા 5 શ્રમીક ફાળો લઇને ભોજન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ, સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પણ મહિનાઓ પસાર થઇ ગયા છે. પરંતુ, આ યોજના શરૂ કરવામાં આવી નથી.
અનેકવાર રજૂઆત કરી
શહેરના સામાજિક કાર્યકર ચિરાગભાઇ કડીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના શ્રમીક બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રમીક અન્નપૂર્ણા યોજના કોરોના કાળ દરમિયાન બંધ કરવામાં આવી હતી. આ યોજના ચાલુ કરવા માટે અનેક વખત સબંધિત વિભાગને મૌખીક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, હજુ સુધી શ્રમીક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવતી નથી. સરકાર દ્વારા પહેલાં રૂપિયા 10માં ભોજન આપવામાં આવતું હતું. હવે સરકાર દ્વારા રૂપિયા 5 માં ભોજન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના વહેલી તકે શરૂ કરવામાં આવે તે માટે આંદોલન પણ કરવામાં આવ્યા છે. પરંતુ, સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવતી નથી. ત્યારે મારી માંગણી છે કે, સરકાર દ્વારા વહેલી તકે આ યોજના શરૂ કરવામાં આવે.
ટૂંક સમયમાં લાભ મળશે
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, વડોદરા કચેરીના પ્રોજેક્ટ મેનેજર ઉપેન્દ્રભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, શ્રમીક અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માટે અમારા બોર્ડની સંપૂર્ણ તૈયારી છે. અમે સરકારની લીલી ઝંડીની રાહ જોઇ રહ્યા છે. વડોદરામાં 12 કડીયાનાકા વૃંદાવન ચાર રસ્તા, અભિલાષા ચાર રસ્તા, સંગમ ચાર રસ્તા, આજવા પાણીની ટાંકી, ન્યાય મંદિર, તરસાલી, જ્યુપીટર, માંજલપુર, મનિષા ચોકડી, ગોરવા, છાણી અને હરીનગર પાણીની ટાંકી ખાતે અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવામાં આવતો હતો. આ તમામ જગ્યાએથી પ્રતિદિન 500 જેટલા લોકો તેનો લાભ લેતા હતા. આ યોજના શરૂ થયા બાદ બીજા નાકા માણેજા અને રેલવે સ્ટેશન ખાતેથી પણ શ્રમીકોને ભોજનનો લાભ મળે તેવું આયોજન છે. હવે આ યોજના અંતર્ગત શ્રમીક ફાળો રૂપિયા 5 લઇને શ્રમીકોને ફાળો આપવામાં આવશે. શ્રમીક અન્નપૂર્ણા યોજનાનો લાભ ટૂંક સમયમાં શ્રમીકોને મળતો થઇ જશે. ગાંધીનગર અને અમદાવાદમાં આ યોજના શરૂ કરી દેવામાં આવી છે.
વિવિધ યોજનાઓ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા બોર્ડ દ્વારા શ્રમીક અન્નપૂર્ણા યોજના ઉપરાંત ઇ-નિર્માણ કાર્ડ, પ્રસુતિ સહાય યોજના, શિક્ષણ સહાય યોજના, પી.એચ.ડી. માટેની સહાય યોજના, આકસ્મીક મૃત્યુ સહાય જેવી વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ શ્રમીકોને આપવામાં આવે છે. આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે અમારા બોર્ડ દ્વારા ગામેગામ તેમજ કડીયાનાકાઓ ઉપર જઇ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.